ઉન્નાવ : ઉત્તર પ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26o 07’થી 27o 02′ ઉ. અ. અને 80o 03’થી 81o 03′ પૂ.રે.ની વચ્ચેનો આશરે 4,558 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હરદોઈ, ઈશાન અને પૂર્વમાં લખનૌ, દક્ષિણમાં રાયબરેલી તથા પશ્ચિમે કાનપુર જિલ્લાઓ આવેલા છે. કાનપુરથી અલગ પડતી જિલ્લાની પશ્ચિમ સરહદે ગંગા નદી વહે છે. જિલ્લામથક ઉન્નાવ જિલ્લાની લગભગ મધ્યમાં પશ્ચિમ તરફ આવેલું છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લો સિંધુ-ગંગાના કાંપથી બનેલા મેદાની પ્રદેશમાં આવેલો છે, ગંગા નદીની ઉત્તરના ભાગમાં સપાટ મેદાનો આવેલાં છે. ભૂપૃષ્ઠનો સામાન્ય ઢોળાવ અગ્નિકોણ તરફનો છે. અહીં નીચાણવાળા અને ઊંચાણવાળા ભૂમિભાગો આવેલા છે. નીચાણવાળા ભાગો પશ્ચિમ તરફ ગંગાની ધારે ધારે તથા દક્ષિણ તરફ સાઈ નદીની આજુબાજુ આવેલા છે. તે જિલ્લાના કુલ વિસ્તારનો આશરે 24 % ભૂમિભાગ આવરી લે છે. ગંગાખીણનો ભૂમિભાગ તરાઈ અથવા ખદર નામે ઓળખાય છે. અહીં અવારનવાર પૂર પ્રસરે છે. વસ્તીનું પ્રમાણ ઓછું છે. નીચાણવાળો આ વિસ્તાર ઘાસ અને બાવળનાં વૃક્ષોથી આચ્છાદિત છે. સૂકી મોસમમાં અહીં ખરીફ અને રવી કૃષિપાકો લેવાય છે.

ઊંચાણવાળો ભૂમિભાગ જિલ્લાના કુલ વિસ્તારનો આશરે 76 % વિસ્તાર આવરી લે છે. આ વિસ્તાર અસમતળ ભૂપૃષ્ઠ ધરાવે છે. જમીનો ફળદ્રૂપ ગોરાડુ પ્રકારની છે. અહીં ઊસના ખરાબા તેમજ છીછરાં થાળાં જોવા મળે છે, થાળાં ક્યાંક ક્યાંક રેતાળ જમીનોથી રચાયેલા ટેકરાઓવાળાં પણ છે. જ્યાં જ્યાં થાળાં ઊંડાઈવાળાં છે ત્યાં તળાવો કે સરોવરોની રચના થયેલી પણ જોવા મળે છે. તેનાં પાણી સસ્તી અને સરળ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરી આપે છે. તેને પરિણામે ડાંગરનો પાક સારા પ્રમાણમાં મેળવાય છે.

જંગલોનું પ્રમાણ ઓછું છે, તે વધારવા માટે નદીનાળાંને કાંઠે તેમજ કાંપ, મૃદ અને ઊસવાળા ભાગોમાં બાવળ, વાંસ, બોરડી, ખેર, સિસૂ અને મુંજનાં વૃક્ષો ઉગાડવાનું આયોજન કરેલું છે. રેતાળ ભૂમિમાં કણજી, અરુ, શીમળો, વાંસ, ખેર અને સાગનાં વૃક્ષો વાવવામાં આવેલાં છે. આ ઉપરાંત અહીં આંબા અને મહુડાનાં ઝુંડ તથા તેની સાથે સાથે જાંબુડો, બેલ, રોમા, લીમડો અને સિસૂનાં વૃક્ષો પણ જોવા મળે છે. જંગલોનો વિસ્તાર ઘટી જવાથી વસવાટ વધ્યો છે, પરંતુ વન્ય પ્રાણીજીવન ઓછું થઈ ગયું છે.

ઉન્નાવ જિલ્લો

જળપરિવાહ : ગંગા અને સાઈ અહીંની મહત્વની નદીઓ છે. ગંગાને મળતી કલ્યાણી, લોણી અને મુરહી જેવી શાખાનદીઓ તેમના કાંઠા ઊંચાઈ પર હોવાથી સિંચાઈના ઉપયોગમાં આવતી નથી, જ્યારે જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે આ સહાયક નદીઓમાં પૂર આવે છે અને કાંઠાઓની બંને બાજુના ભાગોમાં પાણી પ્રસરી જાય છે. વળી જિલ્લાના દક્ષિણ તેમજ પૂર્વ ભાગોમાં પંકપ્રદેશો અને સરોવરો રચાઈ જાય છે. તેમનાં જળ રવી પાકોને સિંચાઈ પૂરી પાડવા ઉપયોગમાં લેવાય છે.

ખેતી : જિલ્લાનું અર્થતંત્ર ખેતી પર આધારિત છે. જિલ્લામાંના શ્રમિકો પૈકી અંદાજે 87 % લોકો ખેતી કે ખેતી સંબંધિત કામોમાં રોકાયેલા રહે છે. અહીં અવારનવાર આવતાં રહેતાં પૂર તેમજ ક્યારેક પ્રવર્તતી દુકાળની પરિસ્થિતિને કારણે પૂરતા પ્રમાણમાં ખેતીના પાકો લઈ શકાતા નથી. વળી ગ્રામીણ વિસ્તારોને સિંચાઈની સગવડો ઓછા પ્રમાણમાં મળે છે, વળી જ્યાં ઓછો વરસાદ પડે છે ત્યાં પણ અછતની સ્થિતિ પ્રવર્તે છે. તરાઈ અથવા ખદરની ભૂમિમાં પૂરનાં પાણી ફરી વળવાથી ત્યાં પંક છવાયેલો રહે છે તથા વસ્તીનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે. આવી ભૂમિનો ઘણોખરો વિસ્તાર બાવળનાં વૃક્ષો અને ઘાસથી છવાયેલો રહે છે. આ કારણે સૂકી મોસમમાં રવી પાક વધુ પ્રમાણમાં પણ ખરીફ પાકો ઓછા પ્રમાણમાં લેવાય છે. આ ઉપરાંત, નીચાણવાળી ભૂમિ સખત માટીથી બનેલી છે; એટલું જ નહિ, ત્યાં ઊસવાળા વિસ્તારો પણ છવાયેલા રહે છે.

જિલ્લામાં મુખ્યત્વે ખરીફ અને રવી પાકો અને ઓછા પ્રમાણમાં (2 %) જૈદ પાક લેવાય છે. ઘઉં, ડાંગર, જવ, મકાઈ, ચણા, તુવેર અને મગફળી અહીંના મુખ્ય કૃષિપાકો છે. ખેતીમાં પરંપરાગત ચાલી આવતી પદ્ધતિ અપનાવાય છે. તેમાં હવે સુધારો થતો જાય છે.

પશુપાલન : ગાય, ભેંસ, ઘેટાં-બકરાં અહીંનાં મુખ્ય પશુઓ છે, પશુઓની ઓલાદ ઊતરતી કક્ષાની હોવાથી જિલ્લામાં પશુદવાખાનાં, કૃત્રિમ ગર્ભાધાનકેન્દ્રો તેમજ એક ઘેટાં-ઉછેર મથક ઊભાં કરાયાં છે. ઘેટાંની સારી ઓલાદ મેળવવા ઘેટાં-ઉછેર મથકને અંદાજે 4,000 જેટલા રૅમ ઘેટાં પૂરાં પાડવામાં આવ્યાં છે. જિલ્લામાં કેટલાક લોકો જીવન-નિભાવ માટે નદીઓ, સરોવરો અને તળાવોમાં મત્સ્યપ્રવૃત્તિ પણ કરે છે. મત્સ્યઉછેર અને સુધારણા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે.

ઉદ્યોગો : જિલ્લામાં ખનિજોનું પ્રમાણ નહિવત્ છે. ગંગાકાંઠે પુષ્કળ પ્રમાણમાં રેતી મળે છે. જિલ્લામાં આશરે 50 જેટલાં કારખાનાં તેમજ 162 જેટલા નાના પાયા પરના ઔદ્યોગિક એકમો આવેલા છે. મહત્વના વ્યવસાયોમાં ચામડાં કમાવાનો ઉદ્યોગ, પગરખાં, સુથારીકામ, લુહારીકામ, સાદડી અને ટોપલી બનાવવાનું કામ, પિત્તળનાં વાસણો તથા પથ્થર ઘડવાનું કામ ચાલે છે. ઉન્નાવ તાલુકાના અક્રમપુર ખાતે સુપર ફૉસ્ફેટ અને રસાયણો બનાવતી ઔદ્યોગિક વસાહત સ્થપાયેલી છે. લોખંડની ભઠ્ઠીઓમાં લોખંડનાં ગટર-ઢાંકણાં તેમજ પાઇપો બનાવાય છે. કાચની બાટલીઓ અને નાની શીશીઓ તથા કાચની અન્ય ચીજવસ્તુઓ પણ બને છે. અક્રમપુરની વસાહતમાં કૃષિસાધનોનું ઉત્પાદન થાય છે. હાથસાળોમાં ધોતી, ચાદરો, રજાઈની ખોળ, ટુવાલ બનાવાય છે. ગૃહ-ઉદ્યોગમાં ચિકન-ભરતકામ થાય છે. શાહી, તમાકુ-પેદાશ અને ઔષધીય લાલ તેલ આ જિલ્લાની ખાસ પેદાશો છે. એ જ રીતે ચર્મ-સંકુલ અને લોખંડની ભઠ્ઠીઓ પણ ઊભાં થયેલાં છે. દારૂ તથા બિયર ગાળવાની ભઠ્ઠીઓ અહીં આવેલી છે. ખંડેલવાલ ઍક્સ્ટ્રેક્શન્સ લિ., સોમાણી આયર્ન ઍન્ડ સ્ટીલ્સ લિ. તથા ઝંડુ ફાર્માસ્યૂટિકલ વર્કસ લિ. અહીંના જાણીતા ઉદ્યોગો છે.

વેપાર : જિલ્લામાં ચોખા, શેકેલા ચોખા, ઘઉં, રાઈનું તેલ, પિત્તળનાં વાસણો, કાચનાં પાત્રો, સ્ટ્રૉબૉર્ડ, તમાકુ, રૂ, પતરાની પેટીઓ, સાબુ જેવી પેદાશોનું ઉત્પાદન લેવાય છે. નિકાસી ચીજોમાં કેરી, ફુલેવર, ઘઉં, ચોખા, શેકેલા ચોખા, તમાકુ, પિત્તળનાં વાસણો તથા આયાતી ચીજોમાં ડીઝલ, ખાંડ, કાપડ, કોલસો, સૂતર, ચામડું, ગોળ, હાડકાં વગેરેનો સમાવેશ થાય છે. ઉન્નાવ શહેર ખાતે ખેતપેદાશોના ખરીદ-વેચાણનું મોટું કેન્દ્ર આવેલું છે.

પરિવહન : જિલ્લામાં 150 કિમી.ના બ્રૉડગેજ અને 40 કિમી.ના મીટરગેજ રેલમાર્ગો છે; તેમ છતાં જિલ્લાના મોટાભાગના લોકોની અવરજવર તેમજ માલસામાનની હેરફેર સડકમાર્ગો દ્વારા થાય છે. જિલ્લામાં કુલ 738 કિમી.ના સડકમાર્ગો છે. તે પૈકી 67 કિમી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગો, 109 કિમી.ના રાજ્ય ધોરી માર્ગો અને 756 કિમી.ના જિલ્લામાર્ગો છે, આ ઉપરાંત 49 કિમી.ના તેમજ અન્ય 357 કિમી.ના માર્ગો પણ આવેલા છે.

પ્રવાસન : ઉન્નાવથી 20 કિમી. અને લખનૌથી 37 કિમી.ને અંતરે નવાબગંજ સરોવર ખાતે પક્ષી અભયારણ્ય વિકસાવવામાં આવેલું છે. આ અભયારણ્ય ધરાવતું સરોવર લખનૌ-કાનપુર રાષ્ટ્રીય માર્ગની ડાબી બાજુએ આવેલું છે. તેમાં પંકવિસ્તાર અને નાનાં વૃક્ષો જોવા મળે છે. અહીં યાયાવર પક્ષીઓ જુલાઈ-ઑગસ્ટમાં આવે છે અને ઑક્ટોબર સુધી પ્રજનન કરે છે. આ અભયારણ્ય ખાતે જંગલખાતાએ પ્રવાસીઓ માટે રહેવા-જમવાની સુવિધા કરી છે અને તે માટે રસ્તા બાંધ્યા છે. ઉન્નાવ જિલ્લામાં નવાબગંજ સરોવર એ જ પ્રવાસ માટેનું એક માત્ર મથક છે. બક્સર અને બદરકા 1857ના સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શહીદ થયેલાઓનાં સ્થળો છે. દાંડિયા ખેરાના રાજા રામ બક્સસિંહને બક્સર ખાતે ફાંસી અપાયેલી છે. બદરકા એ ચંદ્રશેખર આઝાદનું વતન છે. પૂર્વા તાલુકાનું ગઢ અકોલા એ હિન્દી રાજકવિ પંડિત સૂર્યકાન્ત ત્રિપાઠી-નિરાલાનું વતન છે. ઉન્નાવ શહેરની વાયવ્યમાં આશરે 20 કિમી. અંતરે આવેલા પેરિયારમાં રામાયણના રચયિતા વાલ્મીકિનો આશ્રમ છે. અહીં વારતહેવારે જુદા જુદા મેળા ભરાય છે તથા ઉત્સવોની ઉજવણી થાય છે.

વસ્તીલોકો : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 31,08,367 જેટલી છે. તે પૈકી સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સરખી છે. અહીં 85 % ગ્રામીણ અને 15 % શહેરી વસ્તી છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈનધર્મના લોકોનું પ્રમાણ ઓછું છે. હિન્દી અને ઉર્દૂ અહીં બોલાતી મુખ્ય ભાષાઓ છે. આશરે 30 % લોકો શિક્ષિત છે. પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. શહેરી વિસ્તારોમાં દરેક 10,000ની વસ્તીએ 1 કૉલેજનું પ્રમાણ છે. જિલ્લાનાં દસ નગરો ખાતે તબીબી સેવાની સુવિધા ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 તાલુકાઓમાં 16 સમાજ-વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 18 નગરો અને 1795 (72 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : પ્રાચીન ભારતના ધાર્મિક ગ્રંથોમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવા પરશુરામ, રાજા દશરથ, વાલ્મીકિ વગેરે મહાનુભાવો આ જિલ્લાના વિવિધ વિસ્તારો સાથે સંકળાયેલા હતા. કોશલ રાજ્યના ઇક્ષ્વાકુ વંશના 31 રાજાઓ ત્યાં રાજ્ય કરી ગયા. તેમાંનો પ્રથમ બૃહદબલ ભારત યુદ્ધમાં મરણ પામ્યો હતો. તેમનું પાટનગર સરયૂ નદીના કિનારે અયોધ્યા અને ત્યારબાદ સાકેત હતું. મગધના નંદ વંશના એક રાજાએ ઈ. સ. પૂ. ચોથી સદીમાં તે પ્રદેશ જીતી લઈને પોતાના રાજ્ય સાથે જોડી દીધો. ત્યારબાદ આ પ્રદેશ મૌર્ય, સૂંગ, કુષાણ અને ગુપ્ત વંશના રાજાઓની સત્તા હેઠળ રહ્યો હતો. ગુપ્ત વંશના સમ્રાટોનું પતન થયા બાદ, તે પ્રદેશ કનોજના ગૂર્જર-પ્રતિહારો અને ગાહડવાલોના આધિપત્ય હેઠળ હતો. તેમ છતાં કેટલાક સ્થાનિક રાજા ત્યાં રાજ્ય કરતા હતા.

ઈ. સ. 1193માં શિહાબુદ્દીન ઘોરીએ જયચંદ્ર રાઠોડ પાસેથી કનોજ જીતી લીધું. તે પછી તે પ્રદેશ દિલ્હી સલ્તનતના મામલૂક (ગુલામ), ખલજી તથા તુઘલુક વંશના સુલતાનોની સત્તા હેઠળ રહ્યો હતો. ઈ. સ. 1394થી 1479 દરમિયાન જૉનપુરના શર્કી વંશના સુલતાનો મુબારક શાહ, ઇબ્રાહીમ શાહ, મહમૂદ શાહ અને હુસેન શાહની સત્તા હેઠળ રહ્યો હતો. ત્યારબાદ મુઘલોના સામ્રાજ્યમાં અકબરે વહીવટી તંત્ર ગોઠવ્યું અને ઉન્નાવ જિલ્લો લખનૌ સરકાર હેઠળ મૂકવામાં આવ્યો. ઈ. સ. 1722માં સાદતખાનને અવધનો સૂબો નીમવામાં આવ્યો. તેણે અવધમાં નવાબોનો વંશ સ્થાપ્યો. બ્રિટિશ ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીએ 1856માં અવધના છેલ્લા નવાબ વાજિદ અલી શાહને પદભ્રષ્ટ કરીને અવધનું રાજ્ય ખાલસા કર્યું હતું. સ્વાતંત્ર્યપ્રાપ્તિપર્યંત (1947) તે પ્રદેશ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ રહ્યો હતો.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ