ઉદ્ગીથ-2 : સામગાનનો મુખ્ય ભક્તિવિભાગ. ઉદ્ગાતાએ ગાયેલી તે ઉદ્ગીથ ભક્તિ. સામગાનના ભક્તિ, વિદ્યા કે વિભક્તિના નામે ઓળખાતા વિભાગો પાંચ છે : પ્રસ્તાવ, ઉદગીથ, પ્રતિહાર, ઉપદ્રવ અને નિધન. પ્રસ્તોતા નામે ઉદ્ગાતાનો સહાયક ઋત્વિજ હૂઁકાર મંત્રથી ગાનનો આરંભ કરે એ પ્રસ્તાવ નામથી પ્રથમ ભક્તિ કહેવાય. પછી ઉદ્ગાતા પોતે ૐકારના ઉચ્ચાર સાથે મુખ્ય ભાગ ગાય તે ઉદ્ગીથ નામની બીજી ભક્તિ કહેવાય. તે પછી પ્રતિહર્તા ઋત્વિજ હુમથી આરંભી પ્રતિહાર નામની ત્રીજી ભક્તિ ગાય. પછી ઉદ્ગાતા ચોથી ઉપદ્રવ ભક્તિ ગાય. ગાન પૂરું કરવા તરફ વળવું તે ઉપદ્રવ. છેલ્લે બધાય સામવેદી ઋત્વિજો નિધન નામની છેલ્લી ભક્તિનું ગાન કરે. આ સમગ્ર ગાનમાં ઉદગીથ એ પ્રધાન ભક્તિ છે કેમ કે સામગાનની ખૂબીઓ તેમાં હોય છે.
ૐકારની જે પ્રાણરૂપે ઉપાસના થાય છે તે ઉદ્ગીથવિદ્યા છે. સામગાનની દ્વિતીય ભક્તિ ઉદ્ગીથનો આરંભ ૐકારથી થાય છે. તે ૐકાર જ પ્રાણ છે. ૐકાર એ જ સર્વ ઇન્દ્રિયો, બુદ્ધિ અને મનનો આધાર છે. યોગમાં સમાધિ દ્વારા પ્રાણને સમજ્યા પછી બ્રહ્મસાક્ષાત્કાર થાય છે. શુક્લ-યજુર્વેદીય કાણ્વ શાખા અનુસાર સમગ્ર ઉદ્ગીથ ભક્તિનો ઉદગાતા પ્રાણ છે. કેમકે પ્રાણ વાગિન્દ્રિયનો પ્રેરક છે. ઉદ્ગીથ ભક્તિ ૐકારની વાચક છે તેથી ઉદ્ગીથ એટલે બ્રહ્મ-પરમેશ્વર કહેવાય. આ અર્થમાં બ્રહ્મવિદ્યા ઉદ્ગીથવિદ્યા કહેવાય.
નટવરલાલ યાજ્ઞિક