ઉદ્ગીથ-1 (ઈ.સ.ની સાતમી શતાબ્દી) : ઋગ્વેદના એક ભાષ્યકાર. તેમનું ઋગ્વેદસંહિતા પરનું અપૂર્ણ ભાષ્ય ઉપલબ્ધ છે. ઋગ્વેદમંડલ 10-5-4થી 10-12-5 અને 10-83-6 સુધીનું ભાષ્ય હોશિયારપુરથી 1965માં પ્રસિદ્ધ થયેલ અનેક ટીકાવાળા ઋગ્વેદમાં મળે છે. ઉદ્ગીથના ભાષ્યની પુષ્પિકામાં મળતા શબ્દો પરથી વિદ્વાનો તેમને વલભીનિવાસી માને છે. આમ વેદ પર ભાષ્ય રચનાર ગુજરાતી વિદ્વાન તરીકે તેમને વર્ણવી શકાય. સાયણાચાર્યે ઋગ્વેદ 10-46-5માં અને આત્માનંદે अस्य वामीय સૂક્ત(ઋગ્વેદ)ની ટીકામાં ઉદ્ગીથનો ઉલ્લેખ કર્યો છે. સાયણભાષ્ય જ્યાં ત્રુટિત કે અશુદ્ધ હોય ત્યાં ઉદ્ગીથના ભાષ્યની સહાયતાથી સાચો પાઠ નિર્ધારિત કરી શકાય છે એમ વિદ્વાનો માને છે. ઉદ્ગીથનું ભાષ્ય સુંદ સ્વામીના ભાષ્યની જેમ યાજ્ઞિક પદ્ધતિ અનુસાર પૂરા વિસ્તારથી લખાયું છે. ઉદ્ગીથના ભાષ્યનો કેટલોક ભાગ વિશ્વબંધુએ પ્રથમ લાહોરથી 1935માં પ્રસિદ્ધ કર્યો હતો. તે ભાગ ઉપરાંત અન્ય હસ્તપ્રતોને આધારે તૈયાર કરેલ વિવેચનાત્મક આવૃત્તિ તેઓએ હોશિયારપુરથી 1965માં પ્રસિદ્ધ કરી ઉદ્ગીથનો ઋગ્વેદ પરનો ઉપલબ્ધ સંપૂર્ણ ભાષ્યભાગ પ્રકાશિત કર્યો છે.
ગૌતમ પટેલ