ઉદ્ગાતા, ગોવિંદચંદ્ર

January, 2004

ઉદ્ગાતા, ગોવિંદચંદ્ર (જ. 4 માર્ચ 1920, બાલાંગીર, ઓરિસા) : ઊડિયા ભાષાના વિદ્વાન, સમાલોચક અને અનુવાદક. તેમને સાહિત્યિક સમાલોચનાની કૃતિ ‘કાવ્યશિલ્પી ગંગાધર’ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1995ના વર્ષનો એવૉર્ડ મળ્યો છે. તેમની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. ઓરિસાની ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઊડિયા તેમજ સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. રાજ્યની જુદી જુદી કૉલેજોમાં ઊડિયા સાહિત્ય વિશે 3 દાયકા સુધી અધ્યાપન કર્યા પછી તેઓ સંબલપુર યુનિવર્સિટીના ઊડિયા ભાષા-ભવનના અધ્યક્ષ તરીકે જોડાયા. ત્યારબાદ 2 કૉલેજોમાં આચાર્ય તરીકે રહ્યા પછી ‘હિરાખંડ’ નામના દૈનિકનું સંપાદન સંભાળ્યું.

ગોવિંદચંદ્ર ઉદ્ગાતા

કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ તેમણે કવિતા લખવાનું શરૂ કર્યું હતું.

અત્યાર સુધીમાં તેમનાં 9 પુસ્તકો પ્રગટ થયાં છે; તેમાં ‘બૉમ્બે ડાયરી’ જેવી પ્રવાસકથા, ‘સાહિત્યપ્રસંગ’ જેવી સાહિત્યિક સમાલોચના તથા ‘કવિ ગંગાધર મેહર’ નામક વ્યક્તિ-નિબંધ મુખ્ય છે. તેમને મળેલાં બહુવિધ સન્માનમાં સરલા પુરસ્કાર, અતિવાદી જગન્નાથ દાસ સન્માન તથા ઓરિસા સાહિત્ય અકાદમી એવૉર્ડ નોંધપાત્ર છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘કાવ્યશિલ્પી ગંગાધર’ કવિ ગંગાધરના જીવન-કવનનો ઝીણવટભર્યો અભ્યાસ-ગ્રંથ છે. તેમાં વિશ્લેષણાત્મક નિરૂપણના તાટસ્થ્ય તથા આલેખનની સહજતાનો સફળ સુમેળ સધાયો છે. તેમના વિચારોની પક્વતા, વેધક તથા સુસંગત વિશ્લેષણ-ર્દષ્ટિ તેમજ કાવ્યપ્રતિભાની શાશ્વત પ્રભાવકતાને ગ્રહણ કરી શકવાની વિસ્મયકારક દક્ષતા જેવી લાક્ષણિકતાઓને કારણે આ કૃતિ ઊડિયા ભાષામાં લખાયેલ ભારતીય સાહિત્યિક વિવેચનના ક્ષેત્રે મહત્વનું યોગદાન લેખાય છે.

મહેશ ચોકસી