ઉદેશી, ચાંપશી વિઠ્ઠલદાસ

January, 2004

ઉદેશી, ચાંપશી વિઠ્ઠલદાસ (જ. 24 એપ્રિલ 1892, ટંકારા, મોરબી તાલુકો; અ. 26 ફેબ્રુઆરી 1974, અમદાવાદ) : ગુજરાતી પત્રકાર અને લેખક. માતા ડાહીબહેન અને પિતા વિઠ્ઠલદાસ. કોલકાતાથી એપ્રિલ 1922માં ‘નવચેતન’ માસિક પ્રગટ કર્યું. એ માસિક દ્વારા તેમણે ઘણા નવા લેખકોને પ્રોત્સાહન આપ્યું હતું.

કોલકાતામાં ગુજરાત ઍમેચ્યોર્સ ક્લબની સ્થાપના કરીને અનેક ગુજરાતી નાટકો ભજવ્યાં અને તેમનું દિગ્દર્શન પણ કર્યું. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિને પોષક એવાં પાંચેક નાટકો તેમણે લખ્યાં હતાં. કોલકાતામાં તેમણે 1936માં ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરી હતી. તેઓ તંત્રી તરીકે નિષ્ઠાવાન, નિયમિતતાના આગ્રહી, સત્યનિષ્ઠ અને સ્પષ્ટવક્તા હતા.

આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ ‘નવચેતન’નું પ્રકાશન તેમણે મરણ પર્યંત અવિરત ચાલુ રાખ્યું હતું. નાટકો સિવાય તેમણે ડઝનેક બીજાં પુસ્તકો લખ્યાં છે. તેમનું સાહિત્ય-સર્જન આ પ્રમાણે છે : કાવ્યકલાપ (કાવ્યસંગ્રહ) 1918, જંજીરને ઝણકારે (નવલકથા) 1925, તાતી તલવાર (નવલકથા) 1928, આશાની ઇમારત (નવલકથા) 1930, નસીબની બલિહારી (નવલકથા) 1934, માનવહૈયાં (નવલકથા) 1943, મધુબિંદુ (વાર્તાસંગ્રહ) 1945, સ્મૃતિસંવેદન (આત્મકથા) 1954, જીવનઘડતર (ચિંતનલેખો) 1968, જીવનમાંગલ્ય (ચિંતનલેખો) 1970, જીવનવિકાસ (ચિંતનલેખો) 1973, હૈયું અને શબ્દ (કાવ્યસંગ્રહ) 1973.

ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી

તેમના અવસાન બાદ ‘નવચેતન’ મુકુંદ પ્રા. શાહના તંત્રીપદે ચાલે છે.

મુકુન્દ પ્રા. શાહ