ઉદરપીડ (abdominal pain) : પેટમાં દુખાવો થવો તે. ખૂબ સામાન્ય લાગતાં ચિહ્નો અને લક્ષણોવાળો પેટનો દુખાવો પણ ક્યારેક ઝડપથી જોખમી સંકટ ઊભું કરે છે. વળી ક્યારેક તીવ્ર પીડાવાળા દર્દીમાં ચયાપચયી કે અન્ય એવો વિકાર પણ હોઈ શકે, જેમાં શસ્ત્રક્રિયા કરવાની જરૂરિયાત ન હોય. આમ પેટમાં થતી પીડાના નિદાન અંગે ઝીણવટભરી પૂછપરછ, પૂરતી શારીરિક તપાસ, અનુભવ અને ઝડપી નિર્ણયશક્તિની આવશ્યકતા રહે છે. પેટમાં થતો દુખાવો પેટની અંદરના અવયવો, છાતી, પીઠ કે જનનાંગના રોગો, ચયાપચયી ચેતાતંત્રીય અથવા લોહીના રોગો કે માનસિક વિકારોથી થાય છે.
જઠર અને આંતરડાને કાપવાથી, વાળવાથી કે કચડવાથી દુખાવો થતો નથી. પરંતુ તે ફૂલે ત્યારે તેમાં ઉદભવતી તાણથી તથા તેના સ્નાયુઓ અતિશય સંકોચાય ત્યારે ઊપડતી ચૂંકથી દુખાવાની સંવેદના થાય છે. તેવી જ રીતે લોહીની નસોમાં અવરોધ પેદા થયે તેમને મળતો લોહીનો પુરવઠો ઘટે (અલ્પરુધિરતા, ischaemia) અથવા તેમની આસપાસની પરિતનકલા(peritoneum)માં જીવાણુજન્ય ચેપથી કે રાસાયણિક પ્રક્રિયાથી શોથ (inflammation) ઉદભવે તોપણ દુખાવો થાય છે. પરિતનકલાશોથને પરિતનશોથ (peritonitis) કહે છે. સ્વાદુપિંડશોથ(pancreatitis)માં સ્વાદુપિંડના પાચક રસો કે પેપ્ટિક વ્રણ(ulcer)માં કે ટાઇફૉઇડ જ્વરમાં અંતાંત્ર(ileum)માં છિદ્ર પડે ત્યારે, ત્યાંના સ્થાનિક રસોથી પરિતનગુહામાં રાસાયણિક ક્ષોભન (irritation) થાય છે. એપેન્ડિસાઇટિસ(આંત્રપુચ્છશોથ)ના રોગમાં એપેન્ડિક્સમાં છિદ્ર પડે કે પેટ પરની ઈજાને કારણે પરિતનગુહામાં બહારથી ચેપ પ્રસરે ત્યારે ચેપજન્ય પરિતનશોથ થાય છે.
પિત્તમાર્ગ કે મૂત્રમાર્ગમાં પથરી કે લોહીનો ગઠ્ઠો જામી જાય અથવા જુદાં જુદાં કારણોસર આંતરડામાં અવરોધ ઉત્પન્ન થાય (જુઓ આંત્રરોધ, આંત્રાંત્રરોધ, આંત્રરોધ-સ્તંભજ, આંત્રવ્યાવર્તન) તો ચૂંક, ઊબકા અને ઊલટી થાય છે. અવરોધની આગળનું આંતરડું કે જઠર ફૂલે છે અને તે પણ ઉદરપીડ સર્જે છે. સપડાઈ ગયેલી સારણગાંઠમાં કે લોહીની નસોમાં અવરોધ પેદા થવાથી મરી ગયેલા આંતરડાથી આંત્રરોધ થાય છે (જુઓ, આંત્રરોધ). લોહીની નસો ગંઠાવાથી થતા આંત્રરોધમાં પ્રમાણમાં ઓછી પીડા થાય છે, જે નિદાનની ર્દષ્ટિએ છેતરામણી સ્થિતિ છે.
સારણી 1 : ઉદરપીડનાં મુખ્ય કારણો
(1) | પેટનાં દર્દો |
(અ) પરિતનશોથ | |
(આ) આંત્રરોધ, પિત્તમાર્ગરોધ કે મૂત્રમાર્ગરોધ | |
(ઇ) પેટના અવયવોના રુધિરાભિસરણમાં અવરોધ | |
(ઈ) યકૃત અને મૂત્રપિંડના આવરણમાં તણાવ | |
(ઉ) પેટની દીવાલના રોગો, દા.ત., ઈજા, સપડાયેલી સારણગાંઠ | |
(2) | પેટ બહારનાં દર્દો |
(અ) છાતી : ન્યૂમોનિયા, પરિફેફસીશોથ, હૃદયરોગનો હુમલો | |
(આ) કરોડના મણકાના રોગો | |
(ઇ)શુક્રપિંડના રોગો | |
(3) ચયાપચયી રોગો, દા.ત., સીસાની વિષાક્તતા, મધુપ્રમેહ, મૂત્રપિંડ-નિષ્ફળતા (4) ચેતાતંત્રના રોગો, ચેતાતંત્રીય ઉપદંશ, હર્પિસ ઝોસ્ટર, ચેતાપીડ (5) માનસિક વિકારો |
ઉદરપીડનાં મુખ્ય કારણો સારણી 1માં દર્શાવ્યાં છે. અવયવોમાં ઉદભવતી પીડાને અવયવી (visceral) પીડા કહે છે, જ્યારે અન્ય ઉપાંગોમાં થતી પીડાને દૈહિક (parietal) પીડા કહે છે. ક્યારેક અન્ય સ્થાને થયેલા રોગની પીડા સમાન ચેતામૂળ(nerve root)ને કારણે પેટના કોઈ ચોક્કસ ભાગ પર સ્થાનાંતરિત (referred) પીડાસ્વરૂપે જોવા મળે છે. પીડા ક્યારેક ઉગ્ર સ્વરૂપની (acute) હોય છે તો ક્યારેક દીર્ઘકાલીન (chronic) સ્વરૂપની.
પીડાનું સ્થાન જાણવું નિદાન માટે ઉપયોગી છે (જુઓ આકૃતિ-1). સૌપ્રથમ, રોગ અવયવ પૂરતો મર્યાદિત હોય ત્યારે તેનો દુખાવો તે અવયવના ચેતાતંતુઓ, સંવેદનાઓનું વહન કરતા ચામડીના પટ્ટા (ચર્મપટ્ટો, dermatome) પર સ્થાનાંતરિત પીડાસ્વરૂપે થાય છે. આમ એપેન્ડિસાઇટિસના શરૂઆતના તબક્કામાં આવી પીડા ડૂંટીની આસપાસ થાય છે. જેમ જેમ એપેન્ડિક્સનો ચેપજન્ય વિકાર વધીને તેની આસપાસની પરિતનકલાને અસરગ્રસ્ત કરતો જાય તેમ તેમ તે પીડાનું સ્થાન ખસતું ખસતું પેટના નીચલા જમણા ચોખંડામાં આવી જાય છે. આ સમયે સ્થાનિક સંરક્ષક-પ્રતિક્ષિપ્ત ક્રિયા(protective reflex)રૂપે પેટની આગળની દીવાલના સ્નાયુઓમાં અક્કડતા (rigidity) અને સંરક્ષક-સજ્જતા (protective spasm) આવે છે. તે સ્થળે સ્પર્શવેદના (tenderness) તેમજ સ્પર્શોત્તર વેદના (rebound tenderness) પણ થાય છે. પીડાના ચેતાકીય આવેગોનો માર્ગ તથા પ્રતિક્ષિપ્ત ક્રિયાનો માર્ગ આકૃતિ 2માં દર્શાવ્યો છે.
આમ પીડાનું સ્થાન જાણવાથી રોગગ્રસ્ત અવયવ અને રોગનો તબક્કો જાણી શકાય છે. પરિતનશોથની પીડાવાળો દર્દી પથારીમાં હાલ્યાચાલ્યા વગર પડી રહે છે, જ્યારે ચૂંકથી પીડાતો દર્દી પથારીમાં બેવડ વળીને અમળાયા કરે છે. સ્વાદુપિંડના રોગોમાં દુખાવો ડૂંટીની આસપાસથી શરૂ થઈ પીઠમાં જાય છે, જ્યારે મૂત્રનળી(ureter)માં થતી ચૂંક કમરમાંથી ઊપડીને ત્રાંસી, પેટના નીચલા ભાગમાં પ્રસરે છે. પિત્તાશય અને યકૃતનો દુખાવો જમણા ખભે અને બરોળનો દુખાવો ડાબા ખભે સ્થાનાંતરિત થાય છે.
ન્યૂમોનિયા, પરિફેફસીશોથ (pleuritis), હૃદયરોગનો હુમલો (myocardial infarction), કરોડના મણકાના રોગો તથા શુક્રપિંડના રોગોની પીડા પેટમાં સ્થાનાંતરિત થાય છે. સીસાની વિષાક્તતા, મૂત્રપિંડની નિષ્ફળતા, મધુપ્રમેહમાં થતી બેભાનાવસ્થા, પૉરફીરિયા, દાત્રકોષી પાંડુતા (sickle cell anaemia), ઉપદંશ (syphilis), હર્પિસ ઝોસ્ટર, ચેતાપીડ તથા માનસિક વિકારોમાં પેટમાં કોઈ પણ વિકાર ન હોવા છતાં પેટમાં દુખાવો ઊપડે છે. તેમનું યોગ્ય નિદાન બિનજરૂરી શસ્ત્રક્રિયાને રોકે છે.
દુખાવાનો પ્રકાર, તીવ્રતા, તેનો ફેલાવો, તેને વધારતાં કે ઘટાડતાં પરિબળો, દુખાવાની સાથે ઊબકા, ઊલટી, ઝાડા, કબજિયાત, કમળો, પેશાબમાં કે ઊલટીમાં લોહી પડવું, બેભાન થઈ જવું, છાતીમાં દુખાવો થવો, હૃદયના ધબકારા અનિયમિત ઝડપી કે ધીમા થઈ જવા, તાવ આવવો, શરીર ઠંડું પડી જવું, લોહીનું દબાણ ઘટવું, ભૂતકાળમાં તેવા જ પ્રકારનો દુખાવો થયો હોવો કે પેટમાં શસ્ત્રક્રિયા કરેલી હોવી વગેરે ઘણી માહિતી નિદાન માટે ઉપયોગી છે. જરૂર પડ્યે વિવિધ પ્રયોગશાળાની ચકાસણીઓ તથા બેરિયમના ક્ષાર પિવડાવીને કે તેના વગર પેટનું એક્સ-રે ચિત્રણ પણ કરવામાં આવે છે. ક્યારેક ઉદરછેદનની શસ્ત્રક્રિયા કર્યા પછી જ સાચું નિદાન કરી શકાય છે. દીર્ઘકાલીન ઉદરપીડના દર્દીમાં વારંવાર નિદાન-તપાસ કરવાની જરૂર પડે છે. ઉદરપીડની સારવાર માટે પીડાશામક (analgesic) અને ચૂંકરોધક (antispasmodic) ઔષધો અપાય છે. દવાના ઉપચાર સમયે પીડાના કારણનું નિદાન થયેલું હોવું હિતાવહ ગણાય છે, કેમ કે મૂળ રોગની સારવાર જ પેટના દુખાવાનો મુખ્ય ઉપચાર ગણી શકાય.
સોમાલાલ ત્રિવેદી
શિલીન નં. શુક્લ