ઉદયપુર : ભારતની ભૂતપૂર્વ મેવાડ રિયાસતનું પાટનગર તથા ભારતના વર્તમાન રાજ્ય રાજસ્થાનના એક જિલ્લાનું મથક. 1568માં મુઘલ સમ્રાટ અકબરે મેવાડની મૂળ રાજધાની ચિતોડગઢ પર કબજો કર્યા પછી મહારાણા ઉદયસિંહે પિછોલા તળાવને કિનારે અરવલ્લી પર્વતમાળાની મધ્યમાં આ નગર વસાવ્યું અને તેને પોતાની રિયાસતની નવી રાજધાની બનાવ્યું. દરિયાની સપાટીથી તે 762 મીટરની ઊંચાઈ પર છે. અમદાવાદથી 200 કિમી. તથા જયપુરથી 336 કિમી.ને અંતરે તે આવેલું છે. વર્ષ 2023થી અમદાવાદ-ઉદયપુરને સાંકળતો રેલમાર્ગનો પ્રારંભ થયો છે. તેની વસ્તી 4.51 લાખ (2011) છે. 16મી-18મી સદીની વચ્ચેના ગાળામાં બાંધવામાં આવેલા ઘણા રાજપ્રાસાદો તથા જળાશયોથી આ શહેર રમણીય બનેલું છે. જળાશયોમાં પિછોલા ઉપરાંત સ્વરૂપસાગર તથા રંગસાગર ઉલ્લેખનીય છે. પિછોલા તળાવની મધ્યમાં આવેલા બે ટાપુઓ પર બે રાજપ્રાસાદો બાંધવામાં આવ્યા છે, જેમાંના એકમાં મુઘલ બાદશાહ શાહજહાંએ (1628-58) રાજ્યારોહણ પહેલાં પિતાની સામેના બંડ દરમિયાન શરણ લીધેલું. 1871માં તે બ્રિટિશ સત્તા હેઠળ આવ્યું તે પહેલાં તેના પર મરાઠાઓએ સતત આક્રમણ કરેલાં. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી 1948માં આ રિયાસત ભારતીય સંઘમાં ભળી ગઈ હતી.
જૂના ઉદયપુર શહેરની આસપાસ પથ્થરની દીવાલ હતી અને શહેરમાં દાખલ થવા માટે તેમાં પાંચ ભવ્ય દરવાજા હતા. અત્યારનું ઉદયપુર શહેર તેની બહાર પણ વિસ્તાર પામ્યું છે.
હાથવણાટ, બાંધણીની સાડીઓ, ભરતકામ તથા ગૂંથણકામની ચીજવસ્તુઓ, સોના-ચાંદીનાં ઘરેણાં, જરીકામ, હાથીદાંતની વસ્તુઓ અને રમકડાં માટે આ શહેર પ્રખ્યાત છે. લોકકળાનું પ્રસિદ્ધ સંગ્રહાલય અહીં છે. ઉપરાંત સુતરાઉ કાપડ, રસાયણ તથા ઍસ્બેસ્ટૉસનાં કારખાનાં પણ ત્યાં આવેલાં છે.
પર્યટકો માટે તે આકર્ષણનું મોટું કેન્દ્ર છે. શહેરમાં ‘સહેલિયોંકી બારી’, વસ્તુ-સંગ્રહાલય, પ્રાણી-સંગ્રહાલય, ઢીંગલી-ઘર, મહારાણા પ્રતાપની પ્રતિમા, ઉદ્યાનો, રાજપ્રાસાદો તથા જળાશયો, સિટી પૅલેસના ચોથા માળ પરનો સુંદર બગીચો વગેરે જોવાલાયક સ્થળો છે. તે ‘વેનિસ ઑવ્ રાજસ્થાન’ તથા ‘જળાશયોની નગરી’ (city of lakes) તરીકે ઓળખાય છે. પ્રવાસીઓની પસંદગીને લક્ષમાં રાખીને અહીં અનેક ફાઈવસ્ટાર હોટલો ઊભી કરવામાં આવી છે. 1962માં ત્યાં અલગ વિશ્વવિદ્યાલય સ્થાપવામાં આવ્યું છે. એકલિંગજી (23 કિમી.) તથા શ્રીનાથજી(નાથદ્વારા) (57 કિમી.) જેવાં જાણીતાં યાત્રાધામોમાં ઉદયપુરથી જવાય છે. ઉદયપુર જિલ્લાની વસ્તી 31 લાખ જેટલી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે