ઉદયન મંત્રી (11મી-12મી સદી)

January, 2004

ઉદયન મંત્રી (11મી-12મી સદી) : સિદ્ધરાજ જયસિંહનો એક મંત્રી. મરુમંડલ(મારવાડ)નો આ શ્રીમાલી વણિક અર્થોપાર્જન માટે કર્ણાવતી આવ્યો ને લાછિ નામે છીપણના સહકારથી ત્યાં વસી સંપત્તિવાન થયો. સમય જતાં એ સિદ્ધરાજ જયસિંહના મંત્રીમંડળમાં પ્રવેશ પામ્યો ને ઉદયન મંત્રી તરીકે ઓળખાયો. એ ખંભાતનો સ્થાનિક અધિકારી લાગે છે. ત્યાં એણે રાજપુત્ર કુમારપાલને આશ્રય આપ્યો હતો. કર્ણાવતીમાં ઉદયને ‘ઉદયન-વિહાર’ નામે ચૈત્ય બંધાવ્યું, જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ચોવીસ-ચોવીસ તીર્થંકરોની પ્રતિમાઓથી અલંકૃત હતું. ઉદયનને સુરાદેવી નામે પત્ની હતી, જેનાથી વાગ્ભટ (બાહડ) અને ચાહડ નામે બે પુત્ર થયા. એ વૃદ્ધ વયે વિધુર થતાં પુત્ર વાગ્ભટના આગ્રહથી ફરી પરણ્યો અને નવી પત્નીથી એને આમ્રભટ (આંબડ) નામે પુત્ર થયો. કુમારપાલે રાજા થતાં વાગ્ભટને મહામાત્ય નીમ્યો. કુમારપાલના રાજ્યકાલ દરમિયાન ઉદયન સૌરાષ્ટ્રમાં યુદ્ધ કરતાં મૃત્યુ પામ્યો હતો. શત્રુંજયના આદિનાથ મંદિરનો અને ભરૂચના શકુનિકા-વિહારનો જીર્ણોદ્ધાર કરવાની ઉદયનની અધૂરી રહેલી ઇચ્છા અનુક્રમે વાગ્ભટે અને આમ્રભટે પાર પાડી.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી