ઉદયન ચિનુભાઈ (જ. 25 જુલાઈ 1929, અમદાવાદ અ. 1 સપ્ટેમ્બર 2006, અમદાવાદ) : પ્રસિદ્ધ ભારતીય નિશાનબાજ ખેલાડી અને અમદાવાદના સુપ્રસિદ્ધ સર ચિનુભાઈ કુટુંબના નબીરા. પિતાનું નામ ગિરિજાપ્રસાદ ચિનુભાઈ. માતાનું નામ તનુમતી. તેમનું નિવાસસ્થાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ધામ હતું. ઉદયનની યશસ્વી કારકિર્દી એ રીતે જ ઘડાઈ હતી. તેઓ બી.એ. (ઓનર્સ) થયા ત્યાં સુધી સાક્ષર શ્રી ધૂમકેતુએ ગુજરાતીનું શિક્ષણ આપ્યું હતું. કનુ દેસાઈ, કુમુદખંધુ સિંહ અને મકરંદ બાદશાહ જેવા ગુરુઓએ તેમને લલિત કલાઓનું શિક્ષણ આપેલું.
તેઓ યુવાવસ્થાથી ક્રિકેટ તરફ આકર્ષાયા હતા. એમના જ ક્રિકેટ મેદાનમાં વિશ્વવિખ્યાત ખેલાડી વિનુ માંકડે તેમને તાલીમ આપી હતી. તેઓ રણજી ટ્રોફી મૅચોના છટાદાર ઓપનિંગ બૅટધર બન્યા. 1952માં પાકિસ્તાન સામે રમાયેલી ભારતની ‘કમ્બાઇન્ડ યુનિવર્સિટી’ની મહત્વની મૅચમાં એમણે સ્થાન મેળવ્યું હતું.
1955માં નિશાનબાજી(target shooting)ની રમત પ્રત્યે રુચિ જાગી. તેમના બગીચામાં નિશાનબાજીના મહાવરા માટે રેન્જ પણ બંધાવી અને ટારગેટ મૉડેલ પિસ્તોલ કે રિવૉલ્વર વડે રમાતી મૅચો પસંદ કરી. વાંકાનેરના પ્રખર નિશાનબાજ મહારાજકુમાર ચંદ્રભાનુસિંહ એમના પ્રશિક્ષક હતા. નિશાનબાજીમાં આગળ વધવા માટે એમણે સતત સંઘર્ષ આદર્યો. નિયમિત વ્યાયામ અને જલદ જહેમત ઉઠાવી ઘનિષ્ઠ તાલીમ મેળવી. મુંબઈ રાજ્યની પિસ્તોલ/રિવૉલ્વરની મૅચોમાં વિજય મેળવી નિશાનબાજીમાં યશસ્વી કારકિર્દી કંડારી. 1961થી 1974 સુધી નવા વિક્રમો સાથે રાષ્ટ્રીય વિજેતા રહ્યા. 1962માં ખ્યાતનામ ખેલાડીની હેસિયતથી કેરો ખાતે વિશ્વ શૂટિંગ સ્પર્ધામાં ભારતીય ટીમનું ઉપસુકાનીપદ મેળવીને તેઓ આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યા. ઘણી વાર પરદેશમાં ખેલાતી મૅચોમાં તેમને સ્થાન મળતું. 1969માં સિંગાપુર ખાતે નિશાનબાજીની મૅચમાં રૌપ્ય ચંદ્રક મેળવીને તેમણે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું. 1971-72માં ગુજરાતના આ રમતવીરને રાષ્ટ્રપતિએ ‘અર્જુન એવૉર્ડ’થી નવાજ્યા હતા. 1976 પછી એમણે પિસ્તોલ/રિવૉલ્વરની મૅચોમાંથી નિવૃત્તિ લીધી છે. છતાં રાજ્ય રાઇફલ એસોસિયેશનના પ્રમુખ તરીકે આ રમતને ગુજરાતમાં ધબકતી રાખી છે.
1960માં તેઓ ગૃહરક્ષક દળના પ્રથમ કમાન્ડન્ટ જનરલ અને 1965માં નાગરિક સંરક્ષણના નિયામક નિમાયા હતા. પ્રજાની નિષ્ઠાપૂર્વક સેવા બજાવીને તેઓ તે પદેથી 1987માં નિવૃત્ત થયા. આ ક્ષેત્રની તેમની વિરલ અને પ્રશંસનીય સેવા બદલ પણ તેમને રાષ્ટ્રપતિનો ચંદ્રક એનાયત થયેલો. 1962માં તેઓ અખિલ ભારત જુનિયર ચેમ્બરના પ્રમુખ તરીકે ચૂંટાઈને પ્રેરણાદાયી જીવન જીવવા માટે યુવાનોના રાહબર બન્યા. ઉદયન હાલ એમના ઉદ્યોગોનું દક્ષતાપૂર્વક સંચાલન કરે છે. તેઓ નિષ્ઠાવાન વહીવટકર્તા, શિસ્તના આગ્રહી, પ્રેમાળ, પ્રામાણિક અને ઉમદા સ્વભાવના સજ્જન છે.
બ્રિટિશ સરકાર તરફથી ઉદયનના દાદા સ્વ. સર ચિનુભાઈ માધવલાલને 1912-1913ની સાલમાં બૅરોનેટનો ખિતાબ આપવામાં આવ્યો. આ ખિતાબ પેઢી દર પેઢીનો હોવાથી તેઓના પિતાશ્રી સર ગિરજાપ્રસાદને બૅરોનેટનો ખિતાબ સર ચિનુભાઈના અવસાન બાદ આપવામાં આવ્યો. સર ગિરજાપ્રસાદ 1992માં અવસાન પામ્યા બાદ ‘બૅરોનેટ’નો ખિતાબ બ્રિટિશ સરકારે શ્રી ઉદયનને આપ્યો.
હાલમાં તેઓ વિક્ટોરિયા જ્યૂબિલી ડિસ્પેન્સરી સોસાયટી / ટ્રસ્ટ અને રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ ડિસ્પેન્સરી / ટ્રસ્ટના માનાર્હ પ્રમુખ છે. આ ટ્રસ્ટ હેઠળ ચાલતી સર ચિનુભાઈ માધવલાલ બૅરોનેટ જનરલ હૉસ્પિટલ અને વિક્ટોરિયા જ્યૂબિલી તથા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ ડિસ્પેન્સરી ટ્રસ્ટ સંચાલિત સર ચિનુભાઈ માધવલાલ બૅરોનેટ જનરલ હૉસ્પિટલના મૅનેજિંગ ટ્રસ્ટી છે.
તેઓ રાજ્યના ગૃહરક્ષક દળના સલાહકાર હોવા ઉપરાંત વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગેની પ્રવૃત્તિ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે.
નાનુભાઈ સુરતી