ઉદયનાચાર્ય (ઈ.સ.ની દસમી સદી) : ન્યાયવૈશેષિક પરંપરાના ધુરંધર વિદ્વાન. પોતાની કૃતિ ‘લક્ષણાવલી’ના અંતે પ્રશસ્તિમાં તેઓ જણાવે છે કે પોતે તેની રચના શક સંવત 906માં કરી છે. દરભંગાથી પૂર્વમાં 21 માઇલ પર કનકા નદીના પૂર્વકાંઠે આવેલ મઙરૌની ગામના એટલે હાલના બિહાર રાજ્યના મિથિલા ક્ષેત્રના તેઓ વતની હતા. તેમની કૃતિઓ : (1) ‘ન્યાયકુસુમાંજલિ’, જેમાં તેમણે ઈશ્વરનું અસ્તિત્વ પુરવાર કર્યું છે. (2) ‘આત્મતત્વવિવેક’, અપરનામ ‘બૌદ્ધધિક્કાર’, જેમાં તેમણે બૌદ્ધોના આત્મા વિશેના મતનું ખંડન કર્યું છે. (3) લક્ષણમાલા, વૈશેષિક પદાર્થોનો પરિચય કરાવતો લઘુગ્રંથ, (4) ‘લક્ષણાવલી’, એ વૈશેષિક સિદ્ધાંતની પ્રવેશિકા છે. (5) ‘ન્યાયપરિશિષ્ટ’, અપરનામ ‘પ્રબોધસિદ્ધિ’, એ ન્યાયસૂત્રના, પ્રથમાધ્યાયની વ્યાખ્યા, (6) ‘તાત્પર્યપરિશુદ્ધિ’, એ વાચસ્પતિ મિશ્રની તાત્પર્યટીકા ઉપરની વિસ્તૃત ટીકા અને (7) ‘કિરણાવલી’, એ પ્રશસ્તપાદભાષ્ય ઉપરની વિસ્તૃત ટીકા છે.
નગીનભાઈ જીવણલાલ શાહ