ઉત્સેચકો (આયુર્વિજ્ઞાન)

January, 2004

ઉત્સેચકો (enzymes) (આયુર્વિજ્ઞાન) : પાચનક્રિયા અને કોષીય ચયાપચયમાં મુખ્ય ભાગ ભજવતા ઘટકો. ઉત્સેચકો આયુર્વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. ઉત્સેચકોની ગેરહાજરી કેટલાક રોગો સર્જે છે, જેમ કે જી-6-પી.ડી., ઉત્સેચકની ગેરહાજરીથી થતી રક્તકોષલયી પાંડુતા (haemolytic anaemia) કે અધિવૃક્ક ગ્રંથિના બાહ્યક(adrenal cortex)માંના કેટલાક ઉત્સેચકોના અભાવથી થતો અભિવૃક્ક-પ્રજનન સંલક્ષણ (adrenogenital syndrome) નામનો રોગ. જનીનીય કારણોસર થતી ઉત્સેચકની જન્મજાત (congenital) ખામીથી ઘણા બધા જન્મજાત ક્ષતિજન્ય ચયાપચયી વિકારો (inborn errors of metabolism) થાય છે. (જુઓ ‘આનુવંશિકતા અને જનીનવિદ્યા’, ગુ. વિ. ગ્રં. 2, નવી આવૃત્તિ પૃ. 45). તેવી જ રીતે લૅક્ટોઝ (દૂધમાંની શર્કરા) પચાવનાર ઉત્સેચક લૅક્ટેઝના અભાવને કારણે અમુક વ્યક્તિઓ કે બાળકો દૂધ પીએ ત્યારે અપચો અને ઝાડા થાય છે. આલ્ફા-ટ્રિપ્સીન નામના ઉત્સેચકના કાર્યને અટકાવતા દ્રવ્યના અભાવે વાતસ્ફીતિ (emphysema) નામનો ફેફસાંનો રોગ થાય છે.

ઉત્સેચકનું પ્રમાણ જાણવાથી કેટલાક રોગોનું નિદાન શક્ય બને છે તથા તેમની તીવ્રતા અને ફેલાવો પણ જાણી શકાય છે. જેમ કે સ્વાદુપિંડશોથ(pancreatitis)માં એમાઇલેઝનું સીરમપ્રમાણ; યકૃત, હાડકાં અને પિત્તમાર્ગીય રોગોમાં આલ્કેલાઇન ફૉસ્ફેટેઝનું સીરમપ્રમાણ; હાડકાંમાં પ્રસરેલા પુર:સ્થ (prostate) ગ્રંથિના કૅન્સરમાં ઍસિડ ફૉસ્ફેટેઝનું સીરમપ્રમાણ; હૃદયરોગના ઉગ્ર હુમલા(acute myocardial infarction)માં ગ્લુટેમિક-ઑક્સોએસિટિક-ટ્રૅન્સ એમાઇનેઝ અને ક્રિએટિનિન કાઇનેઝનું સીરમપ્રમાણ; આમવાતી જ્વર(rheumatic fever)માં ઍન્ટિ-સ્ટ્રેપ્ટોકાઇનેઝોનું સીરમપ્રમાણ; હૃદયરોગ અને રક્તકોષલયન જેવા કોષોનો નાશ થતો હોય તેવા રોગોમાં લૅક્ટિક ડીહાઇડ્રોજિનેઝનું સીરમપ્રમાણ; ઉગ્ર લસિકાબીજકોષી રુધિરકૅન્સર(acute lymphoblastic leukaemia)માં ટર્મિનલ ડીઑક્સિ-ટ્રૅન્સફરેઝનું સીરમપ્રમાણ; રક્તકોષલયી પાંડુતા(haemolytic anaemia)માં ગ્લુકોઝ-6-ફૉસ્ફેટ ડિહાઇડ્રૉજિનેઝનું સીરમપ્રમાણ વગેરે વિવિધ પ્રકારના ઉત્સેચકોનું લોહીમાંના સીરમમાંનું પ્રમાણ જાણવાથી નિદાન સરળ બને છે.

ઉત્સેચકો કેટલીય વિશ્લેષણ-કસોટીઓમાં પણ વપરાય છે. જેમ કે મધુપ્રમેહના દર્દીમાં ગ્લુકોઝનું લોહીમાંનું પ્રમાણ જાણવાની તપાસ, અનેક દવાઓનું લોહીમાંનું પ્રમાણ જાણવાની કસોટીઓ વગેરે. ઔષધનિર્માણમાં કેટલાક ઉત્સેચકો ઉપયોગી છે. વળી કેટલાક ઉત્સેચકો તો સારવારમાં ઔષધ તરીકે પણ વપરાય છે. દા.ત., પાચક ઉત્સેચકો, હૃદયરોગના હુમલા વખતે સ્ટ્રેપ્ટોકાઇનેઝ અને યુરોકાઇનેઝ, કફને પાતળો કરી દૂર કરવા તથા શોથજન્ય (inflammatory) સોજાને દૂર કરવા કાયમોટ્રિપ્સીન, લસિકાબીજકોષી રુધિરકૅન્સર-(acute lymphoblastic leukamia)માં લ્યુનેઝ વગેરે. કેટલાક પ્રકારના ગોલાણુ(staphyllococci)નો પેનિસિલિનેઝ નામનો ઉત્સેચક પેનિસિલિન નામની ઍન્ટિ-બાયૉટિકને જીવાણુ સામે બિનઅસરકારક બનાવે છે.

આંખમાંનાં આંસુ અને મોંની લાળમાંના ઉત્સેચકો સૂક્ષ્મ જીવોથી લાગતા ચેપ સામે રક્ષણ આપે છે. વળી કેટલાંક ઔષધો શરીરમાંના વિશિષ્ટ ઉત્સેચકોના કાર્યને અવરોધીને જુદા જુદા રોગોમાં ઉપયોગી કાર્ય કરે છે. જેમકે ઝામર અને મહત્તમ સ્નાયુ-દુર્બળતા (myasthenia gravis)માં ઍન્ટિ-કોલિનેસ્ટરૅઝનું અવરોધન અથવા નિગ્રહણ (inhibtion) કરતાં ફાયઝોસ્ટિગ્મિન અને નિયોસ્ટિગ્મિન, ખિન્નતા(depression)ના માનસિક દર્દમાં મૉનોએમાઇન એસ્ટરેઝનું અવરોધન કરતાં ઔષધો, કંપવા(parkinsonism)માં ડોપાડિકાર્બૉક્સિલેઝનું અવરોધન કરનાર કાર્બીડોપા, ઝામરના રોગમાં અને પેશાબનું પ્રમાણ વધારવા માટે કાર્બનિક એનહાઇડ્રેઝનું અવરોધન કરનાર એસેટાઝોલામાઇડ, દારૂનું વ્યસન છોડાવવા માટે આલ્ડિહાઇડ, ડીહાઇડ્રોજિનેઝનું અવરોધન કરનાર ડાયસલ્ફુરામ, આંચકી આવે એવા અપસ્માર(epilepsy)ના દર્દમાં ગાબાટ્રાન્સ-એમિનેઇઝનું અવરોધન કરનાર સોડિયમ વેલપ્રોએટ, દુખાવા અને તાવમાં પ્રૉસ્ટાગ્લૅન્ડિન સિન્થેટેઝનું અવરોધન કરનાર સેલિસિલેટ (દા.ત., ઍસ્પિરિન), દમ અને શ્વાસની તકલીફ(dyspnea)માં ફૉસ્ફો-ડાયએસ્ટરેઝનું અવરોધન કરનાર કોડિન અને થીઓફાઇલીન, હૃદયના રોગોમાં સોડિયમ-પોટૅશિયમ એટીપીએઝનું અવરોધન કરનાર ડિજિટેલિસ, પેપ્ટિક વ્રણ(ulcer)માં હાઇડ્રોજન પોટૅશિયમ એટીપીએઝનું અવરોધન કરનાર ઓમેપ્રેઝોલ, લોહીના વધેલા દબાણમાં એન્જિઓટેન્સિન કન્વર્ટિંગ ઉત્સેચકનું અવરોધન કરનાર કેપ્ટોપ્રિલ અને એનાલેપ્રિલ, જીવાણુજન્ય રોગોમાં ડીહાઇડ્રોફોલેટ રિડક્ટેઝનું અવરોધન કરનાર ટ્રાઇ-મિથોપ્રિમ, કૅન્સરમાં ડીએનએ-આધારિત આરએનએ પૉલિમરેઝનું અવરોધન કરનાર ઍક્ટિનોમાઇસીન-ડી વગેરે ઘણાં ઔષધો ચિકિત્સાક્ષેત્રે ઉપયોગી નીવડ્યાં છે.

મુખ્ય ઉત્સેચકો

ઉત્સેચક ઉદભવસ્થાન મૂળ દ્રવ્ય પચિત દ્રવ્ય
એમાઇલેઝ લાળગ્રંથિ સ્ટાર્ચ માલ્ટોઝ
પેપ્સિન જઠર પ્રોટીન પેપ્ટાઇડ
એમાઇલેઝ સ્વાદુપિંડ સ્ટાર્ચ માલ્ટોઝ
ટ્રિપ્સિન સ્વાદુપિંડ સ્ટાર્ચ માલ્ટોઝ
કાયમોટ્રિપ્સિન સ્વાદુપિંડ સ્ટાર્ચ માલ્ટોઝ
લાઇપેઝ સ્વાદુપિંડ તેલ/ચરબી

(ટ્રાઇગ્લિસરાઇડ)

ફૅટી ઍસિડ-

મૉનોગ્લિસરાઇડ

માલ્ટેઝ નાનું આંતરડું માલ્ટોઝ ગ્લુકોઝ
સુક્રેઝ નાનું આંતરડું ખાંડ

(શેરડી/બીટની)

ગ્લુકોઝ +

ફ્રુક્ટોઝ

લૅક્ટેઝ નાનું આંતરડું લૅક્ટોઝ

(દૂધશર્કરા)

ગ્લુકોઝ +

ગેલેક્ટોઝ

પેપ્ટિડેઝ

સ્વાદુપિંડ/

નાનું આંતરડું

પેપ્ટાઇડ એમીનો ઍસિડ
રાઇબોન્યૂ-

ક્લિએઝ

નાનું આંતરડું આર.એન.એ.

ન્યૂક્લિઓટાઇડ

પેન્ટોઝ +

નાઇટ્રોજન બેઝ

ડીઑક્સિ-

રાઇબોન્યૂક્લિએઝ

નાનું આંતરડું ડી.એન.એ.

ન્યૂક્લિઓટાઇડ

પેન્ટોઝ +

નાઇટ્રોજન બેઝ

હરિત દેરાસરી