ઉત્તરમીમાંસા

January, 2004

ઉત્તરમીમાંસા : ષડ્દર્શનમાંનું એક દર્શન. વેદના મંત્ર અને બ્રાહ્મણોમાં વિધાનોનું સ્પષ્ટીકરણ કરનારું શાસ્ત્ર તે મીમાંસા. મીમાંસા એટલે તલસ્પર્શી વિચારણા. વેદમાં યજ્ઞાદિકર્મપરક અને ઈશ્વરવિષયક વિધાનો છે. કર્મપરક વિધાનોની વિચારણા કરનાર શાસ્ત્ર તે કર્મમીમાંસા અને ઈશ્વરવિષયક વિધાનોની વિચારણા કરનાર શાસ્ત્ર તે બ્રહ્મમીમાંસા. વૈદિક કર્મોના અનુષ્ઠાન વડે અંત:કરણ શુદ્ધ થાય પછી તેમાં ઈશ્વરનો સાક્ષાત્કાર થાય એ અર્થમાં કર્મમીમાંસા તે પૂર્વમીમાંસા; અને બ્રહ્મમીમાંસા તે ઉત્તરમીમાંસા એમ બંનેનો પૂર્વાપર સંબંધ છે. બ્રહ્મમીમાંસામાં વેદમંત્રો તેમજ ઉપનિષદોનાં વિધાનોની વિચારણા છે. વેદજ્ઞાનની ચરમસીમા ઉપનિષદોમાં છે. તેથી તે વેદાન્ત –  વેદજ્ઞાનનાં સર્વોચ્ચ શિખરો – કહેવાય છે. ઉપનિષદોમાંની ઈશ્વર, જીવ અને જગત વિશેની આપાતત: વિરોધી લાગે તેવી વિચારણાઓને લીધે જનસામાન્યમાં ઉદભવતી વૈચારિક ગૂંચવણ ટાળી તેમની એકવાક્યતા સિદ્ધ કરવી આવશ્યક હતી. બાદરાયણે બ્રહ્મસૂત્રોમાં એ કામ સફળ રીતે સિદ્ધ કર્યું. બ્રહ્મસૂત્ર વેદાન્તદર્શનનો પ્રમુખ ગ્રંથ છે. વેદાન્તદર્શનનાં ત્રણ પ્રસ્થાનોમાંનું તે એક છે. (ભગવદગીતામાંના ‘ब्रह्मसूत्रपदै:’ એ શબ્દો ઉપરથી ગીતાની પહેલાં બ્રહ્મસૂત્ર રચાયાની કેટલાકોની માન્યતા અયુક્તિક છે. એ જ રીતે પાણિનિએ નિર્દેશેલાં ભિક્ષુસૂત્ર એ બ્રહ્મસૂત્ર અને તે ઉપરથી બાદરાયણ તે પારાશર્ય એ માન્યતા પણ નિરાધાર છે.) પાણિનિ પૂર્વે બ્રહ્મસૂત્રો રચાયાં હશે. બ્રહ્મસૂત્રના ચાર અધ્યાય છે અને પ્રત્યેક અધ્યાયનાં ચાર પાદ એમ પાદાનુસાર પ્રથમ અધ્યાયમાં 31, 32, 43 અને 28 મળી 134 સૂત્રો, દ્વિતીય અધ્યાયમાં 37, 45, 53 અને 22 મળી 157 સૂત્રો, તૃતીય અધ્યાયમાં 27, 41, 66 અને 52 મળી 186 સૂત્રો અને ચતુર્થ અધ્યાયમાં 19, 21, 16 અને 22 મળી 78 એમ કુલ 555 સૂત્રો છે.

પ્રથમ અધ્યાય ‘સમન્વયાધ્યાય’ કહેવાય છે. તેમાં શ્રુતિનાં સ્પષ્ટ બ્રહ્મલિંગ અને અસ્પષ્ટ બ્રહ્મલિંગ વાક્યોનો પરબ્રહ્મ અર્થમાં સમન્વય સાધ્યો છે. તેની પ્રથમ ચતુ:સૂત્રીમાં નિરૂપણ છે કે સાંસારિક કર્મોનું ફળ અનિત્ય છે. તેથી નિત્યફલરૂપ મોક્ષ મેળવવા સારુ બ્રહ્મજિજ્ઞાસા કરવી જોઈએ. બ્રહ્મ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે. વેદાદિ શાસ્ત્રોના અધ્યયનથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. બ્રહ્મ સર્વ શાસ્ત્રોનું પ્રતિપાદ્ય છે. આગળનાં સૂત્રોમાં વેદાન્તવાક્યોનો બ્રહ્મમાં સમન્વય નિરૂપ્યો છે. સાંખ્યની પ્રકૃતિમાં દર્શનશક્તિ નથી, તેથી તે જગત્કારણ નથી. જીવ કે પ્રકૃતિ આનંદમય નથી. માત્ર બ્રહ્મ એકલું જ આનંદમય છે.

અક્ષિપુરુષ કે આદિત્યગત હિરણ્યપુરુષ તે બ્રહ્મ જ છે. ‘આકાશ’ શબ્દથી બ્રહ્મનો જ નિર્દેશ કરેલ છે. પ્રાણ, જ્યોતિ વગેરે શબ્દો વડે પણ બ્રહ્મ જ નિર્દેશાયું છે. ‘મનોમય’ આદિ શબ્દો પણ બ્રહ્મનો નિર્દેશ કરે છે. સર્વવ્યાપી બ્રહ્મ અંતરહૃદયમાં સમાતું નિરૂપ્યું છે, તે માત્ર ઉપાસનાની સુવિધા માટે જ. ચરાચર જગતને પોતાનામાં સમાવતું બ્રહ્મ અત્તા કે ભોક્તા કહેવાયું છે. અંતર્યામી વગેરે ગુણો બ્રહ્મના જ છે. ‘વૈશ્વાનર’ શબ્દ વડે પણ તેનો નિર્દેશ છે. આ ઉપરાંત ‘ભૂમા’, ‘અક્ષર’, ‘દહરાકાશ’ આદિ શબ્દો વડે બ્રહ્મનો જ નિર્દેશ થયો છે.

દ્વિતીય અધ્યાયના પ્રથમ સ્મૃતિપાદમાં સાંખ્યયોગ આદિ દર્શનો કપિલ, પતંજલિ આદિ મહર્ષિઓ દ્વારા પ્રણીત હોવા છતાં તેમાંનો પ્રકૃતિને જગતનું કારણ નિરૂપતો સિદ્ધાંત મનુ આદિ મહર્ષિઓની સ્મૃતિઓના બ્રહ્મને જગતનું કારણ નિરૂપતા સિદ્ધાંતના વિરોધમાં હોઈ પ્રકૃતિકારણતાના સિદ્ધાંતને ત્યાજ્ય ગણવો એમ પ્રતિપાદન કર્યું છે. બીજા તર્કપાદમાં પ્રકૃતિકારણવાદી સાંખ્ય, પરમાણુકારણવાદી વૈશેષિક, ક્ષણિકવાદી બૌદ્ધ, અનેકાન્તવાદી જૈન, તટસ્થકર્તૃવાદી પાશુપત અને ચતુર્વ્યૂહવાદી પાંચરાત્ર આદિ સિદ્ધાંતો તર્કશુદ્ધ ન હોઈ ત્યાજ્ય છે એમ બતાવ્યું છે. તૃતીય પાદમાં આકાશ ઉત્પન્ન થતું હોવાથી અનિત્ય છે, જીવ સ્વયંપૂર્ણ નથી અને પરમાત્માને અધીન છે એમ બતાવી તેમનું નિરાકરણ કર્યું છે. ચતુર્થ પાદમાં પ્રાણ, ઇન્દ્રિય વગેરે આરબ્ધ હોઈ તે તે ઇન્દ્રિય મન આદિની અભિમાનિની દેવતા દ્વારા સંચાલિત હોઈ તે પણ જગત્કારણ નથી એમ પ્રતિપાદન કર્યું છે.

તૃતીય અધ્યાયમાં સાધનાધ્યાય છે. તેમાં જીવની કર્માનુસાર શુભ-અશુભ ગતિ બતાવીને તેમાંથી મુક્ત થવા સારુ બ્રહ્મોપાસનાનો નિર્દેશ કર્યો છે. ચતુર્થ અધ્યાયમાં જીવે કરેલી ઉપાસના અનુસાર તેને સત્ય આદિ લોકની પ્રાપ્તિરૂપ ફલનું વર્ણન છે, તેથી તે ફલાધ્યાય કહેવાય છે.

બ્રહ્મસૂત્ર અનુસાર બ્રહ્મ એ ર્દશ્ય જગતનું ઉપાદાન તેમજ નિમિત્ત કારણ છે. બાહ્ય પ્રપંચ તેનું કાર્ય છે. જગતસમગ્રમાં વ્યાપીને પણ તે ઉચ્છિષ્ટ રહે છે. આ પરબ્રહ્મ એ જ સાધકોનું પ્રાપ્તવ્ય છે. કાર્યબ્રહ્મ એ પ્રજાપતિ બ્રહ્મા છે. તે પ્રલય પર્યન્ત રહે છે. કારણબ્રહ્મ નિત્યસિદ્ધ છે. જીવ પરબ્રહ્મના અંશ કે બિંબ રૂપે છે અને બ્રહ્મથી અભિન્ન છે.

બ્રહ્મસૂત્રો પર માંડણી કરીને જે આચાર્યોએ તેમના સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે તે સિદ્ધાંતો (1) અદ્વૈતપરક, (2) દ્વૈતપરક અને (3) દ્વૈતાદ્વૈતપરક – એમ ત્રણ ભાગમાં વહેંચી શકાય. અદ્વૈતવાદીઓમાં શંકરાચાર્ય કેવલાદ્વૈતનું પ્રતિપાદન કરે છે. વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈતનું; રામાનુજાચાર્ય વિષ્ણુપરક વિશિષ્ટાદ્વૈતનું; શ્રીકંઠ શાક્તશૈવ વિશિષ્ટાદ્વૈતનું, વિજ્ઞાનભિક્ષુ અવિભાગાદ્વૈતનું, મધ્વ દ્વૈતનું; ભાસ્કર ઔપાધિક ભેદાભેદનું અને નિમ્બાર્ક સ્વાભાવિક ભેદાભેદનું પ્રતિપાદન કરે છે. કાલક્રમાનુસાર શંકરાચાર્ય (ઈ. સ. 788-820) પ્રથમ, નિમ્બાર્ક (990) દ્વિતીય, ભાસ્કર (લગભગ 1000) તૃતીય, રામાનુજ (1017-1137) ચતુર્થ, મધ્વ (1120) પાંચમા, શ્રીકંઠ (1300) છઠ્ઠા, વલ્લભાચાર્ય (1479-1530) સાતમા અને વિજ્ઞાનભિક્ષુ (1650) છેલ્લા આવે છે. બ્રહ્મસૂત્રોનાં જુદાં જુદાં અર્થઘટનો થયાં છે, પણ તે મહત્વનાં નથી.

શંકરાચાર્ય કેવલાદ્વૈત : શંકરના મતે બ્રહ્મ એ જ કેવલ ત્રિકાલાબાધિત સત્ય છે. જગત પ્રતિભાસમાત્ર હોઈ તે મિથ્યા જ છે. જીવનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તે બ્રહ્મ જ છે; ભિન્ન નથી. કરોળિયો જેમ પોતાનામાંથી જાળું ઉત્પન્ન કરે છે અને પોતાનામાં જ સમાવી લે છે તેમ બ્રહ્મ પોતે જ પોતાનામાંથી જગત ઉત્પન્ન કરે છે અને અંતે પોતાનામાં જ સમાવી લે છે. અર્થાત્ બ્રહ્મ જગતનું ઉપાદાન અને નિમિત્ત એમ બંનેય કારણ છે. બ્રહ્મ નિત્ય, સજાતીય-વિજાતીય-સ્વગત ભેદરહિત, સાક્ષી, ચેતનરૂપ, કેવલ અને નિર્ગુણ છે. જીવ તેનો અંશ કે પ્રતિબિંબ છે; તેથી તે ચેતન છે, પણ અવિદ્યાવશાત્ તે દેહ ઇન્દ્રિય આદિને પોતાનાં માનીને સુખી-દુ:ખી, વિદ્વાન, મૂર્ખ, આંધળો, કાણો, કર્તા, ભોક્તા આદિ માને છે. બુદ્ધિ વગેરે સાથે આત્માનું તાદાત્મ્ય અધ્યાસને લીધે થાય છે. માયાને લીધે જગત સત્ય હોવાની પ્રતીતિ થાય છે. વસ્તુત: અખંડ, ચિન્માત્ર, શુદ્ધ બ્રહ્મ સિવાય બીજા કશાયનું યથાર્થ અસ્તિત્વ નથી. બ્રહ્મ અને જગત ભિન્ન હોવાની બુદ્ધિ એ અજ્ઞાન છે. સુવર્ણના વિવિધ અલંકારો સુવર્ણ સિવાય બીજું કશુંય નથી. તેમજ જગત પણ બ્રહ્મ સિવાય અન્ય કાંઈ જ નથી. શ્રવણ-મનન-નિદિધ્યાસન વડે જીવને બ્રહ્મનું જ્ઞાન થાય છે. વિવેક, વૈરાગ્ય, શમાદિસાધન અને મુમુક્ષુત્વરૂપ સાધનો વડે બ્રહ્મજિજ્ઞાસા જન્મે છે. આત્માનું સ્વરૂપાનુસંધાન એ જ ભક્તિ છે. તે માટે ક્રિયાકાંડની આવશ્યકતા નથી. સંપૂર્ણપણે જ્ઞાનનો આશ્રય લેવાથી બ્રહ્મસાક્ષાત્કાર થાય છે. જીવ બ્રહ્મનો અંશ હોઈ તે બ્રહ્મની જેમ જ ચેતન અને સ્વપ્રકાશ છે. શ્રવણમનન આદિથી તેની બુદ્ધિરૂપ ઉપાધિનો નાશ થતાં તે બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. સમષ્ટિ અને વ્યષ્ટિમાં ભેદ નથી. વ્યષ્ટિ શરીર સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એમ ત્રણ છે. તેના અભિમાની જીવ અનુક્રમે વિશ્વ, તેજસ્ અને પ્રાજ્ઞ કહેવાય છે. સમષ્ટિ શરીરનાં આ ત્રણ રૂપોના અભિમાની વિરાટ કે વૈશ્વાનર, સૂત્રાત્મા અને ઈશ્વર છે. સદેહે જ્ઞાન થતાં જીવન્મુક્તિ મળે છે. શરીર પડ્યા પછી જ્ઞાની જીવ સચ્ચિદાનંદરૂપ થાય છે. માયા એટલે અવિદ્યા, તે બ્રહ્મને આશ્રયે રહે છે. તેણે ઉત્પન્ન કરેલા વિવર્તોને જગત જુદું લાગે છે. શુદ્ધ જ્ઞાનથી અવિદ્યા ટળે છે.

રામાનુજાચાર્યવિશિષ્ટાદ્વૈત : સ્થૂલ ચિદ્-અચિદ્-વિશિષ્ટ કાર્યરૂપ બ્રહ્મ અને સૂક્ષ્મ ચિદ્-અચિદ્-વિશિષ્ટ કારણ બ્રહ્મ એવાં બે બ્રહ્મનો વસ્તુત: અભેદ-અદ્વૈત તે વિશિષ્ટાદ્વૈત. રામાનુજે આ સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો. તેમની પૂર્વે તેમના ગુરુ યામુનાચાર્ય આદિએ આ મતનું પ્રતિપાદન કરેલું. રામાનુજે બ્રહ્મસૂત્ર પર ભાષ્ય રચી એ મતને સ્થિર કર્યો. આ સિદ્ધાંત અનુસાર બ્રહ્મ અદ્વિતીય છે, સજાતીય-વિજાતીય-ભેદરહિત છે. પણ તેમાં સ્થૂલ ચિદ્-અચિદ્-વિશિષ્ટ અને સૂક્ષ્મ ચિદ્-અચિદ્-વિશિષ્ટ એવા કાર્યકારણરૂપ સ્વગત ભેદ છે. જીવ અને જગત બ્રહ્મના સ્વગત ભેદ છે. જગત મિથ્યા નથી. આમ છતાંય બ્રહ્મ એક જ છે; કેમ કે, તેનામાં સજાતીય-વિજાતીય ભેદ નથી. બ્રહ્મ નિર્ગુણ નથી. તેનામાં જ્ઞાન, આનંદ આદિ સદગુણો છે. બ્રહ્મ વિભુ છે અને જીવ અણુ છે. બંનેય ચેતન છે, અગ્નિ અને તેના તણખાની જેમ એ બંનેમાં માત્ર સ્વગત ભેદ છે. બ્રહ્મ સર્વજ્ઞ છે અને જીવ અલ્પજ્ઞ છે. જીવને પૂર્ણ જ્ઞાન થાય ત્યારે તેની મુક્તિ થાય છે. વાસુદેવની ભક્તિ મુક્તિનું આત્યંતિક સાધન છે. મુક્તિ જ્ઞાનનું ફલ છે. સત્વશુદ્ધિ થતાં ધ્રુવસ્મૃતિ જન્મે છે, અને ધ્રુવસ્મૃતિથી ભક્તિ જન્મે છે. ભક્તિ ઉત્પન્ન થયા પછી જ્ઞાનની જરૂર રહેતી નથી. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત જીવન્મુક્તિમાં માનતો નથી. માયા એ બ્રહ્મની શક્તિ છે. તે મિથ્યા નથી. અજ્ઞાન એ જીવમાં રહેલો જ્ઞાનાભાવ છે. માયા અને અજ્ઞાન એક નથી. દાસ્યભક્તિ વડે સંપૂર્ણ શરણાગતિ એ જ મોક્ષ છે. મોક્ષદશામાં જીવ બ્રહ્મથી જુદો જ રહે છે. આનંદનો અનુભવ એ જ માત્ર મોક્ષનો વિશેષ લાભ છે. સેવ્ય બ્રહ્મનું સતત ચિંતન અને ઉપાસના તેમજ ધ્રુવસ્મૃતિ એ જ મોક્ષનાં એકમાત્ર સાધન છે. આત્મા અને બ્રહ્મનું ઐક્ય માનવું એ રાજાનો અપરાધ જેમ દંડપાત્ર છે તેમ દંડપાત્ર બને છે.

નિમ્બાર્કાચાર્યદ્વૈતાદ્વૈત : નિમ્બાર્કના મતે બ્રહ્મ ચેતન-અચેતન બંનેયથી અત્યન્ત ભિન્ન છતાં અભિન્ન છે. આ અર્થમાં આ સિદ્ધાંત દ્વૈતાદ્વૈત કહેવાય છે. ચેતન જીવ અને અચેતન જગત બંનેય બ્રહ્મમાંથી પરિણમ્યાં છે. ચિત્સ્વરૂપ જીવ ભોક્તા છે. અચિત્ જગત ભોગ્ય છે. અને તે બંનેનો નિયન્તા ઈશ્વર છે. આમ ચિદ્, અચિદ્ અને ઈશ્વર – એમ ત્રણ સત્તાઓ છે. જગત ર્દશ્ય છે. જીવ દ્રષ્ટા છે. વ્યક્તિગત અહંકારોનો સમૂહ તે જીવસમૂહ. જીવ સાંસારિક પદાર્થોને એકબીજાથી ભિન્ન જુએ છે. નિયન્તા ઈશ્વરસૃષ્ટિના સર્વ પદાર્થોને એકભાવે જુએ છે. બ્રહ્મ સચ્ચિદાનંદસ્વરૂપ છે, નામરૂપરહિત છે. સનાતન, નિર્વિકાર અને આનંદાનુભવ છે, એ જ અક્ષર કહેવાય છે.

વ્યાવહારિક રીતે જગત જડ અને અચિત્ છે; પણ વસ્તુત: તેનો કોઈ પણ અંશ ચેતનરહિત નથી. જગતમાં સર્વત્ર વ્યાપ્ત ચેતન તે પુરુષ છે. જગતનો ર્દશ્યમાન અંશ તે શરીર અને અંતર્હિત ચૈતન્ય તે પુરુષ. વિશ્વરૂપ શરીરમાં રહેલું ચૈતન્ય તે હિરણ્યગર્ભ. તે જ વિરાટ. તેના વિભિન્ન ભાગોમાં અનંત જીવો રહે છે. વિશ્વ બ્રહ્મનો અંશ છે. જીવ પણ બ્રહ્મનો અંશ છે. તે જ્ઞાનસ્વરૂપ અને જ્ઞાનવાન એમ ઉભય છે. તે કર્તા છે, ભોક્તા છે, નિયમ્ય છે. ઈશ્વર તેનો નિયન્તા છે. જીવ બદ્ધ છે. તે મુક્ત થઈ શકે છે અને ત્યારે તેને જીવ, જગત અને બ્રહ્મના એકત્વની પ્રતીતિ થાય છે. જગત પ્રાકૃત, અપ્રાકૃત અને કાલ એમ ત્રિવિધ છે. ચિદરૂપમાં જગત પણ નિત્ય છે. કૃષ્ણ એ બ્રહ્મ છે. તે નિર્દોષ છે અને જગતનું ઉપાદાન તથા નિમિત્ત કારણ એમ બંને છે. તે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એમ ચતુર્વ્યૂહવાળું છે, અને મત્સ્યકૂર્મ આદિ અવતારો ધારણ કરે છે. નારાયણ જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. તે જીવ અને જગતથી ભિન્ન છે અને અભિન્ન પણ છે. આ બંનેય સ્થિતિમાં તે સત્ય છે. ભક્તિ એ જ મુક્તિનું સાધન છે. કાર્પણ્યયુક્ત અને અસહાયતાના ભાવવાળી ભક્તિ મુક્તિ અપાવે છે.

મધ્વાચાર્યદ્વૈતસિદ્ધાંત : દ્વૈતસિદ્ધાંત અનુસાર પાંચ પ્રકારના નિત્ય ભેદ છે : (1) ઈશ્વર અને જીવનો ભેદ, (2) ઈશ્વર અને જગતનો ભેદ, (3) એક જીવનો બીજા જીવથી ભેદ, (4) જીવ અને જગતનો ભેદ, (5) એક જડ પદાર્થનો બીજા જડ પદાર્થથી ભેદ. આમ ઈશ્વર, જીવ અને જગતમાં સર્વત્ર સર્વથા ભેદ છે. આ અર્થમાં મધ્વસિદ્ધાંત દ્વૈતસિદ્ધાંત કહેવાય છે. મધ્વને મતે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ નથી. બ્રહ્મ સગુણ અને સવિશેષ છે. તે સ્વતંત્ર અને અનન્તગુણસ્વરૂપ છે. ચેતન જીવ અને અચેતન જગતથી તે સર્વથા ભિન્ન છે. વિષ્ણુ એ બ્રહ્મ છે, અને શિવાદિ સર્વ દેવોનું સર્વોપરી છે. તે જગતનું સર્જન, પાલન અને તેનો સંહાર કરે છે, તે મુક્તિ આપે છે. દેશકાલ અને ગુણની ર્દષ્ટિએ તે નિ:સીમ શક્તિશાળી છે. તે જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ છે, સર્વતંત્રસ્વતંત્ર છે. વિભિન્ન વસ્તુઓમાં એક છે, છતાં વસ્તુઓથી ભિન્ન છે. જીવ અણુ છે, પ્રતિશરીર ભિન્ન છે અને અસ્વતંત્ર છે. ઈશ્વર સાથે તે એકરૂપ થઈ શકતો નથી. તે ભગવાનનો સેવક માત્ર છે. તે ચેતન છે, પણ મર્યાદિત જ્ઞાનવાળો છે. તેના દુ;ખી અને દુ:ખરહિત એમ બે પ્રકાર છે. દુ:ખી જીવ પણ મુક્તિને યોગ્ય અને અયોગ્ય એમ બે પ્રકારનો છે. આમ જીવ ત્રણ પ્રકારનો છે. સત્વ, રજસ્ અને તમસ્ ગુણ અનુસાર પણ તે ત્રણ પ્રકારનો છે. જગત સત્ય છે, પણ તે જડ અને અસ્વતંત્ર છે. પરમાત્મા માત્ર તેનું નિમિત્ત કારણ જ છે. મોક્ષ એટલે વૈકુંઠપ્રાપ્તિ. હરિનું જ્ઞાન થતાં કે તેમનો સાક્ષાત્કાર થતાં મોક્ષ મળે. ઈશ્વર, જીવ અને જગતને ભિન્ન સમજવાં તે જ્ઞાન છે. સાક્ષાત્ જ્ઞાન પ્રાપ્ત કરવા અર્થે વૈરાગ્ય, શમદમ આદિ, ગુરુશરણ, હરિભક્તિ અને સર્વ કર્મો હરિને સમર્પિત કરવાં એ સાધનો છે. ભક્તિથી જ મુક્તિ મળે છે. ધ્યાન, ભક્તિ, વેદાધ્યયન, ઇન્દ્રિયનિગ્રહ, વિલાસત્યાગ અને સંસારની નશ્વરતાનું ભાન એ સર્વ ઈશ્વરસાક્ષાત્કારમાં સહાયક છે.

વલ્લભાચાર્યશુદ્ધાદ્વૈત : વલ્લભાચાર્યનો સિદ્ધાંત શુદ્ધાદ્વૈત સિદ્ધાંત છે. માયારહિત શુદ્ધ બ્રહ્મ જ, તેમને મતે જગતનું સર્જન કરે છે. માયારહિત શુદ્ધ બ્રહ્મ અને જીવનું અદ્વૈત-અભેદ એ શુદ્ધ અદ્વૈત. જીવ અણુ છે. બ્રહ્મથી અભિન્ન છે. તે અજ્ઞાનથી પરિચ્છિન્ન થતો નથી. તે શુદ્ધ છે, પણ અજ્ઞાનના બંધનમાં બંધાય છે અને જન્મમરણ અનુભવે છે. વિદ્યા વડે તે સંસારના બંધનમાંથી મુક્ત થાય છે. ભક્તિમાર્ગમાં આ સિદ્ધાંત પુષ્ટિમાર્ગ કહેવાય છે. શ્રીકૃષ્ણ એ જ સચ્ચિદાનંદરૂપ પરબ્રહ્મ છે. તે રસેશ્વર છે અને સર્વ લીલાનું ધામ છે. અગ્નિમાંથી તણખા નીકળે તેમ પરબ્રહ્મમાંથી જીવોનો આવિર્ભાવ થાય છે. દુ:ખમય સંસારમાંથી મુક્ત થવા સારુ મર્યાદા અને પુષ્ટિ – એમ બે માર્ગ છે. શરણાગતિવાળી ભક્તિ એ ઉત્તમ મોક્ષમાર્ગ છે. ભગવાનની કૃપા થાય તો જ ભક્તિ જન્મે અને મુક્તિ મળે. બ્રહ્મ જગતનું ઉપાદાન અને નિમિત્ત બંનેય કારણ છે. જગતનું અસ્તિત્વ છે જ. માત્ર તેનાં ચૈતન્ય અને આનંદ અભિવ્યક્ત થતાં નથી એટલું જ. બ્રહ્મ જ સ્થૂલ જગત રૂપે વ્યક્ત થાય છે; તેથી જગત પણ નિત્ય છે.

નટવરલાલ યાજ્ઞિક