ઉત્તરપ્રદેશ સ્ટેટ ઑબ્ઝર્વેટરી

January, 2004

ઉત્તરપ્રદેશ સ્ટેટ ઑબ્ઝર્વેટરી – નૈનીતાલ : નૈનીતાલ ખાતેની સૌર નિરીક્ષણ માટેની વેધશાળા. આ વેધશાળાની મૂળ સ્થાપના 1954ના એપ્રિલમાં વારાણસીમાં થઈ હતી. 1955માં તેને નૈનીતાલમાં લાવવામાં આવી અને 1961માં નૈનીતાલ શહેરની દક્ષિણે 79o 27′ પૂ. રે. અને 29o 22′ ઉ. અ. પર 1,951 મીટરની ઊંચાઈએ આવેલા કાયમી સ્થળે લઈ જવામાં આવી.

વેધશાળા પાસે 104 સેમી.ના છિદ્ર(aperture)વાળા દૂરદર્શક સહિત કેટલાંક દૂરદર્શક, સૂર્યના અભ્યાસ માટે તેનું 16 સેમી. પ્રતિબિંબ મેળવી શકાય તેવો સૌરવર્ણપટલેખક (spectrograph), ઉપગ્રહ-ટ્રૅકિંગ કૅમેરા, સેકન્ડના દસ લાખમા ભાગ જેટલી ચોકસાઈથી સમય માપી શકે તેવું ક્વાર્ટ્ઝ ઘડિયાળ વગેરે સાધનો ઉપરાંત સમૃદ્ધ પુસ્તકાલય તથા સંશોધન માટેનાં સાધનો બનાવી શકાય તે માટેની પાંચ વર્કશૉપ છે.

સૂર્ય પૃથ્વીની સૌથી નજદીકનો તારો છે, જેનો વિગતવાર અભ્યાસ શક્ય છે. આથી વિશ્વની ઘણી વેધશાળાઓ સૂર્યના જ અભ્યાસ માટે જાણીતી છે. આ વેધશાળા પણ સૂર્યના અભ્યાસ પર વધુ ધ્યાન આપે છે. આ ઉપરાંત ઉપગ્રહ-ટ્રૅકિંગ પણ આ ઑબ્ઝર્વેટરીનું અગત્યનું કાર્ય છે.

સંસ્થાના સૌજન્યથી