ઉત્તરપ્રદેશ
વસ્તીની ર્દષ્ટિએ ભારતનું સૌથી મોટું અને મહત્વનું રાજ્ય. તે 23o 52’થી 30o 19´ ઉ. અ. અને 77o 10’થી 89o 39′ પૂ. રે. વચ્ચેનો 2,43,290 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભારતમાં વિસ્તારની ર્દષ્ટિએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ચોથા ક્રમે આવે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, પશ્ચિમે હરિયાણા અને રાજસ્થાન, દક્ષિણે મધ્યપ્રદેશ અને પૂર્વમાં બિહાર રાજ્યની આંતરરાજ્ય સીમાઓ; જ્યારે ઈશાનમાં નેપાળની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે.

ઉત્તરપ્રદેશ
ભૂપૃષ્ઠ–કુદરતી વિભાગો : ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ ઉત્તરપ્રદેશના ત્રણ કુદરતી વિભાગો પાડવામાં આવેલા છે : (i) ઉપહિમાલય વિસ્તાર; (ii) ગંગા-યમુનાનું મેદાન અને (iii) બુંદેલખંડનો દક્ષિણનો ઉચ્ચપ્રદેશ.
ઉપહિમાલય વિસ્તાર : ઉપહિમાલયના પ્રદેશમાં હિમાલય અને ગંગાના મેદાન વચ્ચે આવેલા ભાગનો સમાવેશ થાય છે. સહરાનપુર, બિજનૌર, બરેલી, ગોરખપુર, ગોંડા અને બસત આ પ્રદેશનાં મુખ્ય કેન્દ્રો છે. તરાઈ એ આ પ્રદેશનો મુખ્ય વિસ્તાર છે. સહરાનપુરથી દેવરિયા જિલ્લા સુધીનો પ્રદેશ તરાઈમાં આવે છે. તરાઈમાંથી પસાર થતી બધી જ નદીઓને કારણે ચોમાસામાં કાદવ-કીચડ થાય છે. અહીંની આબોહવા પણ ભેજવાળી અને રોગિષ્ઠ રહે છે.
ગંગા–યમુનાનું મેદાન : ગંગા-યમુનાનું મેદાન તરાઈ પ્રદેશ અને દક્ષિણના બુંદલેખંડના ઉચ્ચપ્રદેશ વચ્ચે આવેલું છે. પૂર્વમાં ગંડક અને પશ્ચિમમાં યમુના નદી તેની સરહદે આવેલી છે. આ વિસ્તાર હિમાલયમાંથી નીકળતી યમુના, રામગંગા, ગોમતી, ઘાઘરા, ગોગ્રા, ગંડકી, ગંગા અને શારદા દ્વારા નિક્ષેપિત થયેલા કાંપથી બનેલો છે. અહીં કાંપની જમાવટ 400 મીટર જેટલી જાડાઈની છે. માત્ર કાંપ છે, ખડકો મળતા નથી. આ પ્રાદેશિક વિભાગનું ક્ષેત્રફળ 80,000 ચોકિમી.થી થોડુંક વધારે છે. આ મેદાની વિસ્તાર અત્યંત ફળદ્રૂપ હોવાથી અહીં વસ્તીનું પ્રમાણ પણ વધુ છે. આ મેદાનનો સામાન્ય ઢોળાવ પશ્ચિમથી પૂર્વ તરફનો છે. સમુદ્રથી તે દૂર હોવાથી, જેમ અંતર વધે છે તેમ તેની આબોહવા વિષમ બનતી જાય છે. ઉનાળા અને શિયાળા સખત રહે છે, ઉનાળાનું તાપમાન 40o સે. કે તેથી થોડુંક વધારે રહે છે. આ વિસ્તારમાં આવેલા 14 જેટલાં જિલ્લાઓ દુષ્કાળ અને પૂરની પરિસ્થિતિનો સામનો અવારનવાર કરતા રહે છે
દક્ષિણનો ઉચ્ચપ્રદેશ : આ વિસ્તાર પૂર્વની કૈમુર ગિરિમાળાનો ભાગ છે. ચંબલ, બેટવા, કેન વગેરે નદીઓ યમુનાને મળે છે. ઉનાળો અને શિયાળો અહીં સખત રહે છે. અહીંની જમીનો ખેતી માટે અનુકૂળ પડતી નથી. રેતીખડકો અને ચૂનાખડકોનું પ્રમાણ વધુ છે. તેની દક્ષિણે વિંધ્ય હારમાળા પથરાયેલી છે. મિરઝાપુર, ઝાંસી, જાલીન, બાંદા અને હમીરપુર અહીંના મહત્વના શહેરી વિસ્તારો છે.
આબોહવા : રાજ્યના મેદાની પ્રદેશમાં ઉનાળાનું મે માસનું તાપમાન 43oથી 45o સે. જેટલું તથા શિયાળાનું જાન્યુઆરીમાં 3oથી 4o સે. જેટલું રહે છે. મેદાનના પૂર્વ ભાગમાં 700 મિમી. જેટલો વરસાદ પડે છે; તે પૈકીનો
85 % વરસાદ જૂનથી સપ્ટેમ્બરમાં પડે છે.
વનસ્પતિ અને પ્રાણીઓ : તરાઈના ભેજવાળા વિસ્તારમાં સાગ, સાલ, વાંસ તેમજ ઊંચું ઘાસ જોવા મળે છે. સાગનું પ્રમાણ દક્ષિણના ઉચ્ચપ્રદેશમાં આવેલા મિરઝાપુર જિલ્લામાં વધુ છે. આ ઉપરાંત રાજ્યમાં આંબા, લીમડા અને પીપળાનાં વૃક્ષો નજરે પડે છે. નેપાળ સાથેના સીમાવર્તી પ્રદેશમાં વાઘ અને દીપડા જેવાં હિંસક પ્રાણીઓ તથા જંગલ વિસ્તારમાં હરણ, વરુ, સસલાં, નીલગાય જેવાં પ્રાણીઓનું પ્રમાણ અધિક છે. પહાડી વિસ્તારમાં ઘેટાં, બકરાં અને ખચ્ચર; જ્યારે મેદાની વિસ્તારમાં ગાય, ભેંસ જેવાં દુધાળાં પ્રાણીઓનું પ્રમાણ અધિક છે.
જમીન અને ખેતી : આ રાજ્યની જમીન મુખ્યત્વે કાંપવાળી અને ગોરાડુ હોવાથી તે ખેતીને માટે ખૂબ જ અનુકૂળ પડે છે. રાજ્યના મોટાભાગના લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. કુલ વસ્તીના આશરે 75 % લોકો ખેતીપ્રવૃત્તિમાં રોકાયેલા છે. સમગ્ર જમીન-વિસ્તાર પૈકી 168.01 લાખ હેક્ટર જમીનમાં ખેતી થાય છે. અહીં ઘઉં, ડાંગર, કઠોળ, શેરડી અને તેલીબિયાંના પાક લેવાય છે. આ ઉપરાંત, મકાઈ, બાજરી, જવ, અળસી, શણ અને બટાટાની પણ ખેતી થાય છે. આ રાજ્ય ભારતમાં સૌથી વધુ અનાજનું ઉત્પાદન આપે છે.
સિંચાઈ : આ રાજ્યમાં આવેલી નદીઓ બારમાસી હોઈ પાણીનો પૂરતો પુરવઠો ધરાવે છે તેથી સિંચાઈ વધુ થાય છે. રાજ્યની 1 કરોડ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. ઉત્તરપ્રદેશની મુખ્ય નહેરોમાં ઉપલી અને નીચલી ગંગા નહેર, યમુના નહેર, આગ્રા નહેર, શારદા નહેર, કેન નહેર, ઘાઘરા નહેર, રામગંગા નહેર, બિજનૌર નહેર, રુહેલખંડ નહેર વગેરેનો સમાવેશ થાય છે. નહેરો ઉપરાંત કૂવા અને ટ્યૂબવેલ(નળકૂપ)નો પણ સિંચાઈ માટે ઉપયોગ થાય છે. આ રાજ્યમાં નાની મોટી થઈને 32 નદીઓ વહે છે.

તાજમહેલ, આગ્રા
ખનિજસંપત્તિ : આ રાજ્યમાંથી મૅગ્નેસાઇટ, ચિનાઈ માટી, કોલસો, ગ્રૅનાઇટ, રેતીખડક, ચૂનાખડક, તાંબું, સીસું, જસત, ડૉલોમાઇટ, બૉક્સાઇટ, રૉક-ફૉસ્ફેટ, કાચરેતી, શંખજીરું, સિલિકા જેવાં ખનિજો–ખડકો મળે છે.
ઉદ્યોગો : આ રાજ્યમાં મોટા પાયા પરના તથા મધ્યમ કક્ષાના મળીને 3000 જેટલા એકમો ઉદ્યોગક્ષેત્રે કાર્યરત છે; જ્યારે 5 લાખ જેટલા નાના પાયા પરના ઉદ્યોગો ચાલે છે. રાજ્યમાં ગરમ, સુતરાઉ અને રેશમી કાપડની મિલો તથા ખાતરો, રસાયણ, દવાઓ, ખાંડ, કાચ, કાગળ, સિમેન્ટ અને ચામડાની વસ્તુઓ, પગરખાં તેમજ ખેતીનાં સાધનો બનાવવાનાં કારખાનાં આવેલાં છે. આ ઉપરાંત અહીં વીજાણુ અને વીજસામગ્રી, ઑટોમોબાઇલ, સિન્થેટિક ફાઇબર બનાવવાના એકમો પણ છે. રાજ્યમાં મથુરા ખાતે તેલ-રિફાઇનરી, વારાણસી ખાતે ડીઝલ લૉકોમોટિવ ફૅક્ટરી, ગોરખપુર અને અલ્લાહાબાદ ખાતે ખાતરનાં કારખાનાં, કાનપુર ખાતે મૉડર્ન બેકરી, લખનૌ ખાતે હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ વધુ જાણીતા એકમો છે. હાથવણાટના અને રેશમી કાપડના, ધાતુ, લાકડા અને માટીની વસ્તુઓના ગૃહ-ઉદ્યોગો દ્વારા લોકોને રોજી-રોટી મળી રહે છે. નોઈડા ખાતે ન્યૂ ઓખલા ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઑથૉરિટીનું આયોજન પૂર્ણ થયું છે.
પરિવહન–સંદેશાવ્યવહાર : આ રાજ્યમાં 1,03,795 કિમી. જેટલી લંબાઈના રસ્તાઓ આવેલા છે. તેમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો તેમજ મહત્વના જિલ્લામાર્ગોનો સમાવેશ થાય છે. આ રાજ્યમાંથી 42 રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે. જેની લંબાઈ 4,942 કિમી. છે. જેમાં આગ્રા-લખનો એક્સપ્રેસ વે 302 કિમીની લંબાઈ ધરાવે છે. સમગ્ર ભારતમાં સૌથી ગીચ માર્ગોનું વિશાળ જાળું આ રાજ્ય ધરાવે છે. રાજ્યમાં રેલમાર્ગોની લંબાઈ 8,534 કિમી. જેટલી છે. તેમાં બ્રૉડગેજ રેલમાર્ગોનો સમાવેશ થાય છે. રાજ્યનું મુખ્ય રેલ જંકશન લખનૌ ખાતે આવેલું છે. આ ઉપરાંત આગ્રા, કાનપુર, અલ્લાહાબાદ, મુઘલસરાઈ, ઝાંસી, મોરાદાબાદ, વારાણસી, લલિતપુર, ગોરખપુર, ફૈજાબાદ અને સીતાપુર પણ મહત્વનાં જંકશનો છે. લખનૌ ખાતે મેટ્રો રેલમાર્ગનું કામ કાર્યરત છે. હવાઈ મથકોમાં લખનૌ, કાનપુર, વારાણસી, અલ્લાહાબાદ, આગ્રા, ઝાંસી, બરેલી, હિન્દોણ, ગોરખપુર અને સહરાનપુરનો સમાવેશ થાય છે. વારાણસી ખાતે આવેલું લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈમથક વધુ મહત્ત્વનું લેખાય છે.
વસ્તી–લોકો : 2019 મુજબ ઉત્તરપ્રદેશની વસ્તી આશરે 20 કરોડ હતી. રાજ્યમાં હિન્દુ, મુસલમાન, શીખ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ લોકો વસે છે. રાજ્યના લગભગ 67.7 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. રાજ્યમાં 45 મહાવિદ્યાલયો આવેલાં છે. મહાવિદ્યાલયોને સમકક્ષ 6 જેટલી સંસ્થાઓ છે. 60 મેડિકલ કૉલેજો, 450 એન્જિનિયરિંગ કૉલેજો, 62 એજ્યુકેશન કૉલેજો; જ્યારે વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજોની સંખ્યા 550 છે.
પ્રવાસન : આ રાજ્ય યાત્રાળુઓની ભૂમિ તરીકે ભારતભરમાં જાણીતું બનેલું છે. અલ્લાહાબાદમાં દર બાર/છ વર્ષે કુંભમેળો/અર્ધકુંભમેળો ભરાય છે. કુંભમેળો એ ઉત્તરપ્રદેશ રાજ્યની વિશિષ્ટતા છે. અહીં જાન્યુઆરીમાં માઘમેળો તથા મથુરા અને વૃંદાવનમાં જન્માષ્ટમી પર 15 દિવસ સુધી ઝૂલાનો મેળો ભરાય છે. કાર્તિકી પૂર્ણિમાએ ગંગાસ્નાન માટે અને ભાઈબીજે યમુનાસ્નાન માટે લાખો લોકો આવે છે, અને ગંગા-યમુનાનાં જુદાં જુદાં અનુકૂળ સ્થળો –ગઢમુક્તેશ્વર, સોરણ, રાજઘાટ, કાકોરા, બિથપુર, કાનપુર, અલ્લાહાબાદ, વારાણસી અને અયોધ્યાની મુલાકાત લે છે. આગ્રા જિલ્લાના બટેશ્વર ખાતે પશુમેળો ભરાય છે. મુસ્લિમ સંત વારિસઅલી શાહની યાદમાં બારાબંકી જિલ્લો પણ જાણીતો બન્યો છે.
આ રાજ્યના વારાણસી, અયોધ્યા, ચિત્રકૂટ, પ્રયાગ, નૈમિષારણ્ય, મથુરા, વૃંદાવન, દેવાશરીફ, ફતેહપુર (સલીમ ચિશ્તી દરગાહ), સારનાથ, શ્રાવસ્તી, કુશીનગર, સાંકિસા, કાંપિલ્ય, પીપરવા અને કૌશાંબી તેનાં ધાર્મિક સ્થળો માટે તથા આગ્રા, અયોધ્યા, સારનાથ, વારાણસી, લખનૌ, ઝાંસી, ગોરખપુર, જૌનપુર, કનોજ, મહોબા, દેવગઢ, બિઠુર અને વિંધ્યાચલ તેનાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થાપત્યો માટે જાણીતાં છે. આગ્રા ખાતે આવેલ તાજમહેલ અને કિલ્લો, ફતેહપુર સિક્રીને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરેલ છે. અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ થઈ રહ્યું છે. ફતેહપુર સિક્રી ખાતે આવેલ બુલંદ દરવાજો જે ભારતનો સૌથી ઊંચો દરવાજો છે. તેની ઊંચાઈ 53.6મી. છે.
પ્રાગૈતિહાસિક કાળ : ઉત્તરપ્રદેશમાંથી પ્રાચીન, મધ્ય, નવ્ય અને લઘુપાષાણયુગના અવશેષો મળ્યા છે. અલ્લાહાબાદની ઈશાને 98 કિમી. દૂર બેલન નદીની ભેખડમાંથી પ્રાચીન પાષાણયુગનાં હાથકુહાડી, સ્ક્રૅપર, રંદો તથા છોલવામાં ઉપયોગી પથ્થરોનાં બીજાં ઓજારો મળ્યાં છે. મધ્યપાષાણયુગનાં નાનાં ઓજારો તથા ધારદાર પથ્થરનાં પાનાં, શિકાર કરવા તથા તેને કાપવા કામ લાગે તેવાં હથિયારો મળ્યાં છે. આ યુગનો માનવ કંદમૂળ ખાઈને અને શિકાર કરીને જીવનનિર્વાહ કરતો હશે. મિરઝાપુર જિલ્લામાં ઉત્ખનન કરતાં ચાર ફૂટ જાડા માટીના થરમાંથી અનેક લઘુપાષાણયુગનાં ઓજારો મળ્યાં છે. ઉત્તર-દક્ષિણ દિશામાં એક ઉપર એક ટૂંટિયું વાળીને સૂતેલાં સત્તર જેટલાં માનવ-હાડપિંજરો મળ્યાં છે. સાથે ભાતભાતનાં વાસણો પણ છે. આ યુગનો માનવ ખેતી કરતો હશે. બાંદા જિલ્લામાંથી ચકચકિત પૉલિશ કરેલાં વાસણો મળ્યાં છે. વૈદિક સાહિત્યમાં ઉત્તરપ્રદેશનો ઈ. પૂ. છઠ્ઠી સદી સુધીનો ઉલ્લેખ મળતો નથી. તેની પૂર્વે મહાભારત અને રામાયણનાં મહાકાવ્યો રચાયાં હશે. પાંચાલ દેશના પાટનગર અહિચ્છત્રમાંથી માટીનાં વાસણો મળ્યાં છે. અહિચ્છત્ર, હસ્તિનાપુર, તિલપત, પાણીપત, સંનિપત વગેરે ગામોનો મહાભારતમાં ઉલ્લેખ છે. હસ્તિનાપુરમાંથી મળેલાં માટીનાં વાસણોના અવશેષો ઉપરથી જણાય છે કે તત્કાલીન લોકો ભટકતું જીવન ગાળતા ન હતા અને સિંધુ સંસ્કૃતિ કરતાં આ સંસ્કૃતિ ઊતરતી કક્ષાની નહોતી. કૌસાંબી, હસ્તિનાપુર અને રાજઘાટ પાસે ઉત્ખનન થયેલ છે. કૌસાંબીમાંથી પકવેલી ઈંટોથી બંધાયેલાં ઘરો, કૂવાઓ, જાહેર સ્નાનાગર વગેરેના અવશેષો ઉપરાંત પ્રાગ્-બૌદ્ધકાળના સિક્કાઓ, શંખ, હાથીદાંતની બંગડીઓ અને તેના ટુકડાઓ તેમજ માટીની મૂર્તિઓ મળ્યાં છે. ટૂંકમાં, મિરઝાપુર, બાંદા અને હમીરપુર જિલ્લાઓમાંથી પાષાણયુગના વિવિધ સ્તરના અવશેષો મળ્યા છે; જ્યારે મથુરા, બિજનૌર, ઉનાઓ અને કાનપુર આસપાસથી તામ્રયુગનાં બાણો, ભાલાનાં ફળાં વગેરે મળ્યાં છે.
ઉત્તરવૈદિક કાળ : પંજાબના આર્યો ધીમે ધીમે ખસતાં ગંગા અને યમુનાને તીરે ઈ. પૂ. 2500-1500 દરમિયાન વસ્યા હતા. સ્થાનિક રહેવાસી દાસોને હરાવીને રાજ્યો સ્થાપ્યાં હતાં. યજુર્વેદમાં યમુના અને ગંગાનો ઉલ્લેખ છે. વૈદક સાહિત્યના ઉલ્લેખો ઉપરથી જાણવા મળે છે કે આર્યોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. ઘોડા, ગાયો અને બળદ ઉપયોગી પ્રાણી હતાં. રાજાની ચૂંટણી થતી અને સભા તથા સમિતિના સભ્યો રાજકાર્યમાં રાજાને મદદ કરતા હતા. પુરુષસૂક્તમાં ચાર વર્ણનો ઉલ્લેખ છે, પણ જડ જ્ઞાતિસંસ્થા તે વખતે અસ્તિત્વમાં ન હતી. ઈ. પૂ. 600 આસપાસ આર્યો પૂર્વ તથા દક્ષિણ તરફ આગળ વધ્યા હતા. આ પ્રદેશ મધ્યદેશ, આર્યાવર્ત અને અંતરવેદી એવાં નામોથી ઓળખાતો હતો.
ઐતિહાસિક કાળ : ભગવાન બુદ્ધના (ઈ. પૂ. 623) સમયનાં સોળ જનપદોનો ઉલ્લેખ મળે છે તે પૈકી કુરુ, પંચાલ, શૌરસેન, વત્સ, કોસલ, મલ્લ, કાશી, ચેદિ એ આઠ જનપદો ઉત્તરપ્રદેશમાં આવ્યાં હતાં. ઉત્તરપ્રદેશના પૂર્વભાગમાં શાક્યોની વસ્તી ઘણી હતી અને ભગવાન બુદ્ધે ઉત્તરપ્રદેશમાં ઘણાં સ્થળોએ ઉપદેશ કર્યો હતો. સારનાથ કાશી નજીક છે.

ધામેખ સ્તૂપ, સારનાથ
ઈ. પૂ. પાંચમી સદીના છેવટના સમયમાં મગધ મહારાજ્યનો ઉદય થયો હતો અને મગધનો ઇતિહાસ એ જ ઉત્તરપ્રદેશનો ઇતિહાસ છે. અજાતશત્રુ અને બિંબિસાર પછી મહાપદ્મ નંદ અને તેના વંશજોનું, ચંદ્રગુપ્ત મૌર્યનો ઉદય થયો ત્યાં સુધી, ઉત્તર પ્રદેશ ઉપર આધિપત્ય હતું. ઈ. પૂ. 322માં ચંદ્રગુપ્તે નંદોનો નાશ કર્યો. તેના અનુગામી અશોકનો સ્તંભ સારનાથમાં છે. મૌર્યવંશ પછી શુંગ અને કણ્વવંશના રાજવીઓનું અહીં શાસન હતું. ત્યારબાદ શકોએ કડફિસીસ બીજાના વખતમાં વારાણસી સુધી તેમનું રાજ્ય વિસ્તાર્યું હતું. કુશાનો તથા પશ્ચિમના શક-ક્ષત્રપોએ 300 વરસ રાજ્ય કર્યું. શકોની રાજધાની મથુરા હતી. નાગવંશના રાજાઓએ મથુરા અને કાંતિપુરીમાં રાજ્ય સ્થાપ્યું હતું. આ ઉપરાંત અહિચ્છત્ર, કૌસાંબી અને અયોધ્યાનાં નવાં રાજ્યોનો ઉત્તરપ્રદેશમાં ઉદય થયો હતો. કુશાન વંશના અંત પછી ચંદ્રગુપ્તે ગુપ્તવંશની સ્થાપના કરી. ઈ. સ. 467માં સ્કંદગુપ્તનું મૃત્યુ થયું. ત્યારબાદ હૂણોએ આક્રમણ કરી ઉત્તરપ્રદેશમાં ત્રાસ વર્તાવ્યો હતો અને યશોવર્મને તેમને હરાવ્યા બાદ મૌખરી કુળના રાજાઓ કનોજમાં શાસન કરતા હતા. ગોડ(બંગાળ)નો રાજા શશાંક માળવાના રાજા દેવગુપ્તની મદદમાં કનોજ ગયો હતો. તેણે દગો કરી, કનોજની મદદે ગયેલા થાણેશ્વરના રાજ્યવર્ધનને મારી નાંખ્યો. તેથી રાજ્યવર્ધનનો ભાઈ હર્ષવધન થાણેશ્વરનો રાજા બન્યો અને કનોજ, ગૌડ, મિથિલા, ઉત્કલ અને સારસ્વત જીતી લીધાં. હર્ષવર્ધનના રાજ્યનો હ્યુએનસંગે ધર્મરાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. હર્ષના મૃત્યુ પછી કનોજ માટે ગુર્જર પ્રતિહાર, બંગાળના ધર્મપાલ અને રાષ્ટ્રકૂટો વચ્ચે હરીફાઈ શરૂ થઈ. કનોજને રાજધાની રાખીને વત્સરાજ અને મિહિરભોજ ઉત્તર ભારતના શાસનકર્તા થયા. સિંધના આરબો તથા મુસ્લિમ આક્રમણકારોને તેમણે રોક્યા હતા. ગુર્જર પ્રતિહાર રાજા મહીપાલને રાષ્ટ્રકૂટોએ હરાવી કનોજનો કબજો લીધો. દસમી સદીની આખરમાં મહમૂદ ગઝનીએ કનોજ ઉપર આક્રમણ કરી લૂંટ ચલાવી હતી. ત્યારપછી 150 વરસ બાદ મહમૂદ ઘોરીએ જયચંદ્રને હરાવી કનોજ, મિરત, અસની, વારાણસી વગેરે નગરોમાં લૂંટફાટ ચલાવી હતી. ઘોરીએ ચંદેલાઓનો બુંદેલખંડ સિવાયનો ઉત્તર પ્રદેશનો ઘણો ભાગ કબજે કર્યો હતો. 1206માં કુત્બુદ્દીન ઐબક અને ત્યારબાદ ખલજી, તુગલુક અને લોદી વંશના સુલતાનો અને મુઘલ વંશના બાદશાહો તથા સ્વતંત્ર અયોધ્યાના નવાબ વાજિદઅલી શાહના શાસનના અંત (1856) સુધી લગભગ 600 વર્ષ પર્યન્ત મુસલમાન શાસકોનું આધિપત્ય ઉત્તરપ્રદેશ ઉપર હતું. અલાઉદ્દીન ખલજીના સમયમાં જૌનપુરનું મુસ્લિમ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. બહલોલ લોદીએ તે જીતી લીધું હતું. ઇબ્રાહીમ લોદીએ આગ્રાને રાજધાની બનાવી ઉત્તરપ્રદેશનાં ઘણાં હિંદુ અને મુસલમાન રાજ્યો જીતી લીધાં હતાં. 1526માં બાબરે આ પ્રદેશ જીતી લીધો હતો. હુમાયૂંના શાસન દરમિયાન શેરશાહ અને તેના વંશજો આ પ્રદેશના માલિક બન્યા હતા. 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ 1732થી અયોધ્યાનો સૂબો સ્વતંત્ર બની ગયો હતો અને રોહિલખંડ પણ સ્વતંત્ર થયું હતું.
સ્વતંત્ર નવાબો : અયોધ્યાનો પહેલો નવાબ બુરહાન-ઉલ-મુલ્ક સાદતખાન હતો. અયોધ્યાના બધા નવાબો પૈકી અસફુદ્દૌલા વધારે શક્તિશાળી હતો. લખનૌનાં પ્રસિદ્ધ મકાનો તેના સમયનાં છે. લખનૌ આ કાળ દરમિયાન હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું હતું. બંગાળના નવાબ સાથેના પ્લાસીના 1757ના યુદ્ધ પછી અંગ્રેજોએ પગપેસારો કર્યો. અવધનો છેલ્લો નવાબ વાજિદઅલી શાહ સંગીત અને કલાનો ચાહક હતો. 1856માં ડેલહાઉસીએ તેનું રાજ્ય ખાલસા કરતાં અયોધ્યાની નવાબી અસ્ત પામી.
બ્રિટિશ શાસન : અંગ્રેજોએ ઉત્તરપ્રદેશનું બનારસનું રાજ્ય 1775માં, અપર દોઆબ અને બુંદેલખંડ 1803માં, નેપાળનું કુમાઉં 1815માં, લલિતપુર 1844માં, ઝાંસી 1853માં અને અવધ 1856માં કબજે કર્યાં હતાં. આઝાદી પછી 1949માં તેહરી ગઢવાલ અને રામપુરનાં દેશી રાજ્યો ઉત્તરપ્રદેશમાં ભળી ગયાં હતાં. 1814-36 સુધી કૉલકાતાથી આ સમગ્ર પ્રદેશનો વહીવટ ચાલતો હતો. અલ્લાહાબાદને મુખ્ય મથક રાખીને તેને બંગાળ પ્રાંત સાથે જોડવામાં આવ્યું હતું. તેને ‘વાયવ્ય સરહદનો પ્રાંત’ એવું નામ આપી લેફ્ટનન્ટ ગવર્નર નીચે મૂકવામાં આવેલ. 1856માં અવધ જોડાતાં તે કમિશનર પ્રાંત બન્યો. 1902થી આગ્રા અને અયોધ્યાના પ્રાંતો જોડાતાં આ પ્રદેશને સંયુક્ત પ્રાંત નામ મળ્યું અને આઝાદી બાદ 1950થી આ રાજ્ય ઉત્તરપ્રદેશ તરીકે ઓળખાય છે.
અવધના નવાબના ગેરવહીવટને કારણે પદભ્રષ્ટ કરી અયોધ્યાનું રાજ્ય ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસા કર્યું. અગાઉના જમીનદારો તથા તાલુકાદારોની વંશપરંપરાથી ભોગવટો કરાતી જમીનો અંગે સનદો, દસ્તાવેજોની માગણી કરી અને જેની પાસે આવી સાબિતી ન હોય તેમની જાગીરો, જમીનો વગેરે જપ્ત કરાઈ. આ કારણે તાલુકદારો તથા ધાર્મિક સ્થળોના વહીવટકર્તાઓમાં અસંતોષ ઊભો થયો અને ઉત્તરપ્રદેશે બળવાની આગેવાની લીધી. મંગળ પાંડેએ તેની શરૂઆત કરી. નાનાસાહેબ પેશ્વા (બિઠુર), બેગમ હજરત મહાલ (અયોધ્યા), ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા મૌલવી લિયાકત અલી અને નાના જમીનદાર અને તાલુકદારોએ અંગ્રેજી શાસનનો 1857-58 દરમિયાન ઘણો સામનો કર્યો અને કાનપુર, લખનૌ, મેરઠ વગેરે કબજે કરી દિલ્હીના બળવાખોરોને સાથ આપ્યો; પણ તેમની કુરબાની એળે ગઈ અને ઉત્તરપ્રદેશમાં ખૂબ જુલમ ગુજારવામાં આવ્યો. 1858 પછી અંગ્રેજોએ મુસ્લિમોને પંપાળવાની નીતિ શરૂ કરી હતી. તેને નવાબો અને અધિકારીઓનો ટેકો મળ્યો હતો.

આનંદભવન (અલ્લાહાબાદ)
બ્રિટિશ શાસન નીચે અલીગઢ, અલ્લાહાબાદ અને બનારસ અનુક્રમે રૂઢિચુસ્ત મુસ્લિમ, સુધારાવાદીઓ અને ચુસ્ત હિંદુવાદના પુરસ્કર્તાઓનાં કેન્દ્રો હતાં. સર સૈયદ અહમદખાને અલીગઢમાં પ્રથમ હાઈસ્કૂલ અને પછીથી અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના કરી. મુસ્લિમ કોમવાદને અહીંથી અને દેવબંદમાંથી પોષણ મળ્યું. બનારસમાં મદનમોહન માલવિયાજી હતા. તેમણે રાજ્યભાષા તરીકે દેવનાગરી લિપિ સહિત હિંદીને સ્થાપવા આંદોલન કર્યું હતું. અલ્લાહાબાદમાં તેજબહાદુર સપ્રુ અને મોતીલાલ નહેરુ જેવા ઉદારમતવાદીઓનું વર્ચસ્ હતું. માલવિયાજી 1932માં હિંદુ મહાસભાના પ્રમુખ થયા હતા. તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક હતા. અલ્લાહાબાદમાં રાષ્ટ્રીય કૉંગ્રેસના પહેલી પેઢીના આગેવાનો મળ્યા હતા. મોતીલાલ નહેરુ બંધારણવાદી હતા અને સ્વરાજ પાર્ટીના આગેવાન તરીકે ધારાસભામાં રહીને અંગ્રેજોને લડત આપવાના મતના હતા. પહેલા વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સરકારે તુર્કસ્તાન ઉપર ચઢાઈ કરેલી તેથી ઉત્તરપ્રદેશના મુસ્લિમોએ ખિલાફત ચળવળમાં ભાગ લીધો હતો. 1921 સુધી હિંદુ-મુસલમાન ઐક્ય ટકી રહ્યું. ત્યારબાદ અંગ્રેજોથી પ્રેરિત હિંદુ-મુસલમાન હુલ્લડો શરૂ થયાં અને ગણેશ શંકર વિદ્યાર્થીનો ભોગ લેવાયો. 1928 પછી સ્વરાજ પાર્ટીના આગેવાનોએ કંટાળીને ધારાસભામાંથી રાજીનામું આપ્યું હતું. 1930-32ની ચળવળની સાથોસાથ કોમી હુલ્લડોની બીજી શ્રેણી શરૂ થઈ હતી. આ કાળ દરમિયાન ‘મેરઠ’ અને ‘કાકોરી’ કાવતરામાં ઉત્તરપ્રદેશના ઘણા લોકો સંડોવાયા હતા. ચંદ્રશેખર આઝાદે અંતિમ શ્વાસ સુધી અંગ્રેજ શાસકોનો સામનો કર્યો હતો. 1926 પછી જવાહરલાલ નહેરુ, રફી અહમદ કિડવાઈ વગેરે રાજકારણમાં પ્રવેશ્યા હતા અને 1930-32 દરમિયાન જેલમાં ગયા હતા. 1936માં મુસ્લિમ લીગ અને રાષ્ટ્રીય કૉંગ્રેસ વચ્ચે ચૂંટણી-સમજૂતી થઈ હતી. કૉંગ્રેસ તરફથી મુસ્લિમોને નવ બેઠકો ફળવાઈ હતી. 66 બેઠકો પૈકી મુસ્લિમ લીગને 27 બેઠકો મળી હતી. પ્રધાનમંડળની રચના બાદ ચૂંટણી-સમજૂતીનો અંત આવ્યો હતો. કિડવાઈ અને ગોવિંદ વલ્લભ પંત બંધારણીય પરંપરાના પુરસ્કર્તા હતા. કિડવાઈ જવાહરલાલ નહેરુના ચુસ્ત અનુયાયી હતા.
1934માં આચાર્ય નરેન્દ્ર દેવે કૉંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના કરી અને કિસાનોના પ્રશ્નમાં રસ લેવાનું શરૂ કર્યું. પુરુષોત્તમદાસ ટંડનની આગેવાની નીચેની ખેડૂત-ચળવળ તેનાથી અલિપ્ત રહી હતી. 1937-39 દરમિયાન કોઈ પણ જૂથ સાથે નહીં જોડાયેલા ગોવિંદ વલ્લભ પંત ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન થયા હતા. રફી અહમદ કિડવાઈને દિલ્હીમાં સ્થાન અપાતાં તેમની અસર ઓછી થઈ હતી. ટંડન હિંદી ભાષાના ચુસ્ત ટેકેદાર હતા અને હિંદુ સંસ્કૃતિના પુનરુદ્ધારનું સ્વપ્ન સેવતા હતા. તેઓ માલવિયાજીની વધુ નજીક હતા. ઉત્તરપ્રદેશના રાજકારણમાં જવાહરલાલ, કિડવાઈ અને ટંડનજી સામસામે આવ્યા. 1942માં બાલેયા, ગાઝિયાબાદ અને અન્ય ભાગો અંગ્રેજી શાસનની ધુરામાંથી થોડો વખત મુક્ત થયા હતા.
1955 સુધી ગોવિંદ વલ્લભ પંતે ઉત્તરપ્રદેશમાં તેમનું સ્થાન ટકાવી રાખ્યું હતું. ત્યારબાદ તેઓ કેન્દ્રમાં ગૃહપ્રધાન બન્યા હતા. 1948માં નરેન્દ્ર દેવના નેતૃત્વ નીચે સમાજવાદીઓ કૉંગ્રેસથી છૂટા થયા.
1950માં રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ તરીકે કૃપાલાની સામે ટંડન ઊભા રહ્યા હતા. છતાં તેઓ સરદાર વલ્લભભાઈના ટેકેદાર હતા. જવાહરલાલના વિરોધ છતાં ઉત્તરપ્રદેશના મતના આધારે ટંડન રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 1950-51માં આચાર્ય કૃપાલાનીએ કિસાન મઝદૂર પક્ષ સ્થાપ્યો. કૉંગ્રેસ પક્ષની ટિકિટો ન મેળવનારા તેમાં જોડાયા હતા. 1952ની ચૂંટણી વખતે પ્રજાસમાજવાદી પક્ષ અસ્તિત્વમાં આવ્યો. આ પક્ષમાંથી 1954માં સમાજવાદીઓ અલગ થયા હતા. પૂર્વના જિલ્લામાં સામ્યવાદી અસર હતી. કાનપુરમાં ‘રિપબ્લિકન’ પક્ષ અસ્તિત્વમાં આવ્યો હતો. ટંડને એકાદ વરસ પછી ટોચના કૉંગ્રેસ નેતાઓ સાથે મતભેદ થતાં કૉંગ્રેસપ્રમુખપદ છોડી દીધું અને જવાહરલાલ પ્રમુખ થયા. ધર્મનિરપેક્ષતા અને હિંદુ પરંપરાવાદના ઘર્ષણમાં જવાહરલાલની નીતિને સબળ ટેકો ઉત્તરપ્રદેશમાંથી મળ્યો હતો. નરેન્દ્ર દેવનું 1956માં મૃત્યુ થયું. ત્યાં સુધી તેમની ઉત્તરપ્રદેશના રાજકારણમાં જવાહરલાલ પછીની પ્રબળ અસર હતી. રફી અહમદ કિડવાઈ 1954માં મૃત્યુ પામ્યા. તે ઉદાર અને ચુસ્ત કૉંગ્રેસવાદી હતા. તેઓ 1952-54 દરમિયાન દિલ્હીમાં અન્નપ્રધાન હતા. નરેન્દ્ર દેવ ઉપર માર્કસવાદની અસર હતી. 1952માં 40-50 સમાજવાદીઓ ઉત્તરપ્રદેશની વિધાનસભામાં ચૂંટાયા હતા. રાજીનામું આપીને તેઓ પેટાચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે તેમની સખત હાર થઈ હતી. અલમોડામાંથી ગોવિંદ વલ્લભ પંત ચૂંટાયા હતા. બુદ્ધિવાદી અને સારા વહીવટકર્તા તરીકેની તેમની છાપ હતી.
ચંદ્રભાણ ગુપ્તાએ 1930 અને 1942ની આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. તે સાડા આઠ વરસ જેલમાં રહ્યા હતા. 1946માં ગુપ્તા ઉત્તરપ્રદેશના પાર્લમેન્ટરી સેક્રેટરી તરીકે પ્રધાનમંડળમાં જોડાયા હતા અને કૉંગ્રેસના ખજાનચી હતા. તેમના સમયમાં ટંડનના અનુયાયીઓ સાથે ઐક્ય સધાયું. મોહનલાલ ગૌતમ ટંડનના અનુયાયી હતા. ટંડન 1950માં પ્રમુખ થયા ત્યારે તે કૉંગ્રેસના મહામંત્રી હતા. 1952માં ગૌતમને પ્રધાનમંડળમાં ગુપ્તાની લાગવગ ઘટાડવા સ્થાન મળ્યું હતું. 1955માં પંત ગયા પછી સંપૂર્ણાનંદ અને હાફિઝ મહમંદ ઇબ્રાહીમ વચ્ચે મુખ્યપ્રધાનની પસંદગી કરવાનો પ્રશ્ન ઊભો થયો. સંપૂર્ણાનંદ વિદ્વાન અને અભ્યાસી હતા. તેઓ કૉંગ્રેસના આંતરિક વિવાદથી પર હતા. તેમણે ચંદ્રભાણ ગુપ્તા અને મોહનલાલ જૂથનો ટેકો લેવા જતાં બંનેની સહાનુભૂતિ ખોઈ. 1957ની ચૂંટણીમાં ચંદ્રભાણ ગુપ્તાનો પક્ષ હાર્યો હતો. ચંદ્રભાણ ગુપ્તા 12-11-1960ના રોજ સંપૂર્ણાનંદજીના રાજીનામા બાદ ઉત્તરપ્રદેશના પ્રમુખ થયા. લાલબહાદુર શાસ્ત્રી અને અજિતપ્રસાદ જૈન રાજકારણમાં આ વખતે પ્રવેશ્યા. 1963માં ‘કામરાજ યોજના’ પ્રમાણે ચંદ્રભાણ ગુપ્તાને સ્થાને સુચેતા કૃપાલાની મુખ્યપ્રધાન થયાં. પાછળથી ટોચના નેતાઓ સાથે મતભેદ થતાં તેમણે રાજીનામું આપ્યું. ત્યારબાદ ફરી ચંદ્રભાણ ગુપ્તા મુખ્યપ્રધાન થયા. કૃષ્ણદત્ત પાલીવાલ, કમલાપતિ ત્રિપાઠી, ચરણસિંહ, હેમવતીનંદન બહુગુણા અને એન. ડી. તિવારી વગેરેએ ઉત્તરપ્રદેશના રાજકારણમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. યાદવો, આહીર, જાટ અને ગુર્જરો, બ્રાહ્મણ અને ઠાકુર જેવી ઉચ્ચ જ્ઞાતિનું વર્ચસ્ તોડી આગળ આવ્યા અને 1989થી એન.ડી.તિવારી પછી જનતા દળના મુલાયમસિંહ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન થયા.
મુલાયમસિંહ યાદવ પછી ભાજપના કલ્યાણસિંહ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. 24મી જૂન, 1991થી 6ઠ્ઠી ડિસેમ્બર, 1992 સુધી કલ્યાણસિંહ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. 1992માં અયોધ્યાનો વિવાદિત ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો. તેના પગલે દેશભરમાં તંગદિલી સર્જાઈ હતી. ઉત્તરપ્રદેશમાં પણ કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. અયોધ્યામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરાયું હતું. એક વર્ષ સુધી ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રપતિશાસન રહ્યા પછી 1993માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. એ ચૂંટણીમાં નવા સમાજવાદી પક્ષને બહુમતી મળી હતી અને સમાજવાદી પક્ષના પ્રમુખ મુલાયમસિંહ યાદવ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. ઉત્તરાખંડને અલગ રાજ્ય બનાવવાના મુદ્દે રાજકીય સ્થિતિ બદલાઈ જતાં મુલાયમસિંહને મળેલું બહુજન સમાજ પક્ષ અને કૉંગ્રેસનું સમર્થન પાછું ખેંચાઈ ગયું હતું. આખરે મુલાયમસિંહને રાજીનામું આપવાની ફરજ પડી હતી. બહુજન સમાજ પક્ષના માયાવતીએ ભાજપના ટેકાથી મુખ્યમંત્રીપદ મેળવ્યું હતું. માયાવતી માંડ પાંચ-છ મહિના મુખ્યમંત્રી રહ્યાં હશે, ત્યાં જ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ટેકો પાછો ખેંચી લેતા રાજ્યની સરકારને વિદાય લેવી પડી. એ પછી ફરી દોઢેક વર્ષ સુધી રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન રહ્યું. 1996માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી હતી, પરંતુ બહુમતી માટે પૂરતી બેઠકો ન હોવાથી ભાજપે માયાવતીના બહુજન પક્ષને ટેકો આપ્યો હતો. તેના કારણે ફરીથી થોડાક મહિના માટે માયાવતી રાજ્યના મુખ્યમંત્રી બન્યાં હતાં. ત્યારબાદ પુનઃ કલ્યાણસિંહ બસપાના ટેકાથી મુખ્યમંત્રી બન્યાં હતાં. 1997થી 1999 સુધી કલ્યાણસિંહ મુખ્યમંત્રી રહ્યા હતા. એ પછી ભાજપના રામપ્રકાશ ગુપ્તા 1999થી 2000 અને રાજનાથસિંહ 2000થી 2002 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. ગુજરાતમાં 2002માં કોમી રમખાણો ફાટી નીકળ્યાં, તેની હવા છેક ઉત્તરપ્રદેશ સુધી પહોંચી. રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ. રમખાણો થયાં. રાજનાથસિંહ સામે વિશ્વાસનો મત મેળવવાનો પડકાર ઊભો થયો. ભાજપની સરકાર લઘુમતીમાં આવી ગઈ. બીજો કોઈ પક્ષ સરકાર બનાવવાની સ્થિતિમાં ન હોવાથી રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ પડ્યું. 2002માં જ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થઈ. ચૂંટણીમાં ભાજપને 88 બેઠકો મળી, સૌથી મોટી પાર્ટી તરીકે સમાજવાદી પાર્ટી ઊભરી આવી. 143 બેઠકો હોવા છતાં મુલાયમસિંહ યાદવ સરકાર બનાવી શકવાની સ્થિતિમાં ન હતા. ભાજપે બહુજન સમાજ પાર્ટીને બહારથી ટેકો આપતા માયાવતી મુખ્યમંત્રી બન્યાં. જોકે, ગઠબંધનમાં તિરાડ પડતાં માયાવતીની સરકાર ઑગસ્ટ, 2003માં તૂટી પડી. બહુજન સમાજ પાર્ટીમાં બળવો કરીને 33 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં આવી ગયા. ઓછી બેઠકો ધરાવતી પાર્ટીઓને એકઠી કરીને મુલાયમસિંહ યાદવ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. 2003થી 2007 સુધી મુલાયમસિંહ મુખ્યમંત્રીપદે રહ્યા. 2007ની વિધાનસભાની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી. કુલ 403માંથી 206 બેઠકોમાં વિજય મેળવ્યા પછી બસપાનાં અધ્યક્ષ માયાવતી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યાં. 2012 સુધીની ટર્મ માયાવતીએ પૂરી કરી. ચોથી વખથ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારાં માયાવતીએ પ્રથમ વખત આખી ટર્મ પૂરી કરી, પરંતુ 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બહુજન સમાજ પક્ષનો પરાજય થયો. માયાવતીએ માત્ર 80 બેઠકોથી સંતોષ માનવો પડ્યો. સમાજવાદી પક્ષે મુલાયમસિંહ અને અખિલેશ યાદવની આગેવાનીમાં 224 બેઠકો મેળવીને ઐતિહાસિક વિજય મેળવ્યો. પિતા-પુત્રની જોડીને મળેલા અભૂતપૂર્વ જનસમર્થન પછી મુલાયમસિંહ યાદવને બદલે અખિલેશ યાદવ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. એ વખતે 38 વર્ષના અખિલેશ રાજ્યના સૌથી યુવાન મુખ્યમંત્રી બન્યા હતા. 2017ની ચૂંટણીમાં અખિલેશ ફરી વખત એવો ઐતિહાસિક વિજય મેળવી શક્યા નહીં. ભાજપની લહેરમાં સમાજવાદી પક્ષ અને બસપા બંનેનો ઘોર પરાજય થયો. અખિલેશની આગેવાનીમાં સમાજવાદી પક્ષને વિધાનસભાની માત્ર 47 બેઠકો મળી અને માયાવતીના બસપાને 19 બેઠકોથી સંતોષ માનવો પડ્યો. 312 બેઠકો જીતીને ભાજપે ઇતિહાસ રચ્યો અને યોગી આદિત્યનાથ રાજ્યના બાવીસમા મુખ્યમંત્રી બન્યા હતા.
ઉત્તરપ્રદેશનું ભારતના રાજકારણમાં અગ્રસ્થાન રહ્યું છે અને જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, ચરણસિંહ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને વી. પી. સિંહ, ચંદ્રશેખર વગેરે વડાપ્રધાનો ઉત્તરપ્રદેશમાંથી જ આવ્યા છે. માત્ર જનતા સરકારનું મોરારજીભાઈ દેસાઈનું શાસન અપવાદ રૂપે હતું. જનસંઘના દીનદયાળ ઉપાધ્યાય, અટલબિહારી વાજપેયી વગેરે નેતાઓ પણ ઉત્તરપ્રદેશના છે. હિંદુ મહાસભા ઉપર માલવિયાજીનો પ્રભાવ ઘણાં વર્ષો સુધી હતો. સમાજવાદના સ્થાપકો આચાર્ય નરેન્દ્ર દેવ, રામ મનોહર લોહિયા વગેરે ઉત્તરપ્રદેશના હતા. આમ, ઉત્તરપ્રદેશ રાજકીય જીવનમાં અગ્રસ્થાને રહ્યો છે.
શિવપ્રસાદ રાજગોર
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી
બાળકૃષ્ણ માધવરાવ મૂળે