ઉત્તરકાલીન ગુપ્ત વંશ : છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં મગધમાં સત્તા પર આવેલો રાજવંશ. મગધમાં ગુપ્ત વંશના સમ્રાટોની સત્તાનો હ્રાસ થયો ત્યારે ત્યાં એક અન્ય ગુપ્તકુલની સત્તા પ્રવર્તી. આ ઉત્તરકાલીન ગુપ્ત વંશના પહેલા ત્રણ રાજા – કૃષ્ણગુપ્ત, હર્ષગુપ્ત અને જીવિતગુપ્ત છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં થયા. જીવિતગુપ્તના પુત્ર કુમારગુપ્તે મૌખરિ રાજા ઈશાનવર્માને પરાજિત કર્યો. દામોદરગુપ્તને પણ મૌખરિઓ સાથે યુદ્ધ થયું હતું. મહાસેનગુપ્તની સત્તા વહેલીમોડી મગધમાં લુપ્ત થઈ. હવે એ મગધપતિને બદલે માલવપતિ તરીકે ઓળખાયો. એના સમયમાં પશ્ચિમ માળવા પર વલભીના મૈત્રક રાજાની સત્તા પ્રસરી. મહાસેનગુપ્તની બહેન મહાસેનગુપ્તા થાનેસરના રાજા આદિત્યવર્ધનને પરણી હતી. તેનો પુત્ર પ્રભાકરવર્ધન ઘણો પ્રતાપી નીવડ્યો. મહાસેનગુપ્તના પુત્ર કુમારગુપ્ત અને માધવગુપ્ત રાજ્યવર્ધન અને હર્ષવર્ધનના અનુચર હતા. હર્ષવર્ધને માધવગુપ્તને મગધમાં પુન:સ્થાપિત કર્યો. એના પછી આ વંશમાં આદિત્યસેન, દેવગુપ્ત, વિષ્ણુગુપ્ત અને જીવિતગુપ્ત (બીજો) નામે રાજાઓ થયા હતા.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી