ઉત્ખનન : અતીતની જ્ઞાનપ્રાપ્તિ માટે દ્રવ્યગત સાધનોનો ઉપયોગ દર્શાવતી પુરાતત્વની મુખ્ય પદ્ધતિ. પુરાવસ્તુઓ આકસ્મિક રીતે અથવા વ્યવસ્થિત તપાસ દ્વારા મળે છે. તેની મદદથી શક્ય તેટલું માનવીય પ્રવૃત્તિનું તથા નૈસર્ગિક પરિસ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનાં બે અંગો છે : સર્વેક્ષણ અને ઉત્ખનન.

સર્વેક્ષણથી પુરાવસ્તુઓનાં પ્રાપ્તિસ્થાનો શોધીને તે સ્થળે દેખાતી વિવિધ માનવકૃત વસ્તુઓની તેની નૈસર્ગિક પરિસ્થિતિમાં સૂક્ષ્મ અવલોકનો સાથે, નોંધ કરવામાં આવે છે. આવાં સ્થળેથી મળતી નાની વસ્તુઓને સ્થળ-તપાસની યોગ્ય નોંધ કરીને વધુ અધ્યયન માટે સંશોધનકેન્દ્રમાં ખસેડવામાં આવે છે.

સર્વેક્ષણમાં મુસાફરી દ્વારા ભૌગોલિક અને ભૂસ્તરીય તપાસ થાય છે. વિમાનમાંથી અને ઉપગ્રહોમાંથી ચિત્રો પ્રાપ્ત કરવામાં આવે છે. જલાવરણ નીચેથી મળતી માનવકૃત વસ્તુઓનું અધ્યયન ડૂબકી મારીને કરવામાં આવે છે. સર્વેક્ષણમાં જમીનની નીચેની પરિસ્થિતિ તપાસવા માટે વિવિધ યંત્રોનો ઉપયોગ કરીને વધુ માહિતી મેળવવાના પ્રયત્નો થાય છે.

આ સર્વેક્ષણોમાં ખૂટતી કડીઓ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનનો થાય છે. ઉત્ખનનોના ત્રણ પ્રકાર છે : (1) પ્રથમ પ્રકારનાં ઉત્ખનનોમાં સર્વેક્ષણથી દેખાતી ઢંકાઈ ગયેલી વસ્તુઓ અને સ્તર-રચના સાફ કરીને તેની તપાસ કરવામાં આવે છે. (2) દ્વિતીય પ્રકારનાં ઉત્ખનનો ઊંડી ખાઈ ખોદીને કરવામાં આવે છે. સ્તરાનુસારી ઉત્ખનનથી પ્રાચીન વસાહતોનાં સ્થળો પરની માનવપ્રવૃત્તિની આનુપૂર્વી નક્કી કરવામાં આવે છે. (3) તૃતીય પ્રકારનાં ઉત્ખનનો મોટા વિસ્તાર પર કરીને સ્થળ પરની સાંસ્કૃતિક પરિસ્થિતિની પરીક્ષા કરવામાં આવે છે તેથી સ્થળ પરનાં મકાનો, રસ્તા, જળાશયો, વપરાશનાં સાધનોના સ્થળ સાથેના સંબંધો આદિની સાંયોગિક પરિસ્થિતિનું અધ્યયન થાય છે.

પદાર્થ-પરીક્ષા, સ્વરૂપ તથા સ્તરાનુસારી પ્રાપ્તિ જેવી મૂળભૂત બાબતો ધ્યાનમાં રાખીને સર્વેક્ષણ તથા ઉત્ખનનમાંથી મળતા નૈસર્ગિક, મનુષ્યે વાપરેલા કુદરતી અને કૃત્રિમ પદાર્થોની સાથે તેનાં પ્રાપ્તિસ્થાનોની માહિતી આદિનું વર્ગીકરણ થાય છે. પદાર્થનાં બાહ્યાભ્યંતર સ્વરૂપોનું અધ્યયન તેનાં રૂપસામ્ય તથા પદાર્થના બહિરંગ તથા અંતરંગ ફેરફારોની તપાસ માટે થાય છે. તેમાં રસાયણ તથા ભૌતિકશાસ્ત્રની નજરે તપાસ થવાથી પદાર્થનું સ્વરૂપ અને તેમાં ફેરફાર થતાં થતો કાલક્ષેપ સમજાય છે. તેથી ઘણાં મહત્વનાં અર્થઘટનો થાય છે. તેની મદદથી સ્થળ અને કાળની મર્યાદામાં માનવપ્રવૃત્તિઓ સમજાય છે. માનવપ્રવૃત્તિની સ્થળ-કાળમાં સમજ સ્પષ્ટ થયા બાદ પુરાવસ્તુનાં સ્થળો તથા તેની સામગ્રીનો હેવાલ પ્રસિદ્ધ કરીને પ્રાપ્ત માહિતીનું પ્રસારણ થાય છે. ઉપરાંત યોગ્ય ચિત્રો તથા આલેખો અને પુરાવસ્તુઓની મદદથી પ્રદર્શન દ્વારા પણ જ્ઞાનપ્રસાર થાય છે. એ રીતે મળેલા પદાર્થોનું તથા સ્થળોનું સંરક્ષણ કરીને ભવિષ્યની પેઢીની જ્ઞાનોપાસના માટેની સામગ્રી યોગ્ય રીતે સંગ્રહી રાખવામાં આવે છે.

ર. ના. મહેતા