ઉઝબેકિસ્તાન

January, 2024

ઉઝબેકિસ્તાન : મધ્ય એશિયામાંના રશિયાથી અલગ થયેલું પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક માહિતી : આ દેશ 37oથી 48o ઉ. અ. અને 56oથી 68o પૂ. રે. વચ્ચે આવેલો છે આ ભૂમિબંદીસ્ત દેશ કે  જેની ઉત્તરે અને વાયવ્યે કઝાકિસ્તાન, પૂર્વમાં અને અગ્નિએ કિર્ગીઝિસ્તાન અને તાઝીકિસ્તાન જ્યારે દક્ષિણ અને નૈર્ઋત્યે અફઘાનિસ્તાન તેમજ તુર્કમેનિસ્તાન સરહદરૂપે આવેલાં છે. આ દેશનો કુલ વિસ્તાર 4,47,400 ચોકિમી. છે.

પ્રાકૃતિક અને માનવજીવન : ભૂપૃષ્ઠ : વાયવ્યે આવેલ અરલ સમુદ્રની આસપાસનો વિસ્તાર તુરાનપ્રદેશ તરીકે ઓળખાય છે. સમુદ્રની સપાટીથી તે 60થી 90 મીટર ઊંચાઈ ધરાવે છે. દક્ષિણે કિઝિલ્કુમ(Kyzylkum)નો ઉજ્જડ વિસ્તાર આવેલો છે. પશ્ચિમે ઉશીઉટ ઉચ્ચપ્રદેશ આવેલો છે. તે સમુદ્રની સપાટીથી લગભગ 200 મીટરની ઊંચાઈ ધરાવે છે.

ઉઝબેકિસ્તાન

તળેટીના વિસ્તારો કાદવ-કીચડવાળા છે, તેમાં ક્ષારનું પ્રમાણ વધુ છે. અહીં અનેક ડૂબકબખોલો આવેલાં છે. અરલ સમુદ્રની દક્ષિણે આમુદરિયા નદીએ અનેક મુખત્રિકોણ મેદાનોનું નિર્માણ કર્યું છે. અગ્નિમાં આવેલ ટામડપાટો કુલદુઝાક્ટોની ટેકરીઓ ત્યાં આવેલી છે. મીનબુલ્કનો વિસ્તાર સમુદ્રસપાટીથી લગભગ 12 મીટર જેટલો નીચો છે.

ઉઝબેકિસ્તાનની પશ્ચિમે આવેલી પર્વતીય હારમાળા ખીણ અને મેદાની વિસ્તારોને જુદાં પાડે છે. ટીએનશાનની પશ્ચિમે કારઝાફટુ, ઉગમ, પાસ્કેમ, બેસ્ટોર, અટફાલ અને ફુરામીન પર્વતમાળાની હારમાળા આવેલી છે. સૌથી ઊંચું શિખર 4,299 મીટર ઊંચાઈ ધરાવે છે. દક્ષિણે તુર્કસ્તાન, માલગુઝાર અને ગુરાટુની હારમાળા આવેલી છે. વધુ દક્ષિણે ઝેરવાશાનનો ખીણપ્રદેશ આવેલો છે. અહીં પ્રાચીન સંસ્કૃતિનાં શહેરો સમરકંદ અને બુખારા આવેલાં છે. આ પ્રદેશ ત્રિકોણાકારે આવેલો છે. ઝેરાવશાન અને ગીશારની પર્વતીય હારમાળા વચ્ચે આવેલો વિસ્તાર સમતલ અને રેતાળ છે, તે લોએસના પ્રદેશો તરીકે ઓળખાય છે.

પાટનગર તાશ્કંદ

ઉઝબેકિસ્તાનની જમીન રાખોડી ને રેતાળ હોવાથી લગભગ રણપ્રકારની કહી શકાય. કોઈક સ્થળે કથ્થઈ રંગની કાદવ-કીચડવાળી અને નદીકિનારે ક્ષારીય જમીન આવેલી છે.

વનસ્પતિ અને પ્રાણીજીવન : વનસ્પતિનો આધાર પ્રદેશની ઊંચાઈ પર રહેલો છે. પશ્ચિમે નીચાણવાળા પ્રદેશોમાં ટૂંકા ઘાસનાં બીડ આવેલાં છે. તળેટીના વિસ્તારો અને પર્વતીય વિસ્તારોમાં ઘાસ વિશેષ જોવા મળે છે. લગભગ 2,800 મીટરની ઊંચાઈ સુધી આવેલા પ્રદેશોમાં વૃક્ષો જોવા મળે છે. સમગ્ર પ્રદેશનો 12 % જેટલો વિસ્તાર જંગલનો છે.

ઉઝબેકિસ્તાનના પ્રાણીજીવન ઉપર રણપ્રદેશની વધુ ગાઢ અસર રહેલી છે. વિવિધ પ્રકારનાં સાપ, ગરોળી, શિયાળ અને રીંછ જેવાં માંસભક્ષી પ્રાણીઓ, મોટી આંખોવાળાં નાનાં હરણ અને સાબર પણ જોવા મળે છે. રણપ્રદેશ સિવાય બોરખતર અને જય પક્ષીઓ જોવા મળે છે. પર્વતીય પ્રદેશમાં ખેડગ્રેસ, કબૂતર અને ગરુડ પક્ષીઓનું પ્રમાણ વધુ છે. સિંચાઈના વિસ્તારમાં ઓરીઓબ, ગોલ્ડફીંચ, લક્કડખોદ અને સ્વૉલો પ્રકારનાં પક્ષીઓ વધુ છે. પાલતુ પ્રાણીઓમાં ખાસ કરીને સાઇબેરિયન બકરીઓ વધુ છે.

અરલ સમુદ્ર અને નદીઓ મત્સ્યના ભંડાર ગણાય છે. જળબિલાડી વધુ જોવા મળે છે. તેનું વજન  લગભગ 130-170 કિગ્રા. જેટલું હોય છે.

આબોહવા : પ્રદેશના ભૌગોલિક સ્થાનને કારણે આબોહવા અત્યંત સૂકી ખંડીય છે. ઉનાળો ગરમ અને સૂકો અનુભવાય છે. ઊંચાઈના વાયુસમુચ્ચયો તાપમાનમાં વધારો કરે છે. વાયવ્યના અડધા ભાગમાં સરેરાશ વરસાદ 100-360 મિમી. જેટલો પડે છે. મોટેભાગે તે શિયાળામાં અને વસંતઋતુમાં પડે છે. મેથી ઑક્ટોબરનો સમયગાળો અત્યંત ગરમ હોય છે. જુલાઈ માસમાં તાપમાન લગભગ 32o સે. હોય છે. શિયાળાની ઋતુ ટૂંકી હોય છે. તાપમાન -12o સે. જેટલું નીચું હોય છે. સૌથી નીચું તાપમાન -38o સે. જેટલું નોંધાયેલું છે.

સિંચાઈ : આ રાજ્યમાં મોટાભાગની નદીઓ અંત:સ્થ છે. આમુદરિયા અને સીરદરિયા આ પ્રદેશની મુખ્ય નદીઓ છે. આમુદરિયા મધ્ય એશિયાની સૌથી મોટી નદી છે. આ વિસ્તારમાં નાની નદીઓની સંખ્યા લગભગ 600 જેટલી છે. આ નદીઓનું પાણી રણના વિસ્તાર સુધી પહોંચે તે પહેલાં તેને સિંચાઈ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. નહેરોની કુલ લંબાઈ 1,50,000 કિમી. જેટલી છે.

વસ્તી : આ રાજ્યની 2/3 ભાગની વસ્તી ઉઝબેક પ્રજાની છે, જ્યારે બાકીની રશિયન, તાર્તાર અને કઝાક પ્રજા છે. કુલ વસ્તીમાં સુન્ની મુસલમાનોનું પ્રમાણ મોટું છે. આ રાજ્યના 3/4 ભાગમાં શહેરી વસાહતનું પ્રમાણ વધ્યું છે. આ રાજ્યમાં આવેલું તાશ્કંદ (પથ્થરનું શહેર) મધ્ય એશિયાનું સૌથી મોટું મેટ્રોપોલિટન નગર છે. ત્યાંના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓરિયોન્ટલ સ્ટડીઝમાં 80,000 જેટલી પ્રાચીન હસ્તપ્રતો છે. સમરકંદ 2,500 વર્ષ જૂનું શહેર છે જે તેના મહેલો, મસ્જિદો અને મદ્રેસાઓ માટે પ્રખ્યાત છે. બુખારા, કીવા, કોકન્ડ શહેરો સિંચાઈને કારણે અથવા વણઝારોના માર્ગમાં આવતાં હોવાથી તેમનો વિકાસ વધુ જોવા મળે છે.

શિક્ષણ : બુખારા, કિપા, સમરકંદ, તાશ્કંદ અને ફરઘાનાના વિસ્તારો શૈક્ષણિક મથકો ગણાય છે. ત્યાં નાનાંમોટાં 200થી પણ વધુ શૈક્ષણિક મથકો આવેલાં છે.

સાંસ્કૃતિક જીવન : જૂના રીતરિવાજ અને રહેણીકરણીની ગાઢ અસર અહીંની પ્રજા ઉપર જોવા મળે છે. પુરુષો ભરતગૂંથણવાળાં વસ્ત્રો ધારણ કરે છે. સ્ત્રીઓ રેશમી ને રંગબેરંગી વસ્ત્રોનો ઉપયોગ કરે છે. માથા ઉપર સફેદ શાલ ઓઢે છે.

ખોરાક : ચોખા, માંસ, ગાજર અને ડુંગળી વધુ ઉપયોગમાં લેવાય છે. લીલી ચા અને દારૂનો ઉપયોગ સામાન્ય છે.

તહેવાર : કપાસની કાપણીનો સમય મુખ્ય તહેવાર તરીકે ઊજવવામાં આવે છે. વસ્તી આશરે 3 કરોડ (2020) છે.

આર્થિક સાધનો : વિશ્વમાં કપાસનું ઉત્પાદન કરતા પ્રદેશોમાં ઉઝબેકિસ્તાન ત્રીજો ક્રમ ધરાવે છે. દેશનો 66 % કપાસ (‘સફેદ સોનું’) અહીં થાય છે. વળી, ત્રીજા ભાગનું ઊન અને અડધાથી વધારે રેશમ અહીં પેદા થાય છે. કુદરતી વાયુ, ખનિજ તેલ અને કોલસાનો અનામત જથ્થો સૌથી વધુ રહેલો છે. પર્વતીય વિસ્તાર અને જળજથ્થાને કારણે જળવિદ્યુતની વધુ શક્યતા રહેલી છે.

ઉદ્યોગો : અહીં યાંત્રિક સાધનોનું ઉત્પાદન વધુ થાય છે. મોટે ભાગે ખેતીમાં વપરાતાં વાવણી અને કાપણીનાં વિવિધ સાધનો બનાવવામાં આવે છે. વિવિધ ખનિજો અશુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે; તેમાં લોખંડ, તાંબું, જસત, સીસું, ટંગસ્ટન, મોલીબ્ડિનમ, ઍલ્યુમિનિયમ અને સોનું મુખ્ય છે.

રાસાયણિક ઉદ્યોગોનાં મુખ્ય કેન્દ્રો : ફરઘાના, નોવાઈ, કોકન્ડ રસાયણ-ઉદ્યોગોનાં મુખ્ય કેન્દ્ર છે. બાંધકામ-વ્યવસાયમાં ત્યાંની સ્થાનિક વસ્તુઓનો વધુ ઉપયોગ થાય છે. ગઝાનના આરસપહાણ ટકાઉ અને સુંદર હોવાથી તેનો વધુ ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારની મત્સ્યવાનગી તથા ડેરીની પેદાશ પણ છે. ફળોની વાનગી બનાવવાનાં અનેક કારખાનાં છે.

ખેતી : અહીં જોવા મળતી ખેતીની સમૃદ્ધિ માટે હૂંફાળું વાતાવરણ, સૂર્યપ્રકાશ, ટૂંકો શિયાળો, ફળદ્રૂપ જમીન અને સિંચાઈ જવાબદાર છે. આ પ્રદેશમાં કપાસ, આલુ, સફરજન, પીચ અને અંજીરની ખેતી કરવામાં આવે છે.

પશુપાલન : કારકુલ ઘેટાંનું સુંદર ઊન મુખ્ય પેદાશ ગણાય છે. મસ્કરેટ્સ અને શિયાળના ચામડામાંથી વિવિધ પોશાક બનાવવામાં આવે છે.

વાહનવ્યવહાર : વાહનવ્યવહારના વિકાસ અને વિસ્તરણને કારણે જ આ પ્રદેશનો આર્થિક વિકાસ સમૃદ્ધ થઈ શક્યો છે. ગ્રેટ ઉઝબેક ધોરીમાર્ગ અને ઝેરવશાનનો ધોરીમાર્ગ મુખ્ય છે. અહીં 43,463 કિમી. લંબાઈના રસ્તા અને 3,483 કિમી. લંબાઈ ધરાવતા રેલ માર્ગો આવેલા છે. આમુદરિયાનો જળમાર્ગ સ્થાનિક પ્રદેશના લોકો માટે ઉપયોગી છે. તાશ્કંદ અને પીટાલ આંતરરાષ્ટ્રીય હવાઈ-મથક તરીકે જાણીતાં છે.

વ્યાપાર : અહીંથી યાંત્રિક સાધનો, રાસાયણિક ખાતર, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બિનલોહ ધાતુ અને કપાસની નિકાસ કરવામાં આવે છે. ઉઝબેકિસ્તાનમાં 1,400 જેટલાં કારખાનાં છે, જેમાં કાપડથી માંડીને વીજળીનાં સાધનો, કાચી ધાતુઓ અને તૈયાર ખાદ્ય સામગ્રીની આયાત કરે છે. વિવિધ ઓજારો, ટ્રૅક્ટર, એરોપ્લેન તથા ઇલેક્ટ્રૉનિક્સનાં સાધનોનો સમાવેશ થાય છે.

ઇતિહાસ : ઑક્ટોબર 1917માં રશિયન ક્રાંતિના સમયે ત્યાં તાશ્કંદ સોવિયેતે (People’s council) સત્તા ધારણ કરી. 1925માં તે સોવિયેત સંઘનું ઘટક રાજ્ય બન્યું. 1930થી શહેરી ઉદ્યોગોનો વિકાસ શરૂ થતાં કુશળ પરંપરાગત કારીગરો શહેરોમાં વસવાટ કરવા લાગ્યા. 1950થી ’80 સુધી ઔદ્યોગિક ઉત્પાદન – વિશેષે કપાસના ઉત્પાદનમાં ભારે વધારો થયો અને આ રાજ્ય આધુનિક બનવા લાગ્યું.

1980માં સોવિયેત નેતા મિખાઇલ ગૉર્બાચૉવે ગ્લાસનૉસ્ટ-(ખુલાવટ)ની નીતિ સ્વીકારી ત્યારે મુખ્યત્વે સુન્ની મુસ્લિમોની વ્યાપક બહુમતી ધરાવતા ઉઝબેકિસ્તાનની પ્રજાની ઇસ્લામિક જાગૃતિમાં મોટો ઉછાળો આવ્યો. 1989માં ‘એકતા’(birlik)ની રાષ્ટ્રીય લડત શરૂ થતાં લઘુમતીઓએ હિંસક હુમલા આરંભ્યા. 1990માં તેણે માત્ર રાજકીય અને આર્થિક સ્વતંત્રતા ઘોષિત કરી જેનો સોવિયેત સંઘે અસ્વીકાર કર્યો. ઑગસ્ટ 1991માં નિષ્ફળ બળવા પછી પૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી, 1991માં તે ‘રિપબ્લિક ઑવ્ ઉઝબેકિસ્તાન’ જાહેર થયું. ડિસેમ્બર 1991માં કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ નેશન્સ (CIS સોવિયેત રશિયાના સ્વતંત્ર રાજ્યોની બનેલી સંસ્થા)નું સભ્ય બન્યું. 8 ડિસેમ્બર 1992માં તેણે નવા બંધારણનો સ્વીકાર કર્યો અને આ દેશને બહુત્વવાદી લોકશાહી (pluralist democracy) દેશ ઘોષિત કરવામાં આવ્યો. આ જ અરસામાં ખાદ્યાન્નની ભારે અછતને કારણે રાજધાની તાશ્કંદમાં હિંસક હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં, અને અર્થતંત્ર નબળું પડવા લાગ્યું. આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે દેશમાં ભંગાણ પડવા લાગ્યું. 1994માં કઝાકિસ્તાન અને કિર્ગીઝિસ્તાન સાથે મળીને નવું સામાજિક સંગઠન રચ્યું અને ’96માં સંયુક્ત આર્થિક બજારની રચનાનો નિર્ણય લીધો. રશિયા સાથે આર્થિક ઐક્યના કરાર કર્યા. 1995માં અને ત્યારબાદ 1999માં ચૂંટણીઓ યોજાઈ હતી. ‘ઓલી (હોલી) મજલિસ’ (Oily Majlis) તરીકે ઓળખાતી સંસદ તેની ધારાસભા છે જે 250 સભ્યોની બનેલી છે. પ્રમુખ ઇસ્લામ કારિમોવ (Islam Karimov) અને વડાપ્રધાન ઉત્કુર સુલતાનોવ (Utkur Sultanov) છે.

નીતિન કોઠારી

રક્ષા મ. વ્યાસ