ઉજ્જયંત : સૌરાષ્ટ્રનો પર્વતવિશેષ. અનેક સિદ્ધ મહાત્માઓના તપથી પુનિત બનેલો ઉજ્જયંત જૈન અનુશ્રુતિ સાથે સંકળાયેલો છે. જૈનોના બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિની દીક્ષા તથા કેવલજ્ઞાન-નિર્વાણના પ્રસંગો અનુક્રમે રૈવતક તથા ઉજ્જયંત પર થયા હોવાની અનુશ્રુતિ છે. ઉજ્જયંતમાંથી નીકળતી સુવર્ણસિક્તા, પલાશિની ઇત્યાદિ નદીઓના પ્રવાહમાંથી  સુદર્શન તળાવ મહાક્ષત્રપ રુદ્રદામાએ બંધાવ્યું હતું. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમય(457)નો શૈલલેખ ઉજ્જયંત-રૈવતકને સ્પષ્ટ રીતે એક હોવાનું જણાવે છે. આજે તે ગિરનાર તરીકે પ્રસિદ્ધ છે.

સુમના શાહ