ઈહરેશિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિ મુજબ તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી : દ્વિસ્ત્રીકેસરી (Bicarpellate), ગોત્ર : પૉલિમૉનિયેલ્સ, કુળ : ઈહરેશિયેસી. તેનું વિતરણ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તે આશરે 13 પ્રજાતિઓ અને 400 જેટલી જાતિઓ ધરાવે છે. ગુજરાતમાં તેની 4 પ્રજાતિઓ થાય છે. Cordia dichotoma Forst f. (મોટો ગુંદો, વડગુંદો) કચ્છ સિવાય બધે જ થાય છે. C. domestica Roth. (ગોદડીયો સાગ) સૌરાષ્ટ્ર, પંચમહાલ અને છોટા ઉદેપુર; C. gharaf (Forsk.) Ehrenb & Asch. (નાની ગુંદી) મેદાનો કે સપાટ પ્રદેશોમાં, C. macleodii Hk. f. & Th. (દહીવી) ડાંગનાં સુરકાઈનાં જંગલોમાં; C. monoica Roxb.(કઠગુંદી)નો વેલાળ ક્ષુપ વાડો ઉપર; C. perrotteti Wt. (જંગલી ગુંદી) ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં; C. sabestina ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે અને C. wallichii G. Don. સૌરાષ્ટ્ર અને છોટા ઉદેપુરમાં ક્વચિત જ મળી આવે છે. Ehretia aspera Roxb. (નાની વઢવારડી), રાજપીપળા, છોટા ઉદેપુર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને E. laevis Roxb. (વઢવારડી) ઉત્તર ગુજરાત અને ધરમપુર સિવાય ઘણી જગાએ થાય છે. Rotula aquatica Lour. મધ્ય અને દક્ષિણ ગુજરાતની નદીઓના પથ્થરીય તળમાં અને Sericostoma pauciflorum Stocks (કારવાસ) કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મળી આવે છે.
આ કુળ બોરેજિનેસી સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેનાં ઘણાં લક્ષણોમાં સામ્ય હોવાથી પહેલાં આ કુળને બોરેજિનેસીના ઉપકુળ ‘ઈહરેશીઑઇડી’ તરીકે ગણવામાં આવતું હતું. હચિન્સને (1948) બોરેજિનેસીનાં કાષ્ઠીય ઉપકુળોને ઈહરેશિયેસીમાં મૂકેલ છે.
મોટે ભાગે આ કુળની વનસ્પતિઓ કાષ્ઠીય વૃક્ષ કે ક્ષુપ ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિક, અનુપપર્ણીય (exstipulate), ચર્મિલ (leathery) અને ઢલોમી (hispid) હોય છે. પુષ્પો અગ્રીય કે કક્ષીય એકાકી કે પરિમિત (cyme) સ્વરૂપે કે ઉભયતોવિકાસી સ્વરૂપે (scorpoid) ગોઠવાયેલાં, નિયમિત દ્વિલિંગી, અધોજાય (hypogynous) અને નિપત્રી (bracteate) હોય છે. વજ્ર – 5 વજ્રપત્રોનું બનેલું, તલસ્થ ભાગેથી જોડાયેલું, કોરછાદી (imbricate) કે ધારાસ્પર્શી (valvate) હોય છે. દલપુંજ – 5 દલપત્રોનો બનેલો, યુક્તદલપત્રી, વિવિધ આકારનો, કોરછાદી કે વ્યાવૃત (twisted) હોય છે. દલપત્રો ઉપર તંતુઓ કે પુષ્પમુકુટ(corona)ની રચના જોવા મળે છે. પુંકેસરચક્ર – 5 પુંકેસરોનું બનેલું, દલલગ્ન (epipetalous) અને દલપત્રો સાથે એકાંતરિક હોય છે. પરાગાશય દ્વિખંડી, તલલગ્ન (basifixed) કે પૃષ્ઠલગ્ન (dorsifixed) અને અંતર્ભૂત (introse) હોય છે અને તેનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્ત સ્ત્રીકેસરી હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ, મધ-સ્રાવી અધોજાય બિંબ ઉપર ગોઠવાયેલું, દ્વિકોટરીય, કૂટપટ ઉદભવતાં ચતુષ્કોટરીય બને છે અને ચતુષ્કોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં એક કે બે અધોમુખી અંડકો આવેલાં હોય છે. પરાગવાહિની એક અગ્રસ્થ (terminal), Serico stomaમાં જાયાંગતલી (gynobasic) હોય છે. પરાગાસન ગોળાકાર જોવા મળે છે. ફળ અષ્ઠિલ પ્રકારનું અને બીજ ભ્રૂણપોષી કે અભ્રૂણપોષી હોય છે.
પુષ્પીય સૂત્ર :
મીનુ પરબિયા
બળદેવભાઈ પટેલ