ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશન (1866) : હિન્દના પ્રશ્નો વિશે ઇંગ્લૅન્ડમાં લોકમત જાગૃત કરવા તથા ઇંગ્લૅન્ડની ગવર્નમેન્ટમાં આ પ્રશ્નો રજૂ કરવાના હેતુથી દાદાભાઈ નવરોજીએ લંડનમાં 1866માં સ્થાપેલ સંસ્થા. તેના પ્રમુખ તરીકે દાદાભાઈ નવરોજી તથા મંત્રી તરીકે વ્યોમેશચંદ્ર બૅનરજી ચૂંટાયા હતા. હિન્દ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર હેન્રી ફોસેટ, જૉન બ્રાઈટ વગેરે અંગ્રેજો પણ તેના સભ્યો તરીકે જોડાયેલા. સંસ્થાની બેઠકોમાં હિન્દની સમસ્યાઓની ચર્ચા થતી તથા ઇંગ્લૅન્ડનાં મુખ્ય અખબારોમાં આ ચર્ચાની નોંધ પ્રસિદ્ધ કરવામાં આવતી. ઇંગ્લૅન્ડની સંસદમાં પણ હિન્દ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર અંગ્રેજ સભ્યો મારફત આ સંસ્થા હિન્દના પ્રશ્નોની રજૂઆત કરાવતી. 1869માં ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશનની શાખાઓ કોલકાતા, મુંબઈ તથા ચેન્નાઈ(મદ્રાસ)માં પણ શરૂ કરવામાં આવી હતી. આ શાખાઓ હિન્દના પ્રશ્નો લંડનસ્થિત મુખ્ય સંસ્થાને મોકલી આપતી અને સંસ્થા તે ઇંગ્લૅન્ડની સંસદમાં રજૂ કરાવતી તથા ઇંગ્લૅન્ડનાં અખબારોમાં તેમને પ્રસિદ્ધિ અપાવતી. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના (1885) સુધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશને સક્રિય કામગીરી બજાવી હતી. ત્યારબાદ તે સંસ્થા નિષ્ક્રિય બની.
રમણલાલ ક. ધારૈયા