ઈસરદાસ (નાગર) ( જ. 1066/1655 પાટણ; અ. 1163/1749) : ‘ફુતૂહાતે આલમગીરી’ નામના ફારસી ઇતિહાસના લેખક. મૂળ ઉત્તર ગુજરાતના પાટણ શહેરના વતની. પ્રથમ ગુજરાતના મુઘલ સૈન્યના કાઝી સમીઅબ્દુલ વહ્હાબની અને પાછળથી ગુજરાતના મુઘલ સૂબા શુજાઅતખાનની સેવામાં રહ્યા હતા. ઈસરદાસ નાગરે મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમયની પોતે તૈયાર કરેલી નોંધોના આધારે ઉક્ત ઇતિહાસપુસ્તકની રચના કરી હતી. ડૉ. જી. બર્ડે ગુજરાતના ઇતિહાસ અને સર જદુનાથ સરકારે ઔરંગઝેબના ઇતિહાસની રચનામાં ઈસરદાસના પુસ્તકની મદદ લીધી હતી.

ઈસરદાસે 1694માં રાજપૂતાનાના રાઠોડ દુર્ગાદાસની ઔરંગઝેબ સાથે સુલેહ કરાવી હતી. આથી સમ્રાટે ઈસરદાસને 250 સવારોનો મન્સબ અને મેરઠની જાગીર અર્પણ કરી હતી. તેમણે 1731માં ‘ફુતૂહાતે આલમગીરી’ની રચના કરી ત્યારે તેમની વય 76 વર્ષની હતી. ‘ફુતૂહાતે આલમગીરી’ અપ્રગટ છે, પણ તેનું અંગ્રેજી ભાષાંતર તસનીમ અહમદ દ્વારા પ્રગટ થયું છે. તેઓ ફારસી ભાષામં લખાણ કરતા હતા.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી