ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા.
પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના પ્રબળ બની. ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવા તેઓ 1758માં કોપનહેગન ગયા; ત્યાં પ્રેમમાં પડ્યા અને તત્કાળ પ્રસિદ્ધિ મેળવવાના મોહમાં, ભાગી જઈને 7 વર્ષીય યુદ્ધમાં જોડાયા. ત્યાંથી પાછા ફર્યા અને પ્રણયની હતાશાનો અનુભવ થયો. 19 વર્ષની વયે આખરી પરીક્ષામાં પાસ થયા ત્યારે ગદ્યલેખક તથા નાનાં નાનાં કાવ્યો લખનાર તરીકે તેઓ જાણીતા થયા હતા.
તેમની શરૂઆતની રચનાઓ ઉપર ફ્રેન્ચ પ્રશિષ્ટવાદનો પ્રભાવ રહ્યો હતો, પણ ઉત્તરોત્તર તેઓ પોતાના ભૂમિગત સ્કૅન્ડિનેવિયન સાહિત્ય-સંસ્કારમાંથી પ્રેરણા મેળવવા પ્રેરાયા. ‘રૉલ્ફ ક્રૅગ’ (1770) ડેનિશ દંતકથાના છઠ્ઠી સદીના વીરનાયકને લગતું રસપ્રદ નાટક છે. ‘ધ ડેથ ઑવ્ બાલ્ડર’ (આ. 1771-74; અં. ભાષાંતર, 1886) નામક પદ્યનાટક પ્રકાશ અને શાંતિના નૉર્સ દેવતાને લગતું છે. અન્ય લેખકના સહયોગમાં લખાયેલ ‘ધ ફિશરમૅન’ (1779) ઑપેરેટા પ્રકારની કૃતિ છે; તેમાંનું ગીત (લાગફેલોએ કરેલા અંગ્રેજી ભાષાંતર મુજબ) ‘કિંગ કિશ્ચિયન સ્ટૂડ બાઇ ધ લૉફ્ટી માસ્ટ’ ડેન્માર્કનું રાષ્ટ્રગીત બની રહ્યું. ‘ધ જૉયઝ ઑવ્ રંગસ્ટેડ’ ઓડની શૈલીમાં લખાયેલ ઉન્નત ભૂમિકાનું ઊર્મિગીત છે. તેમનાં સંસ્મરણોને લગતી કૃતિ ‘લાઇફ ઍન્ડ ઓપિનિયન્સ’માં તેમણે પોતાનાં સાહસ-પ્રેમ તથા અજાયબ તત્વોના આકર્ષણ માટેની સ્પષ્ટતા કરી છે. મરણશય્યા પર સૂતાં-સૂતાં લખાયેલ ધર્મભાવનાસભર સ્તવન ‘ગાર્ડ ધાયસેલ્ફ, હીરો ઑવ્ ગૉલગોથા’ પણ ખૂબ પ્રેરક છે. મોટાભાગની જિંદગી માંદગી અને મનોમંથનમાં વિતાવનાર આ કવિપ્રતિભાનો દારૂના વ્યસનને કારણે અંત આવ્યો. ડેન્માર્કના કેટલાક મહાન સર્જકોમાં તેમની ગણના થાય છે.
કૃષ્ણવદન જેટલી
મહેશ ચોકસી