ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક.

ઑલિવર ઈવાન્સ

1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ કરી. આ માટે ગતિમાન વાહક (conveyer) તથા ઢળતી નળી(chute)નો ઉપયોગ કર્યો. વિપુલ ઉત્પાદન (mass production) માટેનાં બધાં જ કારખાનાંઓની સફળતાના પાયામાં આ વિચાર રહેલો છે. જેમ્સ વૉટના સમયમાં બૉઇલરમાં વરાળનું 0.4 કિગ્રા./ચોસેમી. જેટલું દબાણ મેળવી શકાતું. સળગતા ઇંધનનો ધુમાડો અને ગરમી લઈ જતી ધૂમ્રવાહિકા(flue pipe)ને બૉઇલરના પાણી વડે ઘેરી લેવાય તેવી ગોઠવણી કરીને વરાળનું દબાણ દસથી પંદરગણું મેળવી શકાયું અને વરાળએન્જિનની કાર્યક્ષમતા વધારી શકાઈ. આ સિદ્ધાંત ઉપર 1807થી 1817 સુધીમાં ઈવાન્સે 100 વરાળએન્જિનો બનાવ્યાં અને વરાળએન્જિન વડે વાહનો અને યંત્રો ચલાવવા માટે સૌપ્રથમ તેમનો ઉપયોગ કર્યો. આથી ખેતીનાં વિવિધ કાર્યો, લાકડાં વહેરવાં, પાણીના બોર કરવા, માટી ખોદવી વગેરે માટે યંત્રોનો ઉપયોગ શક્ય બન્યો. ઘોડાઓના ઉછેરની ઇજારાશાહી (રસ્તા ઉપરનાં વાહનો ખેંચવા એ જમાનામાં ઘોડા વપરાતા), વધુ ઢાળવાળા ખરાબ રસ્તાઓ, વાહનોમાં જરૂરી સ્પ્રિંગોનો અભાવ અને યંત્રોની બનાવટમાં વપરાતા માલસામાનની હલકી ગુણવત્તાને કારણે માર્ગવ્યવહારમાં યંત્રચાલિત વાહનો દાખલ કરવામાં પ્રગતિ ઘણી ધીમી બની હતી.

જયંતિલાલ જટાશંકર ત્રિવેદી