ઈવાન્જેલિકલ ચર્ચ

January, 2004

ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે.

અંગ્રેજી શબ્દ ‘ઈવાન્જેલિકલ’ ગ્રીક શબ્દ ‘ઈવાન્ગેલિયોન’માંથી આવેલો છે. ‘ઈવાન્ગેલિયોન’ એટલે શુભસંદેશ, ભગવાને માનવી માટે આપેલો સંદેશ. આ સંપ્રદાયના ત્રણ મુખ્ય આદર્શો છે : એકલા બાઇબલમાં જ માનવમુક્તિનો અચૂક સંદેશ, એકલા ઈસુ દ્વારા જ માનવમુક્તિ અને આ મુક્તિસંદેશ આખી દુનિયામાં ફેલાવવાની આ પંથના અનુયાયીઓની ફરજ.

ઍંગ્લો-સેક્સન અને એમની સત્તા નીચેના દેશોમાં ખાસ જોવા મળતા આ સંપ્રદાય બલકે અભિગમમાં ઉગ્રમતવાદી તેમ જ ઉદારમતવાદી એમ બે પ્રવાહો છે. આમાં ઉગ્રમતવાદી અભિગમ અન્ય ધર્મોની યોગ્ય કદર કરતો નથી. ઉદારમતવાદી અભિગમના મુખ્ય પ્રતિનિધિ છે પ્રસિદ્ધ વક્તા બિલી ગ્રેહામ.

ઈશાનંદ