ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ તથા જૈન એમ ત્રણે ધર્મોની ગુફાઓ છે. ઉત્તરથી દક્ષિણ તરફથી કંડારેલા આ ગુફા-સંકુલની કુલ 34 ગુફામાં શરૂઆતની 12 બૌદ્ધ, તે પછીની 17 હિંદુ અને છેલ્લી 5 જૈન ગુફા છે. આશરે 4 કિમી. વિસ્તારમાં પથરાયેલી ગુફાઓમાં ઉત્તર દિશામાં જૈન, દક્ષિણ છેડે બૌદ્ધ અને એ બંનેની વચ્ચે હિંદુ ગુફાઓ છે. ગુફાઓનો ક્રમ સ્થાપત્યવિકાસના સમયક્રમને તથા સંબંધિત ધર્મના વર્ચસ્ના ક્રમનો સૂચક બની રહે છે. કેટલીક ગુફાઓ પરના શિલાલેખો મારફત તે જમાનાની સંસ્કૃતિ અને જીવનરીતિની ઝાંખી થઈ શકે છે.
પ્રથમ 5 ગુફા એક મજલાની અને વિહારના આકારની છે. મધ્યખંડની ત્રણેય બાજુએ આવાસકુટીરો અને એક બાજુએ ગર્ભગૃહ છે. મધ્યખંડ થાંભલાથી શોભે છે. પાંચમી ગુફા સૌથી વિશાળ છે. આ શૈલગૃહમાં વિહાર અને ચૈત્યગૃહનું સંયોજન છે. આઠમી ગુફામાં ગર્ભગૃહને પ્રદક્ષિણાપથ વડે પછીતથી છૂટું પાડીને ચૈત્યગૃહનું મહત્વ બક્ષ્યું છે. સ્તંભોની શિરાવટી ઘટપલ્લવ ઘાટની છે. દશમી ગુફા અહીંનાં શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર અને પશ્ચિમ ઘાટમાંની સૌથી છેલ્લી શૈલોત્કીર્ણ ગુફા છે. અગિયારમી અને બારમી ગુફા 33 મજલાની અને વિશાળ વિહાર સાથેની છે. ઈલોરાનું સર્વોત્તમ સ્થાપત્ય સોળમી ગુફાનું છે. કૈલાસમંદિરથી વિખ્યાત બનેલા આ શૈલગૃહમાં ચણતરી દેવાલયનું સ્વરૂપ જોવા મળે છે અને તે જમાનામાં વિકસેલી શિલ્પસ્થાપત્ય-કલાનો તે અલૌકિક નમૂનો છે. સળંગ શિલામાંથી ઘડી કાઢેલા આ મંદિરની લંબાઈ 85 મીટર, પહોળાઈ 47 મીટર તથા ઊંચાઈ 29 મીટર છે. તેને હિંદુ દેવદેવી તથા પૌરાણિક પાત્રોનાં કલાત્મક શિલ્પસર્જનોથી સુશોભિત કરાયું છે. રંગમહાલ તરીકે ઓળખાતા આ મંદિરના પ્રવેશદ્વારમાં દાખલ થતાં સામે પાષાણની આડશ આવેલી છે. તેમાં વિષ્ણુ તથા શિવની વિરાટ મૂર્તિઓ કોતરેલી છે. તે વટાવ્યા પછી, કમળ પર બિરાજેલી લક્ષ્મીની અપ્રતિમ મૂર્તિ છે. પછીનો ખંડ રંગમહાલ સાથે પુલથી જોડાયેલો છે. પુલની બંને તરફ 15 મીટર ઊંચાઈ ધરાવતો ધ્વજદંડ છે. તેના પર શંકર ભગવાનનું ત્રિશૂળ છે. રુદ્ર સ્વરૂપ તથા માયાયોગી એમ શિવનાં બે ભિન્ન સ્વરૂપ દર્શાવતી કલાકૃતિઓ ઉપરાંત શ્વેતરંગી શિવલિંગ પણ છે. આ શિલ્પસમૃદ્ધિને કારણે રંગમહાલની ગુફા બધી ગુફાઓમાં સર્વશ્રેષ્ઠ છે. શિલ્પસ્થાપત્યની આવી ભવ્યતા આટલા વિશાળ પાયા પર જે કલાસામર્થ્યથી આલેખાઈ છે તેના પરથી તે પથ્થરમાં કંડારાયેલું મહાકાવ્ય કહેવાય છે.
બૌદ્ધ ગુફાઓમાંથી એકમાં બૌદ્ધ વિહાર છે. બીજી ગુફામાં સંપૂર્ણ જ્ઞાનપ્રાપ્તિ પહેલાંની અને પછીની બુદ્ધની અવસ્થા દર્શાવતી બે આકર્ષક પ્રતિમાઓ છે. આ ઉપરાંત ભગવાન બુદ્ધનાં ગુણગાન ગાતા ગંધર્વો અને દેવગણો, ધ્યાનસ્થ બુદ્ધ તથા બોધિવૃક્ષ નીચે જ્ઞાનપ્રાપ્તિ માટે બેઠેલા બુદ્ધની પ્રતિમાઓ પણ છે.
આની સરખામણીમાં હિંદુ ગુફાઓનાં શિલ્પ વિશેષ વૈવિધ્યપૂર્ણ અને ચઢિયાતાં છે. અનેક દેવદેવીઓનાં પાત્રગત શિલ્પોની સાથે પ્રસંગો પણ આલેખાયા છે. એક ગુફામાં રાવણ કૈલાસ પર્વત ઉપાડવાનો પ્રયત્ન કરે છે અને શંકર ભગવાન પગના અંગૂઠાથી તેને દબાવી રાખે છે તેવું ર્દશ્ય આલેખાયું છે. પૌરાણિક કથાઓનાં આવાં અન્ય ર્દશ્યો કલાત્મક ઢબે આલેખાયાં છે. આ સૌમાં દશાવતારની પંદરમી ગુફા શિલ્પકલાનો આકર્ષક નમૂનો છે. ગુફામાં મુકાયેલા દીપસ્તંભની રચના નમૂનેદાર છે.
જૈન ગુફાઓમાં ઇન્દ્રસભા, જગન્નાથસભા તથા પાશ્વર્નાથની ગુફાઓ શ્રેષ્ઠ કલાસર્જનો છે. ગોમટેશ્વરની પ્રતિમા અત્યંત સુંદર અને પ્રભાવક છે. આ મૂર્તિઓ વસ્ત્રાલંકારરહિત હોવાથી તે દિગંબર સંપ્રદાયની હોય તેમ જણાય છે.
ઈલોરાની કેટલીક ગુફાઓમાં, અજંટાની ગુફાઓની જેમ ભિત્તિચિત્રો કરેલાં હતાં. તેમાંનાં ઘણાંખરાં નાશ પામી ગયાં છે.
ઈલોરામાં ડુંગરોના પથ્થરો પર કંડારાયેલી આ શિલ્પસમૃદ્ધિના નિર્માણમાં સમર્થ સ્થપતિઓ તથા ઉચ્ચ કોટિના શિલ્પકારોના વિચક્ષણ કૌશલ્યનો અદભુત સંગમ થયેલો છે. સર્વ ધર્મ પ્રત્યેની ભારતની પ્રાચીન સહિષ્ણુતા અહીં મૂર્તિમંત થઈ હોવાથી આ ગુફાઓ દેશવિદેશના સ્થપતિઓ, શિલ્પકારો, દાર્શનિકો તથા પર્યટકો માટેનું કાયમી આકર્ષણ બની રહ્યું છે. એક તરફ ધાર્મિક સમન્વયનું તો બીજી તરફ કલાના વૈવિધ્યપૂર્ણ ઉન્મેષોનું તે અદ્વિતીય સ્થાનક છે. ધર્મ, કલા, સંસ્કૃતિ, સૌંદર્ય, ઇતિહાસ અને પુરાવસ્તુની ર્દષ્ટિએ ઈલોરા એ રીતે ઉત્તમ પ્રવાસતીર્થ તથા સંસ્કૃતિધામ બની રહ્યું છે.
ઈલોરાની શિલ્પ-સમૃદ્ધિ : ઇલોરા ભારતીય શિલ્પનું સુસમૃદ્ધ સર્વોચ્ચ કેન્દ્ર છે. બૌદ્ધ, બ્રાહ્મણ અને જૈન ત્રણેય ધર્મોને લગતાં ધાર્મિક શિલ્પો અહીં વિપુલ પ્રમાણમાં દૃષ્ટિગોચર થાય છે. કુલ 34 ગુફાઓ પૈકી 1થી 12 બૌદ્ધ, 13થી 29 બ્રાહ્મણ અને 30થી 34 જૈન ધર્મને લગતી છે.
બૌદ્ધશિલ્પો : આ શિલ્પો વિરાટ કદનાં જોમ-જુસ્સાવાળાં અને બૌદ્ધ મૂર્તિવિધાન અનુસાર કંડારાયેલાં જણાય છે. મૂર્તિશિલ્પોમાં ગૌતમબુદ્ધ, બોધિસત્વો, બૌદ્ધદેવીઓ, યક્ષ-યક્ષીઓ તેમજ નાગરાજ વગેરે મુખ્ય છે. ગુફા નં-1ના વરંડામાં ડાબી દીવાલ પર બૌદ્ધ દેવતા જમ્ભલનું શિલ્પ કંડાર્યું છે જે હિંદુ દેવ કુબેરને મળતું આવે છે. ગુફા નં-2ના ચૈત્યમાં મુખ્ય મૂર્તિ રૂપે ઉપદેશમુદ્રામાં બેઠેલા બુદ્ધની ભવ્ય પ્રતિમા કંડારી છે. ગુફા નં-3માં કમળનાળ ધારણ કરતા બુદ્ધ તેમની બાજુમાં નાગરાજ અને અવલોકિતેશ્વરનાં શિલ્પો કંડારેલાં છે. ગુફા નં-4માં પ્રલંબમાદાસનમાં બેસીને ધર્મચક્ર પ્રવર્તાવતા બુદ્ધ અને તેમની ડાબી બાજુ અવલોકિતેશ્વર અને જમણી બાજુ બૌદ્ધ દેવી ભ્રૂકુટિનું સુંદર શિલ્પ છે. ગુફા નં-5માં કંડારેલું બોધિસત્વ અવલોકિતેશ્વરનું શિલ્પ પ્રસિદ્ધ છે. તેમના જમણા હાથમાં પુષ્પમાળા અને ડાબા હાથમાં કમળનાળ, મસ્તક પર જટામુકુટ અને ડાબા સ્કંધ પર મૃગચર્મ છે. તેમની આસપાસ તારા અને ભ્રૂકુટિ દેવી જોવા મળે છે. ગુફા નં-6માં અવલોકિતેશ્વરની સાથે તારા અને મહામાયૂરીદેવીનું શિલ્પ ધ્યાન ખેંચે છે. અહીંના સ્તંભો પરની ઘટપલ્લવની ભાત અને તેમની ટોચ પરનાં શાર્દૂલ અને કિચકનાં શિલ્પો તેમજ દ્વારશાખાઓ પરનાં ગંગા અને યમુનાનાં શિલ્પો મનોહર છે. ગુફા નં-8માંનું બોધિસત્વ વ્રજપાણિ શિલ્પ ભારે કલાત્મક છે. ગુફાના પ્રવેશ દ્વારે ડાબી બાજુએ બોધિસત્વ અવલોકિતેશ્વર અને જમણી બાજુએ બોધિસત્વ મૈત્રેય જોવા મળે છે. બંને બોધિસત્વોની બાજુ એક-એક સ્ત્રી મૂર્તિ કંડારી છે. આ ગુફામાં ઉપદેશ આપતા બુદ્ધ અને ચામર ધરતા મૈત્રેય ઉપરાંત અવલોકિતેશ્વર અને મહામાયૂરીનાં શિલ્પો ધ્યાનપાત્ર છે. ગુફા નં-9માં શિલ્પકલાના સુંદર નમૂનારૂપ ઘટપલ્લવનાં સુશોભનવાળી સ્તંભો પર ક્યારેક દોડતા હાથી, હરણ, ઘોડા અને ઘોડેસવારોનાં દૃશ્યો આકર્ષક છે. ગુફા નં-10માં ધર્મચક્રપ્રવર્તન કરતા બુદ્ધની ભવ્ય પ્રતિમા કંડારી છે. બુદ્ધના મસ્તક પર ગંધર્વ-યુગલો પુષ્પવૃષ્ટિ કરી રહ્યાં છે. ભગવાનની જમણી બાજુ અવલોકિતેશ્વર અને ડાબી બાજુ વજ્રપાણિ ઊભા છે. આ ગુફાનું તપલીન બુદ્ધનું શિલ્પ ભાવવાહી છે. તેમની સમક્ષ સુજાતા એના નૈવેદ્યપાત્ર સાથે જોવા મળે છે. ગુફા નં-11 ‘તીનથલ’ તરીકે પ્રખ્યાત છે. એનો રંગમંડપ 103 જેટલાં કલાત્મક મૂર્તિશિલ્પો ધરાવે છે. એમાં ધ્યાનસ્થ બુદ્ધ, ગુરુ બુદ્ધ અને નિર્વાણ પામતા બુદ્ધ, એક ઊંચી પીઠિકા પર સાત ધ્યાની બુદ્ધોનાં શિલ્પ ખાસ ધ્યાન ખેંચે છે. આ ગુફામંદિરની મુખ્ય મૂર્તિ બુદ્ધની છે પણ સ્થાનિક લોકો તેને શ્રીરામ તરીકે પૂજે છે.
બ્રાહ્મણ ધર્મનાં શિલ્પો : આઠમી સદીમાં રાષ્ટ્રકૂટ રાજાઓ ખાસ કરીને કૃષ્ણ-1લાએ વિદ્યાની સાથે કલાના ઉત્કર્ષને ભારે પ્રોત્સાહન આપ્યું અને તેના સમયમાં જગપ્રસિદ્ધ કૈલાસ મંદિર સહિતની બ્રાહ્મણધર્મી ગુફાઓ કંડારાઈ. આ ગુફાઓમાંના શિલ્પો એ પ્રદેશમાં પૂર્વકાલમાં પ્રચલિત થયેલી ચાલુક્ય શિલ્પશૈલીનો ઉત્કર્ષ ચરમ સીમાએ પહોંચેલો નજરે પડે છે. મૂર્તિવિધાન અને સજાવટ બંને દૃષ્ટિએ આ શૈલી અનુપમ બનેલી જોવા મળે છે. આ મૂર્તિશિલ્પો તેમનાં મહાકાય સ્થાપત્યો સાથે પ્રચંડ કાયા વડે સુસંવાદિતા સ્થાપે છે. પ્રચંડ કાયા હોવા છતાં અંગ-ઉપાંગ બિલકુલ સપ્રમાણ બન્યાં છે. નવીન સ્ફૂર્તિ, ચૈતન્યનો સંચાર, અનુપમ ભાવવ્યંજના વગેરેને લઈને આ શિલ્પો જાણે મનુષ્યના હાથે નહિ પણ દેવતાઓને હાથે ઘડાયાં હોય એવો ભાસ થાય છે. આ શૈલીનાં અન્ય લક્ષણોમાં છત્ર અથવા પુષ્પપત્રોની ભૂમિકા, વાદળોની નકશી, રત્નજડિત મુકુટ તથા ઘરેણાં, લાંબું પ્રભામંડળ વગેરે ધ્યાનપાત્ર છે.
બ્રાહ્મણ ધર્મનાં શિલ્પોમાં શિવ અને વિષ્ણુનો વિશેષ મહિમા વ્યક્ત થયો છે. ઉપરાંત પાર્વતી, લક્ષ્મી, સપ્તમાતૃકાઓ, સૂર્ય, બ્રહ્મા અને અન્ય દેવતાઓને લગતાં શિલ્પો પણ કંડારાયાં છે. આ શિલ્પોથી ગુફા 13થી 29 સુશોભિત છે. એ પૈકી નં-14(રાવણકા ખૈ), નં-15 (દશાવતાર), નં-16 (કૈલાસ કે રંગમહલ) અને નં-29- (દૂમર લેણ)નાં શિલ્પો ખાસ નોંધપાત્ર છે. ગુપ્તોત્તર કાલમાં બ્રાહ્મણ સંપ્રદાયો પૈકી માહેશ્વર (શૈવ) સંપ્રદાય સર્વાધિક પ્રચલિત થયો. એની સાથે શિવને લગતી વિવિધ માન્યતાઓ અને કથાઓ પ્રચલિત થઈ, જેનો પડઘો અહીંનાં શૈવ શિલ્પોમાં પડેલો જણાય છે. એમાં શિવનાં રૌદ્ર અને સૌમ્ય સ્વરૂપો, એમને લગતી જુદી જુદી કથાઓ અને તેમના કેટલાક જીવનપ્રસંગો કંડારાયાં છે.
ગુફા નં-14માં દક્ષિણ દિશા તરફનાં શિલ્પદૃશ્યોમાં ચોપાટ રમતાં શિવ-પાર્વતી, શિવ-તાંડવ, રાવણાનુગ્રહ અને રત્નાસુરવધના પ્રસંગો જોવા મળે છે. ચોપાટ રમતાં શિવ અને પાર્વતીની રમતને ગણેશ વગેરે રસપૂર્વક નિહાળી રહ્યાં છે. બીજા દૃશ્યમાં તાંડવ નૃત્ય કરતા શિવની એક બાજુ વાજિંત્ર વગાડતા ત્રણ ગણો અને બીજી બાજુ પાર્વતી તેમજ બીજા બે ગણો ઊભા છે. પાછળ ભૃંગી ઊભો છે. ઉપર ડાબી બાજુ બ્રહ્મા તથા વિષ્ણુ અને જમણી બાજુ ઇંદ્ર, અગ્નિ અને બીજા બે દેવો ઊભેલા છે. ત્રીજા દૃશ્યમાં પોતાના માર્ગમાં અંતરાયરૂપ જણાતા પર્વત(કૈલાસ)ને મદોન્મત્ત રાવણ નીચેથી પોતના 20 હાથ અને 10 મસ્તક વડે ઉપાડતો જણાય છે. ઉપરના ભાગમાં ભયભીત પાર્વતી શિવને વળગી પડેલાં જોવા મળે છે. શિવ પોતાના પગથી પર્વતને નીચે દબાવી રાવણને એની નીચે કચડતા જણાય છે. શિવે ભૈરવ સ્વરૂપ ધારણ કરીને રત્નાસુરનો વધ કર્યો એ દૃશ્ય પણ પ્રભાવશાળી છે. એમાં બે હાથે ગજચર્મ શરીરે વીંટાળતા, બે હાથે ભાલો પકડી રત્નાસુરનો વધ કરતા, એક હાથે તલવાર અને બીજા હાથે થાળ પકડીને એમાં રત્નાસુરનું રક્ત ઝીલતા ષડ્ભુજ ભૈરવનું રૌદ્ર સ્વરૂપ ગણપતિ નિહાળી રહ્યા છે.
ગુફા નં-15માં શિવલિંગ માહાત્મ્ય, તારકાસુરવધ, ઉમા-મહેશ્વર, બાલગણેશ સાથે નંદી પર બેઠેલાં શિવ-પાર્વતી, અર્ધનારીશ્વર, ઉમાનું તપ, માર્કંડેયાનુગ્રહ વગેરે શિલ્પો કંડારાયાં છે. આ શિવલિંગમાહાત્મ્યમાં લિંગમાંથી અગ્નિ પ્રગટતો દર્શાવ્યો છે અને વરાહ રૂપે વિષ્ણુ અને હંસરૂપ બ્રહ્મા લિંગનો પાર પામવા નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા છે અને નિષ્ફળ જતાં શિવની સ્તુતિ કરવા લાગે છે. તારકાસુરવધ માટે સૂર્યના રથ પર બેસીને પ્રયાણ કરતા શિવનું દૃશ્ય અત્યંત મનોહારી છે. રથ બ્રહ્માજી હંકારી રહ્યા છે.
ગુફા નં-16 શિવના નિવાસસ્થાન કૈલાસ રૂપે કંડારી હોવાથી શિવનાં વિવિધ સ્વરૂપોનાં શિલ્પોથી ભરપૂર છે. સ્તંભોના ગાળામાં દક્ષિણથી શરૂ કરીને પૂર્વ અને ઉત્તર તરફ જતાં આ સર્વ શિલ્પો જોવા મળે છે. એમાં દક્ષિણ દિશામાં 12 દૃશ્યો પૈકીનાં ત્રણમાં શિવલિંગની ઉપાસના કરતો ભક્ત, નંદી સહિત ઊભેલા મહાદેવ તથા અર્ધનારીશ્વર નજરે પડે છે. પૂર્વ તરફનાં 19 દૃશ્યો પૈકી 17 શિવને લગતાં છે. (1) કાળભૈરવ સ્વરૂપ શિવની પાસે કેશરચના કરતાં પાર્વતી ઊભાં છે. (2) કમળમાંથી કપાલભૈરવ સ્વરૂપે બહાર આવતા શિવના હાથમાં પાર્વતી છે. (3) નવ યોગી શિવના ચતુર્ભુજ હાથ પૈકી એકમાં ત્રિશૂળ, બીજો પાર્વતીના મસ્તક પર અને બાકીના બે વડે પાર્વતીનાં સ્તન ગ્રહણ કર્યા છે. (4) સિદ્ધયોગીરૂપ ચતુર્ભુજ શિવના મસ્તક પર ગંધર્વો અને પગ પાસે ગણો છે. (5) બટુક ભૈરવ રૂપે શિવે એક લંગોટી જ ધારણ કરી છે. ખભે ત્રિશૂળ છે ને તેઓ પાર્વતી સમક્ષ ઊભા છે. (6) ભૂપાલ ભૈરવરૂપ શિવ વામન પુરુષ પર નૃત્ય કરી રહ્યા છે. (7) ત્રિશૂળ અને નાગધારણ કરેલા ભૈરવ સાથે નંદી અને પાર્વતી છે. (8) મહાદેવ (9) નાગ અને નંદી સહિત શિવ. (10) ત્રિશૂળધારી શિવની એક ભક્ત પૂજા કરી રહ્યો છે. (11) ગંગાધર શિવની જટામાં સર્પ વીંટેલો છે. ગંગા નીચે પડે છે. ઉપર ગંધર્વો અને બાજુમાં પાર્વતી છે. (12) શિવલિંગ માહાત્મ્ય (13) બેઠેલાં શિવ-પાર્વતી. (14) ત્રિપુરાસુરવધ કરતા ષડ્ભુજ શિવ. (15) રત્નાસુર વધ કરતા વીરભદ્ર શિવ અને (16) શિવ-પાર્વતીનાં લગ્નનો કલ્યાણ સુંદર તરીકે પ્રસિદ્ધ પ્રસંગ વિશેષ ધ્યાન ખેંચે છે. આ પ્રસંગમાં શિવની ડાબી બાજુ પાર્વતી છે. એક હાથમાં પુષ્પમાળા છે ને બીજા હાથે પાર્વતીનું પાણિગ્રહણ કર્યું છે. પશ્ચિમ તરફનાં 12 દૃશ્યોમાં માર્કંડેય ઋષિની યમથી રક્ષા કરતા શિવ, અર્જુનાનુગ્રહ કરતા શિવ, ચોપાટ રમતાં શિવ-પાર્વતી, નારદજીનું વીણાવાદન સાંભળતાં શિવ-પાર્વતી, કૈલાસ ઉપાડતો રાવણ, શિવની સમ્મુખ બેસીને કથા સાંભળતાં પાર્વતી વગેરે જોવા મળે છે. ગુફા નં-29(દૂમર લેણ)ના વચલા રંગમંડપની ત્રણ બાજુઓ પર કૈલાસ ઉપાડતો રાવણ, ચોપાટ રમતાં શિવ-પાર્વતી, કલ્યાણસુંદર પ્રસંગ, ભૈરવ સ્વરૂપ શિવ વગેરે શિલ્પો કંડારેલાં છે.
વૈષ્ણવ સંપ્રદાયનાં શિલ્પોમાં વિષ્ણુના અવતારો અને વિષ્ણુનાં વિવિધ સ્વરૂપો પણ સ્થાન પામ્યાં છે, પરંતુ આ શિલ્પોમાં મૂર્તિવિધાન અને કલાત્મકતા પૂર્ણપણે ખીલ્યાં જણાતાં નથી. ગુફા નં-14(રાવણ કા ખૈ)માનાં શિલ્પોમાં વરાહસ્વરૂપ વિષ્ણુ, દંતશૂળ પર પૃથ્વી ધારી રહ્યા છે. બીજા દૃશ્યમાં વૈકુંઠમાં ચતુર્ભુજ બેઠેલા છે. તેમની પાસે લક્ષ્મી અને સીતાજી બેઠેલાં છે. કેટલાક ગંધર્વો નૃત્ય કરે છે અને કેટલાક વાદ્ય વગાડી રહ્યા છે. ગુફા નં-15(દશાવતાર)માં દક્ષિણ દીવાલ પર 6 દૃશ્યો કંડારેલાં છે. જેમાં ગોવર્ધનધારી ચતુર્ભુજ વિષ્ણુ વ્રજવાસીઓની રક્ષા કરતા જણાય છે. પાંચ સર્પફણાઓ ધરાવતા શેષનાગ પર વિષ્ણુ શયન કરી રહ્યા છે. ગરુડારૂઢ વિષ્ણુ, વહાર અવતાર, રૌદ્ર સ્વરૂપે વામન અવતાર અને નૃસિંહ અવતારનું લોકપ્રિય શિલ્પ અહીં કંડારાયાં છે. ગુફા નં-16(કૈલાસ)માં નાગદમન અને વામન-વિષ્ણુનાં સુંદર શિલ્પો નજરે પડે છે. આ ઉપરાંત બ્રાહ્મણ ધર્મનાં અન્ય દેવ-દેવીઓને લગતાં શિલ્પો પણ અત્ર-તત્ર કંડાર્યાં છે. જેમાં ગુફા નં-14ના મહિષાસુરમર્દિની અને ગુફા નં-16માં અન્નપૂર્ણા, હંસારૂઢ બ્રહ્મા તેમજ ખભે કોથળો નાખેલા મુચુકુંદ ઋષિનાં શિલ્પો ખાસ ધ્યાન ખેંચે છે.
જૈન શિલ્પો : 9મી 10મી સદીમાં કંડારાયેલી ગુફા નં 30થી 34માં આ શિલ્પો કંડારેલાં છે અને તે ત્યાંનાં બૌદ્ધ અને શૈવ શિલ્પો જેવાં જ કલાત્મક છે. અહીં મર્યાદિત જગ્યામાં શિલ્પો ઠાંસી ઠાંસીને ભર્યાં હોય એવો ભાસ થાય છે. દિગંબર સંપ્રદાયનાં શિલ્પો પણ જૈન મૂર્તિવિધાન અનુસાર કરેલાં છે. અહીં પાંચેય ગુફાઓમાં મુખ્યપણે રૂપે મહાવીર સ્વામીની પ્રતિમા કંડારેલી છે. એમાં ગુફા નં-32(ઇંદ્રસભા)ના ગર્ભગૃહમાં છત્ર અને પ્રભાચક્રથી શોભતા મહાવીર સ્વામીની ભવ્ય પ્રતિમા દૃષ્ટિગોચર થાય છે. આ ગુફામાં પાર્શ્વનાથ, ગોમટેશ્વર બાહુબલીની મૂર્તિઓ, યક્ષયક્ષિણીઓમાં ચક્રેશ્વરી, યક્ષ ધરણેન્દ્ર, માતંગ યક્ષ તેમજ યક્ષિણી સિદ્ધયિકાની આકૃતિઓ કંડારાઈ છે. ગોમટેશ્વરની પ્રતિમામાં કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલા બાહુબલીના દેહ પર વીંટળાયેલી લતાઓ અને તેમની આસપાસ હરણ, સાપ, ઉંદર, વીંછી, કૂતરો વગેરે દૃષ્ટિગોચર થાય છે. એમની બે બાજુ બ્રાહ્મી અને સુંદરી ઊભાં છે. બાજુમાં ભરત બેઠેલા છે. મહાવીર સ્વામીના યક્ષ માતંગ અને યક્ષી સિદ્ધાયિકાને ભૂલથી ઇન્દ્ર અને ઇન્દ્રાણી માની લેવામાં આવેલાં. બંનેના મસ્તક પર વૃક્ષાટોપનું છત્ર છે. બંને દ્વિભુજ છે. સિદ્ધાયિકા આંબા નીચે સિંહ પર બેઠેલ છે. દેવીના ડાબા ખોળામાં બાળક બેઠેલું છે જેનો ઉપલો અડધો ભાગ તૂટી ગયો છે. વૃક્ષમાં પંખીઓ અને વાનરો પણ દેખા દે છે. આ મૂર્તિમાં દેવીનું શરીર તથા અવયવો પ્રમાણસર અને સુડોળ છે.
પ્રવીણચંદ્ર પરીખ
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
રસેશ જમીનદાર