ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું છે. Elatine સમશીતોષ્ણ અને હૂંફાળા પ્રદેશોમાં મીઠા પાણીના આવાસોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેની 4 જાતિઓ ઉત્તર અમેરિકામાં સ્થાનિક (indigenous) છે. Bergia મોટેભાગે ઉષ્ણ અને ઉપોષ્ણ કટિબંધીય પ્રદેશોમાં થાય છે. B. texana ટેક્સાસથી મિસૂરી અને પશ્ચિમમાં કૅલિફૉર્નિયા તરફ થાય છે. Elatine 10 અને Bergiaની 20 જેટલી જાતિઓ ધરાવે છે. આ કુળની વનસ્પતિઓ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ જલજ શાકીય કે બહુવર્ષાયુ ઉપક્ષુપીય (suffrutescent) હોય છે. તે જલીય હોવા છતાં જમીન ઉપર પણ ઊગી શકે છે. પર્ણો સાદાં, સન્મુખ કે ભ્રમિરૂપ (whorled) અને ઉપપર્ણીય (stipulate) હોય છે. ઉપપર્ણો આંતરવૃંતીય (interpetiolar) હોય છે. પર્ણકિનારી અખંડિત કે દંતુર (serrate) હોય છે.

આકૃતિ 1 : ઈલેટિનેસી : (અ) પુષ્પ સહિતનો છોડ, (આ) પર્ણો, (ઇ) ઉપપર્ણ, (ઈ) પુષ્પ, (ઉ) પુષ્પનો ઊભો છેદ, (ઊ) સ્ત્રીકેસરચક્ર, (ઋ) બીજાશયનો છેદ

પુષ્પવિન્યાસ કક્ષીય એકાકી કે પરિમિત દ્વિશાખી (dichasial) હોય છે. પુષ્પો નાનાં, નિયમિત કે અનિયમિત, દ્વિલંગી, અધોજાય (hypogynous) હોય છે. વજ્ર 3થી 5 વજ્રપત્રોનું બનેલું, મુક્ત કે તલસ્થ ભાગેથી જોડાયેલું હોય છે. દલપુંજ વજ્રપત્રોની સંખ્યા જેટલાં દલપત્રો ધરાવે છે. તેઓ મુક્ત અને અધ:સ્થ હોય છે. પુંકેસરચક્ર એક અથવા બે ચક્રમાં ગોઠવાયેલું હોય છે અને પ્રત્યેક ચક્રમાં 3થી 5 મુક્ત અને અધ:સ્થ પુંકેસરો જોવા મળે છે. પરાગાશય દ્વિખંડી હોય છે અને તેનું લંબવર્તી સ્ફોટન થાય છે. સ્ત્રીકેસરચક્ર 3થી 5 યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ (superior), ત્રિ-થી પંચકોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. અંડકો અસંખ્ય, પ્રત્યેક જરાયુ ઉપર બે કે તેથી વધારે પંક્તિઓમાં ગોઠવાયેલાં અધોમુખી (anatropous) અંડકો હોય છે. પરાગવાહિનીઓ 3થી 5, મુક્ત અને ટૂંકી હોય છે. ફળ પટવિદારક (septicidal) પ્રાવર પ્રકારનું હોય છે. બીજમાં ભ્રૂણ સીધો કે વક્ર હોય છે અને તે અભ્રૂણપોષી (non-endospermous) હોય છે.

પુષ્પીય સૂત્ર :

Bergia ammannioides Roxb. નાનો ભૂપ્રસારી છોડ છે અને ભેજયુક્ત જમીનમાં અથવા વરસાદ પડતાં ખાબોચિયાની ધારે ઊગી નીકળે છે. B. capensis L. (જલજાંબવો) રસાળ શાકીય જાતિ છે. 1926માં પ્રખ્યાત વનસ્પતિવિદ સ્વ. જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકરે કચ્છમાંથી તેની નોંધ આપી હતી. તે પહેલાં આ જાતિ 1910માં સૌરાષ્ટ્રમાંથી પણ નોંધાયેલ છે. તે ઑગસ્ટથી ઑક્ટોબરમાં મળી આવે છે. B. suffruticosa Del. Fenzl (રોપાતી, લવરિયું, ગંધારો – ઓખરાડ) ભૂપ્રસારી ઉપક્ષુપીય જાતિ છે. તે ગ્રંથિઓથી આચ્છાદિત હોય છે. બીજ નાનાં, અસંખ્ય, ચમકતા બદામી રંગનાં અને વક્ર ભ્રૂણ ધરાવતાં હોય છે. ભાંગેલાં હાડકાં, સંધિવા, ચામડીની બળતરા કે ફોલ્લા ઉપર તેનાં પર્ણોની પોટલી મુકાય છે. Elatine ambigua Wt. જવલ્લે જ જોવા મળતી જાતિ છે. આણંદ પાસે ટુવા ગામેથી તે મળતી હોવાનું નોંધાયેલ છે. તે ભેજવાળી જગાએ થતી ભૂપ્રસારી, નાની, અરોમિલ અને શાકીય જાતિ છે. તેની પ્રત્યેક ગાંઠ ઉપરથી અસ્થાનિક (adventitious) મૂળો ઉદભવે છે. પુષ્પ કક્ષીય, એકાકી અને ચતુરવયવી હોય છે. વજ્રપત્રો શિરાવિહીન હોય છે. બીજ નાનાં અને ભૂરા રંગનાં હોય છે. આ જાતિ ઑગસ્ટ માસમાં મળી આવે છે.

હચિન્સને આ કુળને ગોત્ર કેર્યોફાઇલેલ્સમાં, ઍંગ્લરે પેરાઇટેલ્સમાં અને બાકીના વર્ગીકરણવિજ્ઞાનીઓએ તેને ગટ્ટીફરેલ્સમાં મૂકેલ છે.

મીનુ પરબિયા

બળદેવભાઈ પટેલ