ઈલાઇટિસ (જ. 2 નવેમ્બર 1911, ક્રીટ, ગ્રીસ; અ. 18 માર્ચ 1996, એથેન્સ) : 1979નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર ગ્રીક કવિ. ખરું નામ ઓડિસ્યુસ એલેપોદેલિસ. ઈલાઇટિસ એમણે કવિ તરીકે ધારણ કરેલી અટક છે. વેપાર-ઉદ્યોગમાં જેની ઘણી મોટી શાખ હતી તેવા કુટુંબમાં જન્મેલા આ કવિએ મુખ્યત્વે વ્યાપારને જ વ્યવસાય બનાવ્યો છે.

એમણે એથેન્સમાં કાયદા અને રાજ્યશાસ્ત્રનું તથા પૅરિસમાં ભાષાશાસ્ત્રનું શિક્ષણ લીધું હતું. એક સંવેદનશીલ સર્જકને નાતે જ નહિ, પણ એક સ્વમાનશીલ નાગરિકને નાતે પણ એ માનવસ્વાતંત્ર્યના પરમ પુરસ્કર્તા રહ્યા છે. 1940માં જ્યારે મુસોલિનીના લશ્કરે ગ્રીસ પર આક્રમણ કર્યું હતું ત્યારે આલ્બેનિયામાં ઈલાઇટિસે લેફ્ટનન્ટ તરીકે પ્રતિકાર કર્યો હતો. 1946થી 1948 સુધી ત્યાંના વૃત્તપત્ર ‘કૅથિમેરિની’માં કલાવિવેચક તરીકે જવાબદારી સંભાળી હતી. તે પૂર્વે એક વર્ષ અને ત્યારપછી 1953થી 1954 સુધી હેલેનિક નૅશનલ બ્રૉડકાસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂશનમાં પ્રસારણ અને કાર્યક્રમ-નિયામક તરીકે સેવાઓ આપી હતી. 1974માં એ આટર્સ થિયેટર અને નૅશનલ થિયેટરના સભ્યપદે હતા.

ઈલાઇટિસ

ઈલાઇટિસે પોતાની કવિતાપ્રવૃત્તિનો આરંભ ત્રીશીમાં કરેલો. આરંભથી જ એમણે એ ગાળામાં પ્રવર્તેલી સરરિયલ ટૅકનિકનો પોતાની રચનાઓમાં વિનિયોગ કર્યો. જોકે એમ નોંધાયું છે કે છેલ્લે જતાં એ આ ટૅકનિકના મોહપાશમાંથી છૂટ્યા પણ છે. એમના પ્રથમ બે કાવ્યસંગ્રહો ‘ઓરિયેન્ટેશન્સ’ અને ‘સન ધ ફર્સ્ટ’માં સર્રિયલ ટૅકનિકનો જુવાળ છે. એમની દીર્ઘ રચના ‘અ હિરોઇક ઍન્ડ મૉર્નફુલ સાગ ઑન ધ લેફ્ટનન્ટ કિલ્ડ ઇન આલ્બેનિયા’ એની લયમાધુરી અને સુચારુ કલ્પનાસૃષ્ટિને કારણે ખૂબ જાણીતી બની છે. ભાવોદ્રેકની તીવ્રતાને એમાં સચોટ અભિવ્યક્તિ મળી છે. ત્યારબાદ લાંબા ગાળાના મૌનને અંતે એમણે 1959માં ‘વર્ધી ઇટ ઇઝ’ તથા 1960માં ‘સિક્સ ઍન્ડ વન રિગ્રેટ્સ ફૉર ધ સ્કાય’ એમ બે કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા હતા. આમાંનો પ્રથમ સંગ્રહ એમની અઘરી અને મહત્વની કૃતિ ગણાય છે. બીજા સંગ્રહમાં એમની માનીતી સરરિયલ ટૅકનિક વત્તેઓછે અંશે જળવાઈ તો રહી છે, પરંતુ પહેલાંનું એમનું ઊર્મિતત્વ જરા ફિક્કું પડ્યું છે એમ વિવેચકોએ નોંધ્યું છે. એમણે લોકસાહિત્યના પુરાણશાસ્ત્ર જેવું ‘ગ્રીક લોકોનું બાઇબલ’ રચ્યું છે.

ઈલાઇટિસ વિશિષ્ટ રીતે ગ્રીક કવિ છે. ગ્રીસની પરંપરા, ગ્રીસનું વાતાવરણ અને ગ્રીસની વિચારસૃષ્ટિના વાહક છે. એમની રચનાઓમાં જે શબ્દચિત્રો અને કલ્પનાર્દશ્યો આવે છે તે ગ્રીસની પ્રકૃતિ અને પરંપરાના ફલક પર કંડારાયેલાં હોય છે : મુક્ત ઊછળતો સાગર, સોનેરી તડકો, ઑલિવ વૃક્ષો – બધું જ જાણે ગ્રીસનું વાતાવરણ ! આ એકાંતપ્રિય અને અપરિણીત કવિએ નવરાશના સમયે ઘરે રહી ચિત્રકામ અને કોલાજ કરવાનો શોખ કેળવ્યો છે. એમના શોખનું, કહો કે આવડતનું, સીધું પરિણામ એમની ચિત્રાત્મક કાવ્યપંક્તિઓ છે. નાજુક સંવેદનાના આ કવિને નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા તે પૂર્વે તેઓ અલ્પખ્યાત હતા.

ધીરુ પરીખ