ઈરાની કપ : આશરે રૂ. 2,000/-ની કિંમતનો સેન્સર ઍન્ડ કંપનીએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડના માનાર્હ ખજાનચી (1948-67), ઉપપ્રમુખ (1963-65) અને પ્રમુખ (1966-69) જાલ રુસ્તમ ઈરાનીની સ્મૃતિમાં આપેલો આ કપ રાષ્ટ્રીય વિજેતા અને શેષ ભારત વચ્ચેની રમતના વિજેતાને અર્પણ થાય છે. શેષ ભારતની પસંદગી ભારતીય વરણી સમિતિ કરે છે. પ્રથમ રમત 1959-60માં રણજી ટ્રૉફીની રજતજયંતી ઉજવણીના ભાગરૂપ દિલ્હી ખાતે યોજાઈ અને મુંબઈનો પહેલા દાવની સરસાઈથી વિજય થયો. રમત જૂના ખેલાડીઓના લાભાર્થે 1964-65 સુધી મોસમ-સમાપ્તિ ટાણે યોજાતી હતી. વિદેશના પ્રવાસ પૂર્વે યોજાતી ઈરાની કપની સ્પર્ધામાં ખેલાડીનો દેખાવ એની ભારતીય ટીમની પસંદગી માટે મહત્વનો બની રહે છે. 2007–08ના વિજેતા દિલ્હીની ટીમને 2008-09માં શેષ ભારત(rest of India)ની ટીમે પરાજય આપ્યો હતો. એ પછી 2009માં મુંબઈ અને રેસ્ટ ઑફ ઇન્ડિયાની મૅચ અનિર્ણીત રહી હતી પણ શેષ ભારતની ટીમે પ્રથમ દાવની સરસાઈને કારણે એને વિજેતા જાહેર કરવામાં આવી હતી. 2010-11 અને 2011-12માં શેષ ભારતની ટીમે અનુક્રમે મુંબઈ અને રાજસ્થાનની રણજી ટ્રૉફી મૅચને પરાજય આપ્યો હતો. 2012-13માં પણ શેષ ભારતની ટીમે મુંબઈની ટીમને પરાજય આપીને ઇરાની કપ જાળવી રાખ્યો.
આણંદજી ડોસા