ઈરાની, સ્મૃતિ (જ. 23 માર્ચ, 1976, નવી દિલ્હી) : ભારત સરકારમાં હાલ મહિલા અને બાળવિકાસ તથા લઘુમતી બાબતોના મંત્રી. લઘુમતી બાબતોના મંત્રી તરીકે પ્રથમ બિનમુસ્લિમ મંત્રી. હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ. અગાઉ વાજપેયી અને પ્રમોદ મહાજન જૂથમાં સામેલ હતાં. મે, 2019થી અમેઠીના સાંસદ. પ્રસિદ્ધ ટેલિવિઝન અભિનેત્રી, ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી’ નામની હિંદી ધારાવાહિકથી ભારતમાં ઘરે ઘરે ‘તુલસી’ તરીકે લોકપ્રિયતા મેળવી.

પિતા પંજાબી અજય કુમાર મલ્હોત્રા અને માતા બંગાળી શિવાની બાગ્ચી. તેમના કહેવા મુજબ, તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની શાખા સાથે બાળપણથી સંબંધ ધરાવે છે. તેમના દાદા સંઘના સ્વયંસેવક હતા અને માતા જનસઘના સભ્ય હતા. પ્રાથમિક શિક્ષણ કૅથલિક નન દ્વારા સંચાલિત નવી દિલ્હીની હોલી ચાઇલ્ડ ઓક્ઝિલમ સ્કૂલમાં મેળવ્યું. દિલ્હી યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ઓપન લર્નિંગમાં પ્રવેશ મેળવ્યો. બી. કૉમનો અભ્યાસ શરૂ કર્યો પણ પૂર્ણ ન કર્યો.

વર્ષ 1998માં મિસ ઇન્ડિયામાં એક સ્પર્ધક, પણ ટોપ 9માં પહોંચી શક્યાં નહીં. વર્ષ 2000માં સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી ‘આતિશ’ અને ‘હમ હૈ કલ આજ ઔર કલ’ નામની ધારાવાહિકોમાં કામ કરીને અભિનયના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. વર્ષ 2000ની મધ્યમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત અને એકતા કપૂરના નિર્માણમાં બનેલી અતિ સફળ ધારાવાહિક ક્યોંકી સાસ ભી કભી બહૂ થીમાં તુલસી વીરાણીનું પાત્ર ભજવી અતિ લોકપ્રિયતા મેળવી, જે માટે સતત પાંચ આઇટીએ ઍવૉર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ પોપ્યુલર અને ચાર ઇન્ડિયન ટેલિ ઍવૉર્ડ મળ્યાં.

વર્ષ 2003માં ભારતીય જનતા પક્ષ(ભાજપ)માં સામેલ થયાં. વર્ષ 2004માં મહારાષ્ટ્રની યુવા પાંખના ઉપપ્રમુખ તરીકે નિમણૂક. વર્ષ 2004માં 14મી લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં ચાંદની ચોક બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર કપિલ સિબ્બલ સામે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં. પણ પરાજય થયો. ડિસેમ્બર, 2004માં ઈરાનીએ ગુજરાતનાં સુરતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના પરાજય માટે જવાબદાર ઠેરવ્યા અને તેઓ રાજીનામું ન આપે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરીને રાજકીય વર્તુળોમાં મોટો આંચકો આપ્યો. જોકે 24 કલાકની અંદર તેમણે જાહેરાત પાછી ખેંચી. પછી નરેન્દ્ર મોદી સાથે સમાધાન કરી લીધું.

વર્ષ 2010ની શરૂઆતમાં ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકે નિમણૂક થઈ અને 24 જૂનના રોજ ભાજપની મહિલા પાંખ બીજેપી મહિલા મોરચાના અખિલ ભારતીય પ્રમુખ બન્યાં. બીજેપી મહિલા પાંખના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે તેમણે ભારતીય સેનામાં મહિલાઓ માટે કાયમી નિમણૂકની માગ કરી અને કામચલાઉ ભારતીય સેનામાં કાર્યરત મહિલા અધિકારીઓને કાયદાકીય સલાહ આપીને આંદોલન કર્યું.

ઓગસ્ટ, 2011માં ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બન્યાં. લોકસભાની વર્ષ 2014ની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી સામે ચૂંટણી લડ્યાં. તેમાં તેનો 1,07,923 મતોથી પરાજય થયો. જોકે 26 મે, 2014ના રોજ નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં કેન્દ્રીય માનવસંસાધન વિકાસ મંત્રી બન્યાં. તેઓ નરેન્દ્ર મોદી મંત્રીમંડળના સૌથી નાની ઉંમર ધરાવતાં મંત્રી બન્યાં. વર્ષ 2016માં હૈદરાબાદ યુનિવર્સિટીમાં એક દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાના આત્મહત્યા પછી વિવાદ ઊભો થયો. જૂન, 2016માં છ નવી યુનિવર્સિટીઓમાં નવા યોગ વિભાગ શરૂ કરવાની જાહેરાત કરી. માનવસંસાધન વિકાસ મંત્રી તરીકેના કાર્યકાળમાં એન્જિનિયરિંગ કૉલેજોમાં યુવતીના ઓછા પ્રવેશની સમસ્યાનું સમાધાન કરવા ઉડાન યોજના અને પ્રગતિ યોજના શરૂ કરી હતી. જુલાઈ, 2016માં મંત્રીમંડળના પુનર્ગઠનમાં માનવ સંસાધન વિકાસ મંત્રી તરીકે તેમને દૂર કરવામાં આવ્યાં તથા કપડા મંત્રી બનાવવામાં આવ્યાં. જુલાઈ, 2017માં માહિતી અને પ્રસાર મંત્રાલયની વધારાની જવાબદારી સુપરત થઈ.

મંત્રી બન્યાં પછી અંડરગ્રૅજ્યુએટ ડિગ્રીનો વિવાદ ઊભો થયો, જેમાં ઈરાની પર વિવિધ ચૂંટણીઓ દરમિયાન તેમની શૈક્ષણિક લાયકાતો વિશે વિરોધભાસી સોગંદનામું દાખલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો. વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીની ઉમેદવારી દરમિયાન તેમણે વિનયન શાખામાં સ્નાતકની પદવી દિલ્હી યુનિવર્સિટીમાંથી મેળવ્યાનો દાવો કર્યો હતો. પણ વર્ષ 2011માં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી અને વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં તેમણે વાણિજ્ય શાખામાં સ્નાતક હોવાનું સોગંદનામું રજૂ કર્યું હતું. દિલ્હી યુનિવર્સિટીએ ડિગ્રીનો રેકૉર્ડ મળતો નથી એવી રજૂઆત કરી હતી.

લોકસભાની વર્ષ 2019માં સ્મૃતિ ઈરાનીએ ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પરથી જ ફરી ચૂંટણી લડી. આ ચૂંટણીમાં મોટો ઊલટફેર થયો અને તેમણે કૉંગ્રેસના ગાંધીપરિવારના વારસ રાહુલ ગાંધીને 55,120 મતોના અંતરથી હાર આપી. આ વિજય પછી લોકસભામાં પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવ્યું, જે ભાજપમાં તેમના વધતા દબદબાનો સંકેત આપે છે. વળી અમેઠીમાં “દીદી આપકે દ્વાર પે” કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં તાલુકામુજબ જનતા દરબાર ભરવામાં આવે છે અને જનતાની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે છે. અમેઠીમાં ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી પ્રથમ 3 મહિનાની અંદર કેન્દ્રીય વિદ્યાલય સ્થાપિત કરવાનું વચન પાળ્યું હતું.

વર્ષ 2015માં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ (ડબલ્યુઇએફ) દ્વારા ભારતમાંથી યંગ ગ્લોબલ લીડર તરીકે સ્થાન મળ્યું. વર્ષ 2019માં અમેઠીમાં વિજય મેળવવા બદલ તેમને “વિમેન હૂ ચેન્જ્ડ ધ ગેમ” થીમ અંતર્ગત ફેમિનાના પાવર લિસ્ટમાં સ્થાન મળ્યું.

વર્ષ 2021માં વેસ્ટલેન્ડ પબ્લિશર્સ દ્વારા તેમની પ્રથમ નવલકથા ‘લાલ સલામ’ પ્રકાશિત થઈ, જે એપ્રિલ, 2010માં દાંતેવાડામાં થયેલા માઓવાદી હુમલા અને તેમાં કેન્દ્રીય પોલીસ દળોની ભૂમિકા પર પ્રેરિત છે.

કેયૂર કોટક