ઈરાની, અરુણા (જ. 3 મે 1952, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિ તથા ચલચિત્રની જાણીતી અભિનેત્રી. જૂની ગુજરાતી રંગભૂમિ સાથે વર્ષોથી સંકળાયેલ જાણીતા ઈરાની પરિવારના સભ્ય તેમજ લક્ષ્મીકાન્ત નાટક સમાજ અને દેશી નાટક સમાજના એક સમયના સંચાલક ફરેદુન ઈરાનીનાં પુત્રી. અભિનયની કારકિર્દી જૂની ગુજરાતી રંગભૂમિથી બાળપણથી જ આરંભેલી.

1960ના દાયકામાં હિંદી ચલચિત્રોમાં મુખ્યત્વે સહાયક પાત્રોમાં અભિનય આપવાનું શરૂ કર્યું. ‘જવાબ’, ‘ગરમ મસાલા’ જેવી તે સમયની અનેક હિંદી સિનેકૃતિઓ તેમના આ ગાળાના અભિનયનું પ્રતિનિધિત્વ કરે છે. ‘બેઇમાન’ જેવી મનોજકુમાર દ્વારા અભિનીત સફળ કૃતિમાં તેમજ અન્ય સિનેકૃતિઓમાં તેમણે સહાયક તો ક્યારેક ખલનાયિકા જેવી ભૂમિકાઓ ભજવીને હિંદી સિનેક્ષેત્રે પોતાનું ચોક્કસ સ્થાન પ્રાપ્ત કર્યું. આ ગાળાની ‘બૉમ્બે ટૂ ગોવા’ નામની હિંદી ફિલ્મમાં તેમણે અમિતાભ બચ્ચન સાથે નાયિકાની ભૂમિકા પણ કરી.

અરુણા ઈરાની

તેમની અભિનયશક્તિ પ્રતિષ્ઠિત નિર્માતા-દિગ્દર્શક રાજકપૂરે પારખીને આર. કે. ફિલ્મ્સની સફળ કૃતિ ‘બૉબી’(1973)માં તેમને નાની પણ મહત્વની ભૂમિકા આપી. એમાં પ્રાણ પૂરીને અરુણાએ પોતાના સંવેદનશીલ અભિનયની ક્ષમતા અને પાત્રની ઊંડી સમજની પ્રતીતિ કરાવી. ‘ટૅક્સી-ટૅક્સી’ નામની ઓછામાં ઓછા બજેટવાળી સિનેકૃતિમાં અમોલ પાલેકર જેવા સમર્થ અભિનેતા સાથે નાની પણ મહત્વની ભૂમિકાને ન્યાય આપીને તેમણે ફરી એક વાર પોતાના અભિનયનો પ્રભાવ દર્શાવ્યો.

સિત્તેર પછીના ગાળામાં ગુજરાત સરકારે કરમુક્તિની નીતિ અપનાવી અને ગુજરાત રાજ્યમાં પ્રાદેશિક ગુજરાતી ચલચિત્રની પ્રવૃત્તિ સક્રિય બનીને વૃદ્ધિ પામી ત્યારપૂર્વે અને ત્યારબાદ ગુજરાતી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો. તેમાં ‘પાનેતર’ (1964), ‘ગુજરાતણ’ (1965), ‘વિધિના લેખ’ (1969), ‘સંતુ રંગીલી’ (1975), ‘મારી હેલ ઉતારો રાજ’ (1977), ‘રંગીલી ગુજરાતણ’ (1979), ‘જોગ-સંજોગ’ (1981), ‘વેરનાં વળામણાં’, ‘કંચન અને ગંગા’ વગેરે ફિલ્મો મુખ્ય ગણાય.

‘સંતુ રંગીલી’ મૂળ જ્યૉર્જ બર્નાર્ડ શૉની જાણીતી નાટ્યકૃતિ ‘પિગ્મેલિયન’ના સિને રૂપાન્તર ‘માય ફૅર લેડી’નું ગુજરાતી સિને રૂપાન્તર હતું. અહીં રસ્તે ફૂલ વેચનારીમાંથી સંતુના પાત્રનું એક સંસ્કારી કવિહૃદયવાળી ગુજરાતી સન્નારીમાં થતું રૂપાન્તર તેમણે પોતાની અભિનયશક્તિની મર્યાદામાં રહીને દર્શાવવાનો સન્નિષ્ઠ પ્રયાસ કર્યો.

‘પાનેતર’માં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી; ‘ગુજરાતણ’, ‘વિધિના લેખ’, ‘સંતુ રંગીલી’, ‘મારી હેલ ઉતારો રાજ’માં શ્રેષ્ઠ અભિનેત્રી અને ‘રંગીલી ગુજરાતણ’ તથા ‘જોગ-સંજોગ’ માટે શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રીના રાજ્યકક્ષાના પુરસ્કારો તેમને પ્રાપ્ત થયા છે. 1985ના વર્ષમાં ગુજરાત રાજ્ય ચલચિત્ર વિકાસ નિગમની સ્થાપના થઈ ત્યારે તેમની નિગમના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સમાં નિયુક્તિ કરવામાં આવી હતી. તેમના બે ભાઈઓ ફીરોઝ ઈરાની અને અદી ઈરાની પણ ગુજરાતી અને હિંદી સિનેક્ષેત્રે અભિનય કરી રહ્યા છે. તેમણે ટીવી. શ્રેણીમાં પણ કામ કર્યું છે. તેમને વર્ષ 1985માં ‘વેર, પ્યાર ઔર પાપ’ નામની ફિલ્મના અભિનય માટે તથા વર્ષ 1993માં ‘બેટા’ ચલચિત્ર માટે ફિલ્મફેર દ્વારા સર્વોત્કૃષ્ટ સહાયક અભિનેત્રીના ઍવૉર્ડ એનાયત થયા છે. વર્ષ 2012માં તેમને ફિલ્મફેર દ્વારા જીવનગૌરવ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ઉષાકાન્ત મહેતા