ઈમલ્ઝન : પરસ્પર અદ્રાવ્ય બે અથવા વધુ પ્રવાહીઓનું મિશ્રણ; જેમાં એક પ્રવાહી બીજામાં અતિસૂક્ષ્મ બિન્દુ-સ્વરૂપે પરિક્ષિપ્ત (dispersed) થયેલ હોય એવી પ્રણાલી. મોટા ભાગનાં ઈમલ્ઝનોમાં પાણી એક પ્રવાહી તરીકે ઉપયોગમાં લેવાતું હોઈ ઈમલ્ઝનોને બે વિભાગમાં વહેંચી શકાય. (i) તેલ-પાણીમાં (oil-in-water, o/w); દા. ત., દૂધ. (ii) પાણી-તેલમાં (water-in-oil, w/o); દા. ત., માખણ.

ઈમલ્ઝન પાણી સિવાયનાં દ્રાવકમાં પણ શક્ય છે. ઈમલ્ઝનમાંના અખંડકલા (continuous phase)રૂપ પ્રવાહીને પરિક્ષેપણ માધ્યમ (dispersion medium) અને તેમાં રહેલ અતિસૂક્ષ્મ બિન્દુઓને પરિક્ષિપ્ત કલા (dispersed phase) કહે છે. બે પ્રવાહી વચ્ચેના આંતરપૃષ્ઠીય તણાવ(interfacial tension)ને ઘટાડવાથી ઈમલ્ઝન વધુ સ્થાયી બને છે. આવા પ્રકારની લાક્ષણિકતા ધરાવનાર પદાર્થોને પાયસીકારકો (emulsifiers) કહેવામાં આવે છે. સોડિયમ અને પોટૅશિયમના જલદ્રાવ્ય સાબુઓ o/w અને કૅલ્શિયમના જલ અદ્રાવ્ય સાબુઓ w/o ઈમલ્ઝનને સ્થાયી કરી શકે છે. આ દ્રવ્યોના અણુમાં છેડે ધ્રુવીય સમૂહો ધરાવતી પૅરેફિન શૃંખલા હોય છે. કેટલાક ઘન પદાર્થો પણ ભૂકા રૂપે ઈમલ્ઝનને સ્થાયિતા બક્ષે છે; દા. ત., ગંધક o/w માટે તથા મેશ w/o માટે. દૂધ અને રબરક્ષીર(rubber latex)ને પ્રોટીન પદાર્થો સ્થાયિતા બક્ષે છે. ગુંદર અને જિલેટિન જેવા જલ-આકર્ષક (hydrophilic) પદાર્થો w/o ઈમલ્ઝનને સ્થિર કરવા માટે ઉપયોગી છે.

ભૌમિતિક ર્દષ્ટિએ કોઈ પણ પ્રવાહી તેના 74 % જેટલા કદમાં બીજા પ્રવાહીનાં બિંદુઓને (ત્રિજ્યાને ગણનામાં લીધા વગર) સમાવી શકે. જોકે આનાથી વધુ સાંદ્ર ઈમલ્ઝન પણ મેળવી શકાય છે. ક્રીમ (શૃંગારસાધનો cosmetics તથા ઔષધોમાં વપરાતું) આ પ્રકારનું ઈમલ્ઝન છે.

ઈમલ્ઝનનો પ્રકાર જાણવા નીચે પ્રમાણેની કસોટીઓ ઉપયોગી છે : (i) o/wની વિદ્યુતવાહકતા w/oની વિદ્યુતવાહકતા કરતાં વધારે હોય છે. (ii) મિથાઇલ ઑરેન્જ જેવો જલદ્રાવ્ય રંગક o/w ઈમલ્ઝનમાં નાખતાં સમગ્ર ઈમલ્ઝન રંગીન બને છે. w/oમાં આમ થતું નથી. તૈલદ્રાવ્ય રંગકનો ઉપયોગ કરતાં ઊલટું જોવા મળે છે. (iii) કોઈ પણ ઈમલ્ઝનમાં પરિક્ષેપણ માધ્યમ ઉમેરતાં તે તેમાં પૂરેપૂરું ભળી જાય છે; દા. ત., o/wમાં પાણી ઉમેરતાં તે ઈમલ્ઝનમાં ભળી જાય છે.

પ્રવાહીઓના મિશ્રણને સતત હલાવવાથી અથવા તેમના ઉપર ઊંચી તીવ્રતાવાળા પરાશ્રવ્ય (ultrasonic) તરંગોની અસરથી ઈમલ્ઝન મેળવી શકાય છે. આ માટે ઉદ્યોગમાં વિશિષ્ટ પ્રકારનાં સાધનો વપરાય છે. ઈમલ્ઝનની સ્થાયિતાનો આધાર તેમને હલાવવાની પદ્ધતિ, બિન્દુઓનું કદ, વિતરણનું પ્રમાણ, પ્રવાહીઓની પ્રકૃતિ તેમજ તાપમાન ઉપર રહેલ છે.

ઉદ્યોગમાં બિનજરૂરી ઈમલ્ઝનનું વિઘટન જરૂરી બને છે. સામાન્ય રીતે પરિક્ષિપ્ત કલાનાં બિન્દુઓ વીજભાર ધરાવતાં હોય છે. આ વીજભારથી વિરુદ્ધ પ્રકારનો વીજભાર ધરાવતાં આયનો ઉમેરવાથી બિન્દુઓના વીજભારનું તટસ્થીકરણ થાય છે. બિન્દુઓ જોડાઈને મોટાં બિન્દુઓ બનીને છેવટે પ્રવાહી અલગ પડે છે; દા. ત., સાબુ અને આલ્કલીથી સ્થિર થયેલ ઈમલ્ઝનમાં ઍસિડ ઉમેરવાથી ઈમલ્ઝનનું વિઘટન કરી શકાય છે. આ ઉપરાંત હિમીકરણ(freezing)થી, ગરમ કરીને, અવિક્ષિપ્ત રાખીને, અપકેન્દ્રણ(contrifuging)થી ઊંચા દબાણવાળા પ્રત્યાવર્તી વીજક્ષેત્રથી અને ઓછી તીવ્રતાવાળા પરાશ્રવ્ય તરંગોથી પણ આ પરિણામ લાવી શકાય છે.

ઈમલ્ઝન ઘણાં ક્ષેત્રોમાં ઉપયોગી છે. ચામડું કમાવવામાં, કુદરતી અને સંશ્લેષિત રબર-ઉદ્યોગમાં, પ્લાસ્ટિક-ઉદ્યોગમાં, ઔષધ અને શૃંગારસાધન-ઉદ્યોગમાં, ડિસ્ટેમ્પર અને પેઇન્ટ-ઉદ્યોગમાં અને ડેરી ઉદ્યોગમાં ઈમલ્ઝન ટૅકનિક ઉપયોગમાં લેવામાં આવે છે. ખનિજ-તેલના કૂવામાંથી મળતું તેલ ઈમલ્ઝનરૂપ હોય છે. આ ઈમલ્ઝનનું વિઘટન કરીને પાણી અલગ કરવું આવશ્યક છે.

પ્રવીણસાગર સત્યપંથી