ઈક્લિસ, જ્હૉન (સર) (જ. 27 જાન્યુઆરી 1903, મેલબૉર્ન; અ. 2 મે 1997 ટીનીરો કોન્ટ્રા, સ્વીટર્ઝલેન્ડ) : ઑસ્ટ્રેલિયાના શરીરક્રિયાવિદ સંશોધક (રિસર્ચ ફિઝિયૉલૉજિસ્ટ). ફિઝિયૉલૉજી-મેડિસીન શાખાના નોબેલ પારિતોષિક(1963)ના વિજેતા. એલન હોજિકન અને ઍન્ડ્ર્યૂ હકલે તેમના સહવિજેતાઓ હતા. તેમનો વિષય હતો ચેતાકોષોના આવેગોનું સંચરણ (communication) અને નિગ્રહણ (repression) કરતા રાસાયણિક દ્રવ્યનું સંશોધન. તેમણે ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી, કૅનબેરામાં (1951-66) સંશોધનકાર્ય કરેલું. તેમણે ACh-એસિટિલ કોલીન નામનું દ્રવ્ય શોધ્યું હતુ. એક ચેતાકોષમાંથી અંતર્ગ્રથન (synapse) દ્વારા બીજા ચેતાકોષમાં આવેગ પ્રવેશે ત્યારે ACh બીજા કોષને કેવી રીતે ઉત્તેજિત કરે છે તે તેમણે શોધ્યું હતુ. ઈક્લિસ તથા તેમના બંને સાથીઓએ AChનું દ્રવ્ય કેટલાંક ચેતાકીય દર્દો પરની ચિકિત્સામાં અસરકારક છે તેમ જણાવ્યું હતુ. એ સંશોધનથી મૂત્રપિંડ, હૃદય અને મગજનાં કાર્યો પરનું સંશોધન સરળ બન્યું. તેમણે ચેતાકોષની કલા(membrane)ના મધ્ય તથા બહારના ભાગનું ઉત્તેજન તથા નિગ્રહણ કરતા દ્રવ્યની આયનીય વિધિ(ionic mechanism)નું પણ સંશોધન કર્યું હતું.
હરિત દેરાસરી