ઈ. કોલિ (Escherichea coli) : ઑક્સિજનની ગેરહાજરીમાં અવાયુજીવન પસાર કરનાર ગ્રામ-ઋણી (gramnegative) ઍન્ટેરોબૅક્ટેરિયેસી કુળના દંડાકાર બૅક્ટેરિયાની એક જાત. સૂક્ષ્મજીવવિજ્ઞાની ઇશેરિકે આ સૂક્ષ્મજંતુઓને સૌપ્રથમ ઈ. સ. 1885માં બાળકોના મળમાં જોયા. તંદુરસ્ત મનુષ્યનાં આંતરડાંમાં તે હજારોની સંખ્યામાં જોવા મળે છે. સામાન્યપણે તે અરોગકારક (non-pathogenic) હોય છે. અજારક શ્વસનથી તે ગ્લુકોઝ જેવાં કાર્બોદિતોનું વિઘટન કરીને તેમને કાર્બનિક ઍસિડ પદાર્થો અને કાર્બન-ડાયૉક્સાઇડમાં ફેરવે છે. સામાન્યપણે તે દ્વિભાજન કે સંયુગ્મન(conjugation)થી પ્રજનન કરે છે. નવજાત શિશુ અને બાળકોનાં આંતરડાંમાં તે પ્રવેશતાં ઝાડા-ઊલટીનો રોગ પેદા થાય છે. જનીનવિદ્યાના અભ્યાસમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાણી પીવાલાયક છે કે પ્રદૂષિત તેનો નિર્ણય પાણીમાં આવેલા ઈ. કોલિની સંખ્યાના પ્રમાણ પરથી કરવામાં આવે છે.

પ્રમોદ રતિલાલ શાહ