ઈઓસિનરાગી કોષ-સંલક્ષણ (eosinophilic syndrome) : લોહીમાંના ઈઓસિનરાગી શ્વેતકોષો(ઈઓસિનકોષો)ની અધિકતા દર્શાવતા વિકારો. વિષમોર્જા (allergy) તથા અન્ય પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ(immune response)ના સમયે પેશીમાં તથા ઘણી વખત લોહીમાં ઈઓસિનકોષોનું પ્રમાણ વધે છે. લોહીમાં સામાન્યત: તેમની સંખ્યા 100-700/ડેસી લિ. અથવા કુલ શ્વેતકોષોના 3 %થી 8 % જેટલી હોય છે. જો આ સંખ્યા વધીને 2,000/ડેસી. લિ. થાય તો તેવો વધારો મધ્યમસરનો ગણાય છે અને જો તે 50,000/ડેસી. લિ.થી વધુ હોય તો તેને અતિશય વધારો કહે છે. ઈઓસિનકોષોની સંખ્યાવૃદ્ધિને અતિ-ઈઓસિનકોષિતા અથવા ઈઓસિનકોષિતા (eosinophilia) કહે છે.
તટસ્થ શ્વેતકોષો(neutrophils)ની માફક ઈઓસિનકોષો કોષભક્ષણ(phagocytosis)નું કાર્ય કરે છે. ઍલર્જી (વિષમોર્જા) તથા અન્ય પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ સમયે તેમનું કાર્ય શું છે તે સ્પષ્ટ થયું નથી. તે કાં તો બહુકોષીય પરોપજીવીઓ સામે કામ કરતો મારકકોષ છે અથવા તો તે પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ રૂપે થતા શોથ(inflammation)ના બિનજરૂરી પ્રમાણ તથા વિસ્તારને અટકાવતો કોષ છે. તેની સંખ્યાવૃદ્ધિ થાય ત્યારે તેના ઈઓસિનરાગી કણો(granules)માંની પ્રોટીનપેશીને તે નુકસાન પહોંચાડે છે. તેને ગૉર્ડનની ઘટના કહે છે. ઈઓસિનકોષી સંલક્ષણોમાં થતું વિવિધ પેશીનું નુકસાન તથા દમ જેવા પ્રતિરક્ષાલક્ષી વિકારના દર્દીઓમાં થતું શ્વસનિકાઓ(bronchioles)નું નુકસાન આવા જ પ્રકારનું હોય છે. પ્રતિજન(antigen)ની હાજરી જેમ એક બાજુ પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ સર્જે છે તેમ તે બીજી બાજુ અસ્થિમજ્જામાં ઈઓસિનકોષોનું ઉત્પાદન વધારે છે (જુઓ આકૃતિ તથા ‘અસ્થિમજ્જા’.)
કોઈ પણ કારણ વગરની સતત ચાલુ રહેતી ઈઓસિનકોષોની સંખ્યાવૃદ્ધિ પેશીઓને નુકસાન પહોંચાડે છે તથા ઈઓસિનકોષિતાના વિકારો સર્જે છે. આ એક અજ્ઞાતમૂલ મજ્જા-અતિવૃદ્ધિ(idiopathic myeloproliferative)નો વિકાર છે. હૃદયના અંદરના પડ (endocardium) તથા તેની નીચેના હૃદ્-સ્નાયુમાં ઈઓસિનકોષોનો ભરાવો થાય ત્યારે લોફલરની અંત:હૃદ્-સ્નાયુ રુગ્ણતા (endomyocardiopathy) કહે છે. ઈઓસિનકોષોના ભરાવાને કારણે યકૃત અને બરોળ મોટાં થાય છે અને તેમના કાર્યમાં વિક્ષેપ પડે છે. ચેતાતંત્ર(nervous system)માં તેમનો ભરાવો થાય ત્યારે માનસિક ગૂંચવણ (confusion), ભ્રાંતિ (delusion), તીવ્ર મનોવિકાર (psychosis), ગાઢ બેભાનાવસ્થા (coma), પક્ષાઘાત (લકવો-paralysis) તથા વિવિધ ચેતાઓના કાર્યમાં વિક્ષેપ વગેરે વિકારો જોવા મળે છે. જ્યારે જુદી જુદી પેશીઓમાં ઈઓસિનકોષોનો ભરાવો થાય ત્યારે ઝાડા, પેટનો દુખાવો, અપશોષણ જેવા જઠર અને આંતરડાંના વિકારો, શ્વસનકાર્યના વિકારો, શીળસ, વાહિનીશોથ (angioedema) જેવા ચામડી અને શ્લેષ્મકલા(mucosa)ના વિકારો થાય છે. આવા વિકારો ઉપરાંત લોહીમાં ઈઓસિનકોષોનું પ્રમાણ સતત 6 મહિના સુધી કે તે પહેલાં મૃત્યુ થાય તો ત્યાં સુધી 1,500/ડેસી. લિ. રહે તો ઈઓસિનકોષ-સંલક્ષણનું નિદાન કરાય છે. વિવિધ અવયવો અસરગ્રસ્ત બને તે પછીનું સરેરાશ જીવન 9 મહિના જેટલું જ થઈ જાય છે. કોર્ટિકોસ્ટિરૉઇડ અને હાઇડ્રૉક્સિયૂરિયા નામનાં ઔષધો કેટલાક દર્દીઓને રાહત આપે છે. લોહીમાં ઈઓસિનકોષની શ્રેણીના અપક્વ કોષો જોવા મળે તો તેને ઈઓસિનકોષી રુધિરકૅન્સર (leukaemia) કહે છે. ઈઓસિનકોષિતાની અધિકતાના કારણે ઘણી વખત ઈઓસિનકોષી જઠરાંત્રશોથ (gastroenteritis), જઠરની છદ્મગાંઠ (pseudotumour) અથવા જઠરનો શોથજન્ય સતંતુ મસો (inflammatory fibrous polyp) તથા વિવિધ અવયવોમાં ઈઓસિનકોષી શોથગંડિકાઓ (granulomas) જોવા મળે છે. આવી શોથગંડિકા સ્તનમાં તથા મેદસંગ્રહ(lipid storage)-રોગમાં પણ જોવા મળે છે. અંત:હૃદ્-સ્નાયુ-તંતુતા(endomyocardial fibrosis)માં હૃદયની અંદરની દીવાલ(અંત:હૃદ્-કલા)માં તથા તેની નીચેના સ્નાયુમાં ઈઓસિનકોષોનો ભરાવો થાય છે. તેનાથી ઉદભવતા હૃદયના વાલ્વના વિકારો અને હૃદયની કાર્ય-નિષ્ફળતા ઘણી વખત મૃત્યુનું કારણ બને છે.
ઔષધની ઍલર્જી, દમ, પરાગ-જ્વર (hay fever), કૃમિજન્ય રોગો વગેરે વિકારોમાં અતિસંવેદનશીલતા (hypersensitivity) અથવા ઍલર્જી(વિષમોર્જા)ને કારણે ઈઓસિનકોષિતા થાય છે. સ્ટ્રૅપ્ટોમાયસિન, ઍમિનોસેલિસિલિક ઍસિડ, ક્લોરડાયાઝેયૉક્સાઇડ, ક્યારેક ડિજિટાલિસ, હાઇડેન્ટોઇન જૂથની દવાઓ, આયોડિન, આઇસોનીઆઝીડ, કેનામાયસિન, નિયૉમાયસિન, મેથીમિઝોલ, ફિનોથાયાઝિન, પ્રોપાલિથાયોયુરેસિલ, સલ્ફોનેમાઇડ વગેરે ઔષધોના ઉપયોગ સાથે ઘણી વખત ઈઓસિનકોષિતા જોવા મળે છે. ગંડિકાકારી પરિધમનીશોથ (periarteritis nodosa), ઉગ્ર સજળસ્ફોટ (pemphigus), હોજિકનનો રોગ, ઓડિસનનો રોગ, આંતરડાંના શોથકારી વિકારો, દીર્ઘકાલી સક્રિય યકૃતશોથ (chronic active hepatitis), ડ્રેસલરનું સંલક્ષણ, સ્વાદુપિંડના કેટલાક રોગો, લાંબા ગાળા સુધી ચાલતું ડાયાલિસિસ (પારગલન), ઉષ્ણકટિબંધીય (tropical) ઈઓસિનકોષિતા, દીર્ઘકાલી મજ્જાબીજકોષી રુધિર-કૅન્સર (chronic myeloid leukaemia), મજ્જાતંતુતા (myelofibrosis), અજ્ઞાતમૂલ બહુરુધિરકોષિતા (polycythaemia vera) વગેરે બિનઍલર્જિક વિકારોમાં ઈઓસિનકોષોની સંખ્યાવૃદ્ધિ વિશેષ થાય છે. (ઈઓસિનકોષોની સંખ્યાવૃદ્ધિનો ‘અત્યધિક શ્વેતકોષી પ્રતિક્રિયા’માં પણ ઉલ્લેખ કર્યો છે.)
ઈઓસિનકોષોની સંખ્યાનો મધ્યમસરનો વધારો ઘણા ઍલર્જિક તથા બિન-ઍલર્જિક વિકારો સાથે સંકળાયેલો હોય છે : (સારણી 1)
સારણી 1 : લોહીમાં ઈઓસિનકોષોની અધિકતા સાથે સંકળાયેલા વિકારો
(I) | ઍલર્જી (અતિસંવેદનશીલતા); દા. ત., દમ, શીળસ, ઔષધોની ઍલર્જી વગેરે |
(II) | કેટલાક ચેપજન્ય રોગો |
(III) | પરોપજીવીજન્ય રોગો; દા. ત., હાથીપગો, સિસ્ટોસોમિયાસિસ, કૃમિ |
(IV) | ચામડીના રોગો; દા. ત., ખસ, ઍલર્જિક ત્વચાશોથ (dermatitis) |
(V) | ફેફસાંના રોગો (જુઓ ‘ઈઓસિનકોષિતા, ફેફસી’.) |
(VI) | સંધાનપેશીના રોગો; દા. ત., બહુધમનીશોથ (polyarteritis),
તીવ્ર આમવાતી સંધિશોથ (severe rheumatoid arthritis), જૉગ્રેન(Sjogren)નું સંલક્ષણ |
(VII) | કૅન્સર; દા. ત. લસિકાર્બુદ (lymphoma), હોજિકનનો રોગ, હાડકામાં
પ્રસરે તેવાં અવયવોનાં કેટલાંક કૅન્સર વગેરે |
(VIII) | પ્રતિરક્ષા-ઊણપ (immunodeficiency) રોગો |
(IX) | પ્રકીર્ણ |
અજ્ઞાતમૂલ પેશીકોષિતા (histiocytosis-X) નામના વિકારમાં રેટિક્યુલો – એન્ડૉથેલિયલ કોષોની સંખ્યાવૃદ્ધિ, ઈઓસિનકોષો તથા મહાકોષો(giant cells)ની ભરાવાવાળી શોથગંડિકા, પેશીકોષોનું ફીણકોષો(foam cells)માં રૂપાંતરણ થઈ લાંગરહાનના કોષોનું નિર્માણ, પીતઅર્બુદ (xanthemia) તથા તંતુતા (fibrosis) – એમ જુદા જુદા પ્રકારની પેશીવિકૃતિઓ (histopathology) થાય છે. તેના ત્રણ મુખ્ય પ્રકારો છે : (1) લેટર-સીવનો રોગ, (2) હૅન્ડ-શુલર-ક્રિશયનનો રોગ અને (3) ઈઓસિનકોષી અથવા લાંગરહાનકોષી શોથગંડિકા. આ ત્રણેય વિકારોમાં ઈઓસિનકોષી શોથગંડિકા સૌથી વધુ સૌમ્ય (benign) ગણાય છે. તે શિશુઓ, બાળકો અને યુવાનોમાં થાય છે. છોકરામાં તેનું પ્રમાણ વધુ છે. હાડકાના પોલાણમાંની મજ્જામાં સૌપ્રથમ કોષવૃદ્ધિ થાય છે. તે આસપાસના હાડકાના ઘટ્ટ બાહ્યક(cortex)ને કોરી કાઢે છે. આમ એક અથવા વધુ અસ્થિલક્ષી (osteolytic) ગાંઠો ઉત્પન્ન થાય છે. બાળવયે લાંબાં અને મોટી ઉંમરે ચપટાં હાડકાં અસરગ્રસ્ત બને છે. સ્થાનિક સોજો, ક્યારેક દુખાવો, થોડો તાવ, રોગજન્ય અસ્થિભંગ તથા લોહીમાં ઈઓસિનકોષિતા તેનાં મુખ્ય લક્ષણો છે. ઘણા કિસ્સામાં શોથગંડિકામાં લાંબા સમય સુધી કોઈ ફેરફાર થતો નથી. જોકે સમય જતાં ઈઓસિનકોષોને સ્થાને તંતુતા થાય છે અને પેશીકોષોમાં મેદનો ભરાવો થાય છે. એકાદ ગાંઠને શસ્ત્રક્રિયા અને/અથવા વિકિરણ-ચિકિત્સા(radiotherapy)થી કાબૂમાં લઈ શકાય છે. અનેક ગાંઠો થઈ હોય ત્યારે સ્ટિરૉઇડ જૂથનાં અને મિથોટ્રેક્ઝેટ અને વિનબ્લાસ્ટિન જેવાં કૅન્સરવિરોધી ઔષધો વડે રાહત મેળવાય છે. તેનાથી એકાકી ગાંઠમાં અપાતી સારવારનું પરિણામ સારું આવે છે.
શિલીન નં. શુક્લ