ઈઓસિનકોષિતા, ફેફસી

January, 2002

ઈઓસિનકોષિતા, ફેફસી : ઉષ્ણ કટિબંધમાં હાથીપગાના જંતુના ઍલર્જન સામેની અતિસંવેદનશીલતા અથવા અતિપ્રતિગ્રહ્યતા-(hypersensitivity)થી થતો ફેફસાંનો ઍલર્જિક વિકાર. તેને ઉષ્ણકટિબંધીય ઈઓસિનકોષિતા (tropical eosinophilia) પણ કહે છે. છેલ્લાં 50 વર્ષો દરમિયાન તે એક સ્વતંત્ર વિકાર તરીકે સ્વીકારાયો છે. પરોપજીવી જંતુના વિષમોર્જન (allergen) સામેનો પ્રતિભાવ સમગ્ર શરીરને તથા ખાસ કરીને ફેફસાંને અસર કરે છે. તેને કારણે વારંવાર દિવસે તથા મધ્યરાત્રિએ ઉધરસ આવે છે, શ્વાસ ચઢે છે, થાક લાગે છે, સ્નાયુ કળે છે, ધીમો તાવ આવે છે, શીળસ તથા ખૂજલી ઊપડે છે, ક્યારેક લસિકાગ્રંથિઓ (lymph nodes) તથા બરોળ અને યકૃત (liver) મોટાં થાય છે. લોહીમાં ઈઓસિનકોષોનું પ્રમાણ વધે છે (3,000/ડેસી લિ.) અને ગળફામાં ઈઓસિનકોષો દર્શાવી શકાય છે. આવા મોટાભાગના દર્દીઓ ભારતમાં નોંધાયા છે. ગુજરાતમાં તેમની સંખ્યા અધિક છે. મહારાષ્ટ્ર, કેરળ, તમિળનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ તથા ઉત્તર પ્રદેશમાં તેમજ શ્રીલંકા, સિંગાપુર, મલેશિયા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, વિયેટનામ તથા આફ્રિકામાં પણ આ રોગ નોંધાયેલો છે. બધી ઉંમરનાં સ્ત્રી-પુરુષોમાં તે થાય છે, પરંતુ 20-30 વર્ષના પુરુષોમાં તેનું પ્રમાણ વધુ હોય છે. ડબ્લ્યૂ. બેનક્રોફટી તથા બી. મલાયી – એમ બંને પ્રકારના હાથીપગાના જંતુઓ (પરોપજીવીઓ) વ્યાધિ ઉત્પન્ન કરે છે. તેમની સામે પ્રથમ, તૃતીય તેમજ ચતુર્થ પ્રકારના પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવો ઉત્પન્ન થાય છે. (જુઓ આરોગ્ય અને રોગપ્રતિરોધ.) તેથી લોહીમાં IgEનું પ્રમાણ વધે છે અને તેથી હાથીપગાના જંતુના ઍલર્જનની હાજરી સૂચવતી પ્રતિરક્ષાપૂરક-સ્થાપન કસોટી (complement fixation test) વિધેયાત્મક પરિણામ દર્શાવે છે. આ બંને પ્રકારના જંતુઓ કેટલાકમાં હાથીપગાનો રોગ (filariasis) કરે છે, જ્યારે કેટલાકમાં ઉષ્ણકટિબંધીય ઈઓસિનકોષિતા ઉત્પન્ન કરે છે. આમ, એક જંતુથી બે અલગ પ્રકારના વ્યાધિઓ થવાનું કારણ સમજી શકાયું નથી. તે કદાચ વ્યક્તિનાં જનીનીય (genetic) કારણોસર પણ હોઈ શકે. રજ્જુ-કૃમિ (round worm), અંકુશ-કૃમિ (hook worm) તથા અન્ય કૃમિઓના ચેપમાં પણ ક્યારેક આ જ પ્રકારની ફેફસાંની અસ્વસ્થતા જોવા મળી છે. પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ રૂપે વાયુપોટા (alveoli) અને તેની દીવાલમાં પ્રવાહી એકઠું થાય છે. આ પ્રવાહીમાં ઈઓસિનકોષો, પેશીકોષો (histiocytes) કે લસિકાકોષો (lymphocytes) અથવા આ ત્રણેય પ્રકારના કોષો હોય છે. તેને કારણે ઈઓસિનકોષી ન્યુમોનિયા (ફેફસીશોથ), શ્વસનિકા-ફેફસીશોથ (broncho-pneumonia) તથા ઈઓસિનકોષી ગૂમડાં (સપૂયગડ) થાય છે. પેશીકોષો અને લસિકાકોષોવાળું પ્રવાહી એકઠું થાય ત્યારે તંતુતા (fibrosis) અને મહાકોશ(giant cell)વાળી શોથગંડિકા (granuloma) થાય છે. લાંબા ગાળે ફેફસીતંતુતા અને શ્વસનકાર્યની દીર્ઘકાલી નિષ્ફળતા જોવા મળે છે. સૌપ્રથમ ફેફસાંના શ્વસનમાર્ગમાં અવરોધ ઉત્પન્ન થઈને છેવટે વાયુપોટાની સંખ્યામાં ઘટાડો થાય છે. રોગસૂચક લક્ષણો, ચિહનો, કસોટીનું પરિણામ અને સારવારની અસરકારકતા નિદાનમાં ઉપયોગી છે. સારણી 1માં દર્શાવેલ ફેફસાંના વિવિધ વિકારોમાં ઈઓસિનકોષિતા જોવા મળે છે. તે બધા જ વિકારોને અલગ તારવીને આ રોગનું નિદાન કરાય છે. ડાયઇથાઇલ કાર્બામેઝિન અસરકારક દવા છે. ફેફસીતંતુતા થતી રોકવા ક્યારેક કોર્ટિકોસ્ટિરૉઇડ વપરાય છે. સારવાર વિના પણ ઘણી વખત આ વિકાર વિરમે છે, પણ તે પછીથી ઊથલો મારે છે.

સારણી 1 : લોહી/ફેફસાંમાં ઈઓસિનકોષોની સંખ્યાવૃદ્ધિ સાથે સંકળાયેલા વિકારો

વિકાર નોંધ
 1. અજ્ઞાતમૂલ પેશીકોષિતા જુઓ ઈઓસિનકોષ સંલક્ષણો.
(histiocytosis-X)
 2. દીર્ઘકાલી ઈઓસિનકોષી

ન્યુમોનિયા (ફેફસીશોથ)

અજ્ઞાત કારણથી થતો ફેફસાંનો અંતરાલીય

(interstitial) રોગ : ઉધરસ, શ્વાસ ચઢવો,

થાક, તાવ, રાત્રે પરસેવો વળવો, વજનનો

ઘટાડો, ઈઓસિનકોષી સપૂયગડ (abscess),

લોહી અને ગળફામાં ઈઓસિનકોષિતા

(eosinophilia) 50 %  60 % દર્દીઓમાં દમ

 3. ચર્ગ-સ્ટ્રોસ સંલક્ષણ શોથગંડિકા(granuloma)વાળો વ્યાપક

પેશીનાશી વાહિનીશોથ (vasculitis),

જેમાં ફેફસાં પણ અસરગ્રસ્ત થાય.

 4. દમ ઍલર્જિક પ્રતિભાવના પાછલા તબક્કામાં

અન્ય કોષો સાથે ઈઓસિનકોષો શ્વસનિકાની

અંદરની દીવાલમાં ભરાવો કરી પેશીને ઈજા

પહોંચાડે છે.

 5. દીર્ઘકાલી દમ સમાન

શ્વસનિકાશોથ

(chronic asthmatic

bronchitis)

ઉધરસ, શ્વાસ ચઢવો, ચીકણો ફીણવાળો

ગળફો, લોહી અને ગળફામાં

ઈઓસિનકોષિતા

 6. દીર્ઘકાલી શ્વસનિકા શોથ ત્રીજા ભાગના દર્દીઓમાં દમ જેવાં લક્ષણો,

લોહીમાં ઈઓસિનકોષિતા, ગળફામાં

એસ્પરજીલસ નામની ફૂગ.

 7. ઔષધજન્ય ફેફસાંનો

અંતરાલીય રોગ (int-

ernal lung disease)

ચિહનો અને લક્ષણો દીર્ઘકાલી ઈઓસિનકોષી

ન્યુમોનિયા જેવાં,

ઉદાહરણ – નાઇટ્રોફ્યુરેન્ટોઇન

 8. ફેફસી અંતર્નિવેશી દ્રવ્ય

(infiltrates) તથા

ઈઓસિનકોષિતા

સંલક્ષણ

ઔષધો, બેરિલિયમથી થતું ઉગ્ર સંલક્ષણ,

અંતરાલીય ફેફસીતંતુતા (interstitial

pulfibrosis), સારકોઇડતા, હાથીપગાના

જંતુથી થતી ઉષ્ણકટિબંધીય (tropical)

ફેફસી ઈઓસિનકોષિતા, કૃમિજન્ય ફેફસી

ઈઓસિનકોષિતા વગેરે. ચિહનો અને લક્ષણો

– દીર્ઘકાલી ઈઓસિનકોષી ન્યુમોનિયા જેવાં.

શિલીન નં. શુક્લ