ઇ-ત્સિંગ (જ. ઈ. સ. 635, સન યંગ, ચીન; અ. 713 ચેનગાન) : ભારત આવેલા એક પ્રસિદ્ધ ચીની બૌદ્ધ યાત્રી. ઉપસંપદા લઈ એમણે વિનયપિટક તથા અભિધર્મપિટકના ગ્રંથોનો અભ્યાસ કરેલો. ઈ. સ. 671માં ચીનથી પ્રયાણ કરી સુમાત્રા, નિકોબાર થઈ સમુદ્રમાર્ગે 673માં ભારત આવ્યા. તામ્રલિપ્તિથી નાલંદા, બોધિગયા, કુશિનગર અને સારનાથની યાત્રા કરીને નાલંદા વિહારમાં દસ વર્ષ રહ્યા. 685માં 400 સંસ્કૃત ગ્રંથો લઈ તામ્રલિપ્તિથી સમુદ્રમાર્ગે સુમાત્રામાં જઈ વર્ષો સુધી ત્યાં રહી 695માં ચીન પાછા ફર્યા. દરમિયાન એમણે બે ગ્રંથ લખેલા : ‘નાન-હૈ-ચિ-કુએઈ-મે-ફા-ચુ અન’ (દક્ષિણ સમુદ્રમાંથી દેશ મોકલેલો આંતરિક ધર્મનો વૃત્તાંત) અને ‘તા-તાંગ-સિન્યુ-ફાઉ-ફા-કાઓ-સંગ-સુઅન’ (મહાન તાંગ વંશ નીચે ધર્મની શોધમાં ભારત અને પડોશી દેશોની મુલાકાત લેનારા મુખ્ય શ્રમણોની નોંધ). ચીન જઈ ઇત્સિંગે 56 બૌદ્ધ ગ્રંથોનો અનુવાદ કર્યો અને નાનો સંસ્કૃત-ચીની કોશ તૈયાર કર્યો હતો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી