ઇસ્લામી તત્વચિંતન

January, 2002

ઇસ્લામી તત્વચિંતન : ઇસ્લામી તત્વચિંતનનાં બે મુખ્ય સ્વરૂપ છે : (1) કુરાન અને હદીસ ઉપર આધારિત શુદ્ધ ઇસ્લામી તત્વચિંતન, જેમાં પાછળથી બુદ્ધિવાદી મોતઝિલા વિચારધારા અને અધ્યાત્મવાદી સૂફી વિચારધારાઓનો ઉદભવ તથા પરસ્પર સમન્વય થયો હતો. (2) ગ્રીક તત્વચિંતનથી પ્રભાવિત મુસ્લિમ તત્વજ્ઞાનીઓની વિચારધારા, જે વડે ઇસ્લામી તત્વચિંતનનું બૌદ્ધિક પૃથક્કરણ કરવાના પ્રયત્નો થયા હતા.

શુદ્ધ ઇસ્લામી તત્વચિંતનના મૂળ સ્રોત બે છે : પવિત્ર કુરાન અને પયગંબર મુહમ્મદ(સ. અ. વ.)નાં સુવચનો (હદીસ). આ તત્વચિંતનમાં પાયાનો સિદ્ધાંત એકેશ્વરવાદ છે. અલ્લાહ (ઈશ્વર) એક છે. તે નિરાકાર અને શાશ્વત છે. તે જન્મ-મરણની પ્રક્રિયાથી મુક્ત છે. તે કોઈનાથી જન્મ્યો નથી અને તેનાથી કોઈ જન્મ્યું નથી. તે સર્જક (creator) છે અને સર્જકના સર્વ ગુણ તથા શક્તિ ધરાવે છે. સમગ્ર સૃષ્ટિ સર્જિત (created)  છે માટે તે સર્જન(creation)ના સર્વ અવગુણ પણ ધરાવે છે. સર્જક ઈશ્વર સમસ્ત સૃષ્ટિનો પાલનહાર (sustainer) છે. જેવી રીતે સૃષ્ટિનું સર્જન ઈશ્વરની ઇચ્છા તથા આજ્ઞાથી થયું છે, તેવી જ રીતે સૃષ્ટિનું સંચાલન તથા વ્યવસ્થાપન પણ તેની ઇચ્છા તથા આજ્ઞાથી થાય છે. સૃષ્ટિનો દરેક પદાર્થ તથા જીવ પોતાના અસ્તિત્વ માટે ઈશ્વર ઉપર આધાર રાખે છે; તેથી તે નફો-નુકસાન પહોંચાડવામાં અથવા અસરકારક કે ક્રિયાશીલ થવામાં પણ ઈશ્વરની આજ્ઞાને અધીન હોય છે. દરેક પદાર્થ તથા જીવમાં તેનું આગવું લક્ષણ હોય છે; પરંતુ તે લક્ષણની અસર ઈશ્વર-આજ્ઞા વગર પહોંચાડી શકાતી નથી. એક માત્ર ઈશ્વર તેમનો સારા કે નરસા માટે ઉપયોગ કરવાની શક્તિ ધરાવે છે. ઈશ્વર કંઈ પણ કરવા માટે કોઈના ઉપર આધાર રાખતો નથી, પરંતુ બધી સર્જિત વસ્તુઓ તથા જીવો કાંઈ પણ કરવા માટે ઈશ્વર ઉપર આધાર રાખે છે. એકેશ્વરવાદની આ ભાવનાને લઈને સૃષ્ટિનાં તત્વો તથા જીવોની ગુલામી અને ઉપાસના કરવામાંથી મનુષ્ય મુક્ત થઈ જાય છે અને તે માત્ર એક ઈશ્વરનો ગુલામ અને ઉપાસક બંને છે.

સૃષ્ટિ એટલે કે આકાશ, પૃથ્વી અને તેમાં જે કંઈ છે તે સ્વતંત્ર નથી; પરંતુ તેમનું અસ્તિત્વ વ્યર્થ પણ નથી. સૃષ્ટિનું સર્જન માનવી માટે થયું છે અને માનવીનું સર્જન ઈશ્વરની આજ્ઞાંકિતતા માટે થયું છે. ઈશ્વરે મનુષ્યનું સર્જન તેની કસોટી કરવા માટે કર્યું છે. ઈશ્વર એ જોવા માંગે છે કે દરેક મનુષ્ય, તેના જન્મ અને મૃત્યુ વચ્ચેના કાળમાં, સર્જિત વસ્તુઓને તાબે થાય છે કે સર્જનહારને તાબે રહે છે.

ઇસ્લામી તત્વચિંતનનો બીજો મહત્વનો સિદ્ધાંત પરલોકના શાશ્વત જીવન વિશેનો છે. આ સૃષ્ટિ નાશવંત છે, પરંતુ પરલોક શાશ્વત છે. માણસ આ લોકમાં જે કર્મ કરે છે તેનું પરિણામ પરલોકમાં અવશ્ય ભોગવશે. જો માણસ આ જીવનમાં ઈશ્વરની આજ્ઞાઓને તાબે થાય તો મૃત્યુ પછીના જીવનમાં મનુષ્યની બધી ઇચ્છાઓ ઈશ્વર સ્વર્ગમાં પૂરી કરશે; પરંતુ જો મનુષ્ય પોતાની ઇચ્છાઓ પ્રમાણે જીવન ગુજારે તો તેને પરલોકમાં ઈશ્વર-આજ્ઞાને તાબે થઈને નરકમાં, ઇચ્છા વિરુદ્ધનું જીવન ગુજારવું પડશે. આવા અર્થપૂર્ણ પરંતુ શુષ્ક લાગતા ચિંતનમાં, ઈશ્વરે દયાના એક અંશનો ઉમેરો કર્યો છે. જો માણસ ઈશ્વરની સર્વોપરિતા તથા તાબેદારી સ્વીકારી લે તો ઈશ્વર માણસનાં કુકર્મો પણ માફ કરી શકે છે. માણસ એ વાતની સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે કે ઈશ્વર જ તેનો સર્જક, માલિક તથા પાલનહાર છે; તેનું સુખદુ:ખ, જીવન અને મૃત્યુ માત્ર ઈશ્વરના જ હાથમાં છે અને સૃષ્ટિનું કોઈ પણ તત્વ કે જીવ ઈશ્વરી ગુણ ધરાવતો નથી, તો, જો માણસથી ઈશ્વરની આજ્ઞાઓના પાલનમાં કોઈ ઊણપ રહી જાય તો ઈશ્વર તેને માફી આપી શકે છે. દયાના ઈશ્વરી ગુણમાંથી વ્યવહારુ સૂફીવાદનો જન્મ થયો હતો. ચુસ્ત કર્મકાંડને સ્થાને ઈશ્વર પ્રત્યે સાચી શ્રદ્ધા રાખવી એટલે કે એક અલ્લાહમાં માનવું અને બધા જીવો પ્રત્યે પ્રેમભર્યો વર્તાવ કરવો. માનવ-પ્રેમ જ ઈશ્વર પ્રેમનો સેતુ છે. ખુદ પયગંબરસાહેબે (સ.અ.વ.) આની ચેતના પ્રગટાવી હતી. તેમનું કથન છે કે તમે જમીન ઉપર રહેનાર પ્રત્યે રહેમ (દયા) રાખો, આસમાન ઉપર રહેનાર તમારા પ્રત્યે રહેમ (દયા) દાખવશે. સૂફીઓએ સરળ ઇસ્લામી ચિંતનને વ્યવહારમાં મૂકી બતાવ્યું.

ઇસ્લામી તત્વચિંતનમાં માનવ-સમાનતા તથા ભ્રાતૃભાવ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. બધા માનવીઓ, શરીરનાં જુદાં જુદાં અંગો જેવા છે.

ઇસ્લામી તત્વચિંતનના બીજા સ્વરૂપમાં, ગ્રીક તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસ અને મીમાંસાના ક્ષેત્રમાં મુસ્લિમ તત્વચિંતકોએ આપેલા ફાળાનો સમાવેશ થાય છે. નવમાથી બારમા શતક વચ્ચે ગ્રીક તત્વજ્ઞાનીઓ ઍરિસ્ટોટલ, પ્લેટો, સૉક્રેટિસ વગેરેની મૂળ ગ્રીક કૃતિઓના અરબી ભાષામાં અનુવાદો થયા હતા. તેની અસર ઇસ્લામી તત્વચિંતન ઉપર પડી. અલ-કિન્દી, અલ-ફારાબી, ઇબ્ને સીના, ઇબ્ને રૂશ્દ, અલ-રાઝી તથા બીજા અનેક વિદ્વાનોએ ગ્રીક તત્વજ્ઞાનને સાચવવા તથા તેના ફેલાવા માટે સક્રિય પ્રયત્નો કર્યા હતા; પરંતુ એ હકીકત છે કે ગ્રીક તત્વજ્ઞાન ઇસ્લામી તત્વચિંતનને પ્રભાવિત કરી શકવા છતાં તેનો અંતર્ગત ભાગ બની શક્યું નહિ. ઇબ્નુલ અરબી તથા અલ-ગઝાલી જેવા, ગ્રીક તથા ઇસ્લામી તત્વચિંતનના અભ્યાસીઓએ, ગ્રીક વિચારની ખામીઓ શોધીને તેને ફગાવી દીધું. તેમના મત અનુસાર ગ્રીક તત્વજ્ઞાન માત્ર કાલ્પનિક અને વૈચારિક છે; વાસ્તવિકતા સાથે તેનો કોઈ સંબંધ નથી. એક વાર ગ્રીક વિચારધારાને ફગાવી દીધા બાદ અધ્યાત્મવાદી ઇસ્લામી દર્શનનો ઉદભવ થયો. કાદરી, સુહરવર્દી, ચિશ્તી જેવા સૂફી પંથો અસ્તિત્વમાં આવ્યા; જેમણે બુદ્ધિ તથા તર્કને સ્થાને શ્રદ્ધાને પુન:સ્થાપિત કરી. આધુનિક યુગમાં મુસ્લિમ તત્વચિંતકોએ બુદ્ધિ તથા શ્રદ્ધાનો સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો હતો. આવા વિચારકોમાં મુહમ્મદ બિન અબ્દુલ વહાબ, જમાલુદ્દીન અફઘાની, મુહમ્મદ અબ્દૂ, સૈયદ એહમદખાન અને મુહમ્મદ ઇકબાલનો સમાવેશ થાય છે.

ગ્રીક તત્વજ્ઞાનના પ્રભાવ હેઠળ, મધ્ય યુગમાં, ઇસ્લામી તત્વચિંતનમાં કેટલાંક તત્વોની ઊંડી ચર્ચાઓ થઈ હતી. આ તત્વો કુરાન અને ઈશ્વર સાથે સંબંધ ધરાવે છે. મુસ્લિમ તત્વચિંતકોએ જે તત્વો વિશે ઊંડાણપૂર્વક બૌદ્ધિક ચર્ચાઓ કરી હતી તેમાંથી કેટલીક મહત્વની આ પ્રમાણે છે. (1) ઈશ્વરી ગુણો (Divine Attributes) ઈશ્વરની જાતનાં અંતર્ગત અંગો છે કે તેમનું જુદું અસ્તિત્વ છે ? (2) કુરાન જે દિવ્ય વાણી છે તે શાશ્વત (eternal) છે કે સૃષ્ટિની જેમ તેનું સર્જન (creation) થયેલું છે ? (3) પૂર્વનિયતિ અને સ્વતંત્ર સંકલ્પ એકસાથે હોવાની શક્યતા છે ?

આ વિચારોના સમર્થન તથા વિરોધમાં રાજ્યે (state) મહત્વનો ભાગ ભજવ્યો હતો. મોટા ભાગે રાજકીય કારણોસર કોઈ વિચારનું સમર્થન અથવા તેનો વિરોધ કરવામાં આવતો હતો. આવી ચર્ચાઓ માટે ઇખ્વાન-અલ-સફા (Brethren of Purity) નામનું એક ગુપ્ત સંગઠન પણ ઊભું થયું હતું. આ સંગઠનના વિદ્વાન સભ્યોએ લખેલા કુલ બાવન (52) લેખો (Epistles) ઇસ્લામી તત્વચિંતનના વિકાસના ઇતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવે છે.

આ ચર્ચાઓ માત્ર વૈચારિક સ્તર ઉપર થતી હતી. વાસ્તવિકતા અને વ્યવહાર સાથે તેમનો કોઈ સંબંધ હતો નહિ. તેથી મધ્ય યુગમાં જ તેમનો અંત આવી ગયો હતો. જોકે સૂફીવાદના ઉદભવ બાદ નવી તાત્વિક ચર્ચાઓનો એક દોર ચાલ્યો હતો. તેની ઉપર ભારતીય તત્વચિંતનની અસર પડી હતી; પરંતુ આધુનિક યુગમાં ધાર્મિક-શિક્ષણનું નવીનીકરણ થયા બાદ, કુરાનના રૂઢિવાદી અર્થઘટન તથા શરિયતના સરળ પૃથક્કરણ ઉપર વધારે ભાર મૂકવામાં આવતાં ઇસ્લામી તત્વચિંતનમાંથી બાહ્ય અસરો નાબૂદ થઈ ગઈ છે. હવે ઇસ્લામનું રહસ્યવાદી (allegorical) અર્થઘટન કરવાને બદલે વાસ્તવવાદી (realistic) અર્થઘટન કરવામાં આવે છે.

અબ્દુલ રહેમાન મીર

ઝિયાઉદ્દીન અ. દેસાઈ

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી