ઇસ્લામી કલા

January, 2002

ઇસ્લામી કલા : ઇસ્લામી પરંપરાની કળા. ઇસ્લામી ર્દશ્યકલાઓ અગાઉની કલાપરંપરા અને નવા ધર્મના સંગમનું ફળ છે. કલા પર ધર્મનો પ્રભાવ જોતાં પ્રથમ બાબત ‘મસ્જિદ’ આવે છે. ઇસ્લામ ધર્મની સ્થાપના અગાઉ પણ અરબી શબ્દ ‘મસ્જિદ’ વપરાતો અને તેનો અર્થ ‘પરમાત્મા સમક્ષ દંડવત્ પ્રણામ કરવાનું સ્થળ’ થાય છે. બંદગી માટે કેવળ જેરૂસલેમ અને પછીથી મક્કાની ‘કિબ્લાહ’ (પશ્ચિમ) દિશા જોવાતી, તે માટે કોઈ ખાસ પ્રકારની બાંધકામની જરૂર ન હતી. આઠમી સદીના મધ્યકાળથી મૂર્તિપૂજાની મનાઈ ઇસ્લામ ધર્મનું એક ખાસ લક્ષણ બન્યું. આને કારણે કલામાં કોઈ પણ પ્રાણી કે મનુષ્યનું આલેખન નિષિદ્ધ ગણાતું, કારણ કે તેમને મતે કેવળ ખુદા જ જીવનનો સર્જક છે. ઇસ્લામી કલાનો પ્રારંભ ધાર્મિક સ્થળ – મસ્જિદના સ્થાપત્યથી થયો.

પ્રારંભિક ઇસ્લામી કલાનો યુગ ઉમાય્યદ વંશ (661-750) અને અબ્બાસિદ વંશ(751-1258)થી શરૂ થયો છે. આ વંશના શાસકોના શોખનો ઇસ્લામી કલા પર પ્રભાવ પડ્યો. જ્યાં જ્યાં ઇસ્લામ ધર્મ ફેલાયો ત્યાં મસ્જિદનું સ્થાપત્ય જરૂરી બન્યું. આમ ઇરાકમાં કૂફા અને બસરામાં, ઇજિપ્ત-મિસરમાં અલ્-ફુસ્તાનમાં પ્રાર્થના માટે ઝુલ્લા(છાયાવાળી જગ્યા)ની રચના થઈ. મસ્જિદમાં ઉપદેશક માટેની વ્યાસપીઠ ‘મિમ્બર’ રચાઈ.

ઉમય્યાદ વંશના રાજા અલ્-વાલિદ પ્રથમ(705-715)ના શાસનકાળ દરમિયાન મદીના, જેરૂસલેમ અને દમાસ્કસમાં મોટી મસ્જિદો બંધાઈ. આ ત્રણેય મસ્જિદોમાં ‘મિહરાબ’ની રચના અને ‘કિબ્લાહ’ની દીવાલનો ગોખલો અત્યંત અલંકૃત છે. આ પરંપરા દશમી સદી સુધી ચાલી.

પશ્ચિમમાં ટ્યૂનિસિયામાં બંધાયેલ મસ્જિદ અલ્-ક્યારાવાનમાં (836-866) અને સ્પેનમાં કોર્ડોબામાં બંધાયેલ મસ્જિદોમાં ઘુમ્મટો ઉમેરાયા. બલ્ખ (અફઘાનિસ્તાન), કેરો અને ટૉલેડોમાં નવ ઘુમ્મટવાળી મસ્જિદો બંધાઈ. જેરૂસલેમમાં બંધાયેલ ‘ધ ડોમ ઑવ્ ધ રૉક’ (691) ઇસ્લામી સ્થાપત્યનું પ્રથમ અજોડ સ્મારક છે. બીજું ઇસ્લામી સ્થાપત્ય ‘રિબાત’ છે. એ ધર્મરક્ષકોના રહેઠાણ માટેની રચના હતી. સુસાહ(ટ્યુનિશિયા)માં શ્રેષ્ઠ રિબાત છે. ત્રીજું ધાર્મિક પ્રકારનું સ્થાપત્ય-મકબરો ‘મૌસોલિયમ’ (mausoleum) શોભાયુક્ત કબર છે. સમારામાં ત્રણ ખલીફાઓનાં સ્મરણમાં અષ્ટકોણી મકબરા બંધાયા હતા. સમરકંદ અને બુખારામાં બાદશાહી સ્મૃતિભવનો બંધાયાં હતાં. ચોથા પ્રકારનું સ્થાપત્ય ધાર્મિક શિક્ષણ માટેની મદરેસા(શાળા)નું છે.

મુસ્લિમ શાસકો પાસે ધન, કારીગરો અને વિચારોની વૃદ્ધિ થતાં બિન-સાંપ્રદાયિક સ્થાપત્યની રચના પણ થવા લાગી. આમાં ત્રણ પ્રકારનાં ભવનો છે. પ્રથમ પ્રકારનાં ભવનો  મહેલો સીરિયા, પૅલેસ્ટાઇન અને ટ્રાન્સ-જૉર્ડનમાં (710-750) બંધાયાં. એમાં ખિર્લાત અલ્-મફજરમાં બંધાયેલ મહેલનું સ્થાપત્ય શ્રેષ્ઠ છે. બીજા પ્રકારના મહેલનું સ્થાપત્ય ઇરાકના કૂફા શહેરમાં છે. તેમાં રહેઠાણ સાથે ‘દાર અલ્-ઇમારહ’  વહીવટી કચેરી સંકળાયેલ છે. ત્રીજો પ્રકાર સમારાના અવશેષોમાં મળે છે. ‘તાઝીખ-બગદાદ’-(બગદાદનો ઇતિહાસ)માં ખતીબ અલ્-બગદાદીએ એનું વર્ણન કર્યું છે.

આઠમી સદીના ઉત્તરાર્ધમાં અને નવમી સદીમાં ઇરાકમાં પાકી ઈંટોના બાંધકામથી નવી શૈલીની શરૂઆત થઈ. સ્તંભો પર કમાનો રચાવા લાગી. આવી કમાનોનો અસાધારણ વિકાસ સ્પેનની કોર્ડોબાની મોટી મસ્જિદમાં દેખાય છે. શિલ્પ અને ભીંતચિત્રમાં આલંકારિક સુશોભન-કાર્ય મહેલોમાં થવા લાગ્યું. તેમાં વેલ-પાન, ફૂલો અને વૃક્ષોનું આલેખન થયું. ‘મોઝેઇક’-લાદીના રંગીન ટુકડા ગોઠવીને બનાવેલાં ચિત્રો અને શિલ્પોમાં વનસ્પતિ અને ભૌમિતિક રચનાઓનો ઉપયોગ થવા લાગ્યો.

તે પછી રાજાઓ માટે સુવર્ણ અને ચાંદીનાં કલાત્મક પાત્રો ઘડાયાં. દસમી સદીથી કાપડમાં કલા પ્રગટ થવા લાગી. એવા રેશમી કાપડને ‘બુયિદ રેશમ’ કહેવાય છે. કાપડ પરથી આ કલા ચીની માટીનાં પાત્રોમાં વિસ્તરી. ઇસ્લામી કલાનાં ચીની માટીનાં પાત્રો ચીનનાં એવાં પાત્રોનું અનુકરણ છે. આવાં પાત્રો નિશાપુર, સિરાફ, કશ્ર, અલહેયર વગેરેના પુરાતત્વીય-ખોદકામમાંથી મળેલાં છે. કેરોના મ્યુઝિયમમાં ઇસ્લામી કલાનો ત્યાંના રાજ્યપાલના નામવાળો કાચનો ચળકતો ઘડો છે (773). ચીની માટીનાં પાત્રોમાં વેલ, બુટ્ટા, ફૂલ ઉપરાંત શુભેચ્છા, કહેવતનું લખાણ કે કોઈક વાર માનવપાત્રનું આલેખન થયું છે. સ્પેનમાં હાથીદાંતનું કોતરકામ શરૂ થયું. આવી કલાત્મક કોતરકામવાળી હાથીદાંતની ડબ્બી (968) મળી આવી છે. સમરકંદમાંથી એક વાડકો મળેલ છે તેના પર લખાણ છે અને કબર પરની રેશમી ચાદરનો એક કલાત્મક ટુકડો પણ મળી આવેલો છે.

1000-1500નો ગાળો ઇસ્લામી કલાનો મધ્યયુગ છે. 909થી 1171 દરમિયાન આરબવંશી ફાતિમિદ કલા ટ્યૂનિસિયા, સિસિલી અને મિસરમાં ફેલાઈ. 969માં કેરો શહેરની સ્થાપના થઈ અને તેમાં ફાતિમિદ મસ્જિદ અલ્-અઝહાર (પ્રારંભ 970) અને અલ-હાકિમ (1002-03) સ્થાપત્ય-કલાના ઉત્તમ નમૂના છે. ફાતિમિદ કલાની બીજી નવીનતા ‘મોસોલિયમ’ના સ્થાપત્યની હતી. અશ્વનમાં ‘મસ્હદ’ અને કેરોમાં જુયૂશિ મસ્જિદ (1085) સુંદર સ્મારકો છે. તેમાં પથ્થરનું શિલ્પ, કોતરણીવાળું કાષ્ઠ અને રંગીન લાદીના ટુકડાની ગોઠવણી સુશોભનકામમાં વપરાયાં છે. કાપેલ્લા પેલેટિનામાં બનાવેલી છતો-‘મુકર્ના’-માં ફાતિમિદ કલાકારોએ વનસ્પતિ અને પશુપંખીવાળાં સેંકડો ભાતચિત્રો આલેખ્યાં છે. રાજાશાહી સાથે નહિ સંકળાયેલ ફાતિમિદ કલામાં પુસ્તકનાં ચિત્રોની કલા અગિયારમી સદીના મધ્યકાળ પછી વિકાસ પામી.

દશમી સદીના છેલ્લા દાયકાઓમાં તુર્કીમાં સેલ્યુક વંશ રાજકારણમાં પ્રબળ બન્યો અને સેલ્યુક સ્થાપત્યોમાં અનાતોલિયામાં બંધાયેલા મિનારા જેવા મિનારાઓ બંધાવા લાગ્યા. ‘ખાન્કાહ’નું સ્થાપત્ય પણ સેલ્યુક યુગમાં થયું. સમરકંદ અને બુખારા વચ્ચે વેપારી માર્ગ પર ‘કારવાં’ (સરાઈ) રેબાતે-કાલેક બંધાઈ. સિઝરે(તુર્કી)માં બંધાયેલ પુલ એક આલંકારિક સ્થાપત્ય છે. સેલ્યુક યુગમાં કલાનાં મુખ્ય માધ્યમોમાં કાચ અને કાપડનો ઉપયોગ શરૂ થયો. ધાતુનાં પાત્રોમાં ચાંદીનું જડતર કરી આલંકારિક ભાતો કંડારવામાં આવતી. મોસુલ(ઇરાક)માં 1232માં બનાવેલ પિત્તળના ચંબુમાં તાંબા અને ચાંદીનું સુશોભિત જડતર છે અને તેમાં સુજાનું નામ છે. આ ચંબુ 30 સેમી. ઊંચો છે. તે લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે.

અલ્મોરાવિદ યુગ(1056-1147)નાં અને અલ્મોહદ યુગ(1130-1269)નાં સુંદર સ્થાપત્યોમાં મોરોક્કોના રેબાતનો ઔદૈયા દરવાજો, મરકેચનો રેબાત દરવાજો તથા મરકેચની કુતુબિયા મસ્જિદનો સમચોરસ મિનારો છે.

સ્પેનમાં ગ્રનાદામાં આવેલ અલ્હમ્બ્રા મહેલ સંકુલનું સ્થાપત્ય ઇસ્લામી કલાનો ઉત્તમ નમૂનો છે. તેની દીવાલો પર આલંકારિક સુલેખનમાં કાવ્યોનું લખાણ થયું છે. આ કલાકૃતિ મૂર લોકોની છે.

ઇજિપ્ત અને સીરિયામાં મામ્લુક યુગની કલા કેરો, દમાસ્કસ અને ત્રિપોલીમાં વિકસી. આ કલા ધાતુકામ, કાચ અને ગાલીચામાં પણ પ્રગટી. કેરોમાં સુલ્તાન હસનની પ્રખ્યાત મદરેસા (1356-62) અને મામ્લુક દરગાહો (14મી-15મી સદી) તે યુગનાં સુંદર સ્થાપત્યો છે. સ્થાપત્ય સિવાય ‘મકાયાત’ની હસ્તપ્રત(1334)માં આલેખેલ સોનેરી ભૂમિકા પરનાં રંગીન ચિત્રો મસ્જિદમાંનાં કાચનાં ફાનસો અને કાષ્ઠ કોતરણીવાળી વસ્તુઓ મામ્લુક યુગની કલાની અન્ય વિશિષ્ટતાઓ છે.

મોંગોલ ઇરાન : ઇલ-ખનિદ (1256-1353) યુગમાં ઉલ્યૈતુનું સ્મૃતિભવન (1305-13) સોલ્તાનિયેહમાં 8 મિનારાવાળું સુંદર સ્થાપત્ય છે. અલી શાહની મસ્જિદનું તબ્રિઝમાં થયેલું બાંધકામ 35 ફૂટ જાડી દીવાલવાળું છે. ટીમુરિદ યુગ(1370–1506)માં સમરકંદ, હેરાત, મેશેદ, ખર્ગિર્દ, તયાબાદ, બાકુ અને તબ્રિઝમાં સેંકડો બાંધકામ થયાં. સમરકંદમાં શાહે-ઝેન્દહ સ્મૃતિભવનોની એક લાંબી હાર છે. આ સ્મૃતિ-ભવનો પાક પીરો અને દરવેશોનાં છે.

મોંગોલ યુગમાં ઇરાની ચિત્રકલાનો નવો જમાનો શરૂ થયો. મહાકવિ ફિરદોસીનું મહાકાવ્ય ‘શાહનામા’ અને ‘જામી અલ્ તવારીખ’(રશિદ અદ્દીનનો ‘વિશ્વ ઇતિહાસ’)માં લઘુચિત્રોનું આલેખન થયું છે. આમાં દેમોત્તે દોરેલાં ‘શાહનામા’નાં 56 ચિત્રો (ચૌદમી સદી) પર ચીની ચિત્રકલાનો પ્રભાવ છે. ખ્વાજુ કેરમાનીની હસ્તપ્રતનાં હેરાતી કલાકારોનાં ચિત્રો 1420થી 1440 વચ્ચે આલેખાયાં હતાં.

ઑટોમન, સફાવિદ અને મુઘલ સામ્રાજ્યોનો કાળ ઇસ્લામી કલાનો છેલ્લો યુગ છે. ઑટોમન સ્થાપત્યની પરંપરા સોળમી સદીમાં સ્થપાઈ. તેમાં મસ્જિદો, સ્મૃતિભવનો અને મદરેસા ઉપરાંત ‘કુલ્લીયે’ સંકુલમાં પાક ફકીરો, દરવેશો માટેનાં ટેક્ક-રહેઠાણો, મસ્જિદ અને સ્મૃતિભવનની જોડે બંધાયાં. ઇસ્તંબુલમાં ‘ફતિહ કુલ્લીયે’ (1463–70) તથા મહાન ઑટોમન સ્થપતિ સિનાને બાંધેલ એદિર્નેમાં સલીમ-મસ્જિદ (1569–75) અને શેહજાદે કુલ્લીય (1548) શ્રેષ્ઠ સ્થાપત્યો છે.

એસ્માઇલ પ્રથમે (1501–24) સફાવિદ વંશ સ્થાપ્યો. તે વંશના તહમાસ્પ (1524–76) અને અબ્બાસ પ્રથમ(1588 –1629)ના શાસન દરમિયાન સફાવિદ કલા શ્રેષ્ઠતાના શિખરે પહોંચી. સફાવિદ રાજ્યનાં મુખ્ય કેન્દ્રો તબ્રિઝ અને અર્દબિલ હતાં. અબ્બાસ પ્રથમે ઇસ્ફહાનમાં 162 મસ્જિદો, 48 મદરેસા, 1802 દુકાનો અને 283 સ્નાનાગારોવાળું નવું શહેર સ્થાપ્યું હતું. શહેરના કેન્દ્રમાં મેદાને-શાહ, 510 x 158 મીટરનું પોલો રમત અને કવાયતનું મેદાન 50,000 દીપકોથી પ્રકાશિત થતું.

સોળમી અને સત્તરમી સદીમાં ચિત્રકારો ઐતિહાસિક શૈલીથી પ્રભાવિત થયા હતા. સફાવિદ યુગમાં ચિત્રકલામાં ત્રણ શૈલીઓ અસ્તિત્વમાં હતી. પ્રથમ ‘શાહનામા’ અને કવિ જામીના ‘હફત ઔરંગ’ની લઘુચિત્ર-શૈલી. બીજી આકા રેઝા અને રેઝા અબ્બાસી(1600 આસપાસ)ની કવિઓ, સંગીતકારો અને દરબારી લોકોની છબીઓ આલેખવાની શૈલી. ત્રીજી શૈલી એટલે સત્તરમી સદીમાં કલમ અને પીંછી દ્વારા આલેખેલ લોકજીવનનાં પ્રસંગચિત્રોની શૈલી. આ ચિત્રોમાં કપડાં ધોતી ધોબણ, સીવણકામ કરતો દરજી અને પ્રાણી વગેરેનાં ચિત્રો દોરવામાં આવ્યાં છે.

ચિત્રકલા સાથે તબ્રિઝ, કાશાન અને કેર્માનની વણજારી  ભટકતી જાતિના લોકોએ ગાલીચામાં પશુપંખી, વનસ્પતિ, માનવઆકૃતિ તેમજ ભૌમિતિક આકૃતિઓને સમાવી સુંદર કલાકૃતિઓ સર્જી હતી.

ઇસ્લામી સંસ્કૃતિને આધારે ઘડાયેલું અને ઇસ્લામી જીવનશૈલીને ઓપ આપનારું સ્થાપત્ય. જે સંસ્કૃતિ પર તે આધારિત છે તેનો આવિર્ભાવ સ્થાપત્યનાં અંગોમાં જોવા મળે છે.

ઇસ્લામી સ્થાપત્યમાં સૌથી લાક્ષણિક પાસું તે તેનાં મકાનોની આંતરિક જગ્યા (space) પરનું કેન્દ્રીકરણ. આંતરિક જગ્યાની રચના પર બાહ્ય ર્દશ્યમાન ભાગો કરતાં વિશેષ ભાર. આનું સ્પષ્ટ ઉદાહરણ તે આંતરિક ચોક આસપાસ રચાયેલ મુસ્લિમ ઘરનું આયોજન. બાહ્ય ભાગોની રચના પર ઓછા ભારનું શ્રેષ્ઠ ઉદાહરણ કોઈ પણ શહેરની મસ્જિદનું હોઈ શકે, જે બહારથી ર્દશ્યમાન પણ ન હોય. આ રીતનો આવિર્ભાવ લગભગ બાહ્ય ર્દષ્ટિએ નજરે ન પડે તેવી પ્રચ્છન્ન ઇમારતોમાં પરિણમેલો. લગભગ બધા દેશકાળમાં ઇસ્લામી સ્થાપત્યની પ્રચ્છન્નતા એક વિશેષતા બની રહેલ છે અને તેને લીધે અંદરના ભાગોની રચનાની વિવિધતા અને પ્રકાશ વિશેનો ચોક્કસ અભિગમ ખાસ ખૂબી તરીકે ઊપસી આવે છે. મકાનના બહારના ભાગના દેખાવ પરથી ભાગ્યે જ તેના ઉપયોગ વિશેનો અણસાર આવી શકે. આથી જ ઇસ્લામી સ્થાપત્યની સમજ મકાનોની આંતરિક સમજ મેળવ્યા સિવાય શક્ય નથી. આ વિશિષ્ટતા મહદ્અંશે શહેરની અંદર આવેલાં મકાનોમાં નિયમ રૂપે સ્વીકારેલી હોય છે, પરંતુ શહેરની બહાર બંધાયેલાં સ્મારકો વિશે થોડો જુદો અભિગમ અપનાવેલો જોવા મળે છે. તેમાં ઇમારતોના બાહ્ય ર્દશ્યમાન ભાગો પર પણ પૂરતું ધ્યાન અપાયેલું હોય છે.

ઇસ્લામી સ્થાપત્યમાં વિશિષ્ટ ઉપયોગ માટે ખાસ મકાન વિશેનો ખ્યાલ જણાતો નથી. ઇસ્લામી સ્થાપત્યમાં મકાનોના બહુ પ્રકાર જોવા મળતા નથી. વિવિધ હેતુ માટે અલ્પ-સંખ્ય ભાતનાં મકાનો વપરાશમાં લઈ શકાય છે. આનું સ્પષ્ટ ઉદાહરણ આંતરિક ચૉકવાળું મકાન છે, જેમાં એક સામાન્ય ઘરથી માંડીને મસ્જિદ સુધીનું આયોજન થયેલું હોય છે. આ વિવિધતાનો સામાન્ય ખ્યાલ ચોકની આજુબાજુની રચનામાં દેખાય છે. આથી જ ઇસ્લામી સ્થાપત્યમાં ફક્ત મકાનની રચના પરથી તેના ઉપયોગનો ખ્યાલ જલદી નથી આવી શકતો. ચોકસાઈપૂર્વક તૈયાર કરેલાં બાંધકામોમાં જ અનેકવિધ ઉપયોગનું સંયોજન થઈ શકે.

સામાન્ય રીતે ઇસ્લામી સ્થાપત્ય તેનાં મુખ્ય અંગોને એક અભેદ્ય રચનાની પાછળ સંતાડતું હોય એમ લાગે. તેના ભાગો સહેલાઈથી બદલાતા નથી. તે મકાનને અનુરૂપ એનો ઉપયોગ થાય છે. અંદરથી વિશાળ અને બહારથી સીમિત એવું એનું માળખું જોવા મળે છે. ઇસ્લામી સ્થાપત્યનાં મકાનોમાં કોઈ એક ધરીનો પણ અભાવ હોય છે. ઘણી વખત તેની દિશા તેના ઉપયોગની દિશાથી વિરુદ્ધ હોય છે. ફક્ત ચાર-ઇવાનનો ખ્યાલ બાદ કરીએ તો એ સ્થાપત્યમાં સમતોલન પણ ભાગ્યે જ જોવા મળે છે. આથી જ ઇસ્લામી સ્થાપત્યમાં મકાનોના મૂળ ભાગ ઉપર આધારિત હોય તેવો ઉમેરો કરવાનો ઘણો અવકાશ હોય છે. આનું મુખ્ય ઉદાહરણ મુસ્લિમ રાજમહેલોમાં જોવા મળે છે; આપણને તે આયોજનની અનિયમિતતા જેવું લાગે છે. (દાખલા તરીકે ફતેહપુર સિક્રી). દીવાલો, કમાનો અને કમાનોવાળું છાપરું તે ઇસ્લામી બાંધકામનાં મુખ્ય અંગો છે.

સૌથી સુંદર ઇસ્લામી સ્થાપત્યમાં પ્રણાલીગત બાંધકામ ભાગ્યે જ જોવા મળશે. મકાનની બાંધણીમાં આધારોનો ભાસ થયા વગર તેની બાંધણી હળવી દેખાય તેવો અભિગમ રહેલો હોય છે. આથી જ કલાત્મક જડતર અને કોતરણી વડે મકાનોને સુશોભિત કરવામાં આવતાં. તેમાં કલાત્મક ભૌમિતિક આકારો વગેરેની છાપ અત્યંત પ્રભાવશાળી બની રહે છે. આ બધી પ્રણાલી, દિશાવિહીન આયોજનવાળો મકાનનો નકશો અને વિપુલ પુનરાવર્તન પામતી આંતરિક વ્યવસ્થા સાથે વિલીન થાય છે. તેને કોઈ એક કેન્દ્ર નથી હોતું.

ઇસ્લામી સ્થાપત્યમાં અનેકતામાં એકતાનું સંયોજન દેખાય છે તે ઇસ્લામી સંસ્કૃતિનું હાર્દ છે. તે સ્થાપત્ય અવિભાજ્યતા અને વિભાજ્યતાનું એકસાથે દર્શન કરાવે છે.

કૃષ્ણવદન જેટલી

રવીન્દ્ર વસાવડા