ઇસીકાવા, તાકુબોકુ (જ. 28 ઑક્ટોબર 1886, હિનોટો, જાપાન; અ. 13 એપ્રિલ 1912, ટોકિયો) : ટૂંકા કાવ્યપ્રકારના અગ્રણી જાપાની કવિ. ‘ઇસીકાવા તાકુબોકુ’ ઇસીકાવા હજિમેનું તખલ્લુસ છે. તાકુબોકુનું શિક્ષણ અપૂર્ણ હતું, છતાં તેમણે વાચન દ્વારા જાપાની અને પશ્ચિમના સાહિત્યનું સારું એવું અધ્યયન કર્યું હતું. 1905માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘એકોગરે’ પ્રગટ થયો. 1908માં ટોકિયોમાં વસવાટ કર્યો અને રંગદર્શી મ્યોજો-જૂથના કવિઓના સંપર્કમાં આવીને તેમણે રાજકારણના પુટવાળા યથાર્થવાદી સાહિત્યની રચના કરી. 1910માં 551 ટૂંકાં કાવ્યોનો પ્રથમ મહત્વનો સંગ્રહ ‘ઇચિઆકુ નો સુના’ પ્રગટ કર્યો અને તેમાં સાહિત્યિક પરંપરાની ભાષાને બદલે બોલાતી ભાષા વાપરી. તાકુબોકુએ ટૂંકાં કાવ્યોમાં બૌદ્ધિક વ્યંગનું સફળતાપૂર્વક આલેખન કર્યું. ટોકિયોમાં તાકુબોકુ પ્રૂફરીડિંગ કરીને અને ‘આશાહી’ અખબારોમાં કાવ્ય-સંપાદકનું કાર્ય કરીને આજીવિકા મેળવતા હતા. વારંવાર તેમને આર્થિક તંગી અનુભવવી પડતી હતી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ‘રૉમાજિ નિડિક’માં આ ઘટનાઓ તેમણે નોંધી છે. અત્યંત પ્રામાણિકપણે તેમણે આ કૃતિમાં પોતાની ઊર્મિઓ અને વિચારોને વ્યક્ત કર્યાં છે. તેમણે લખેલા ગદ્યસાહિત્યમાં કવિતા જેવું ઓજસ નથી. ‘યોબુકો નો ફ્યુ’ તેમની સમાજવાદી વિચારધારાની અભિવ્યક્તિવાળો વિપ્લવી કાવ્યસંગ્રહ છે. અંગ્રેજીમાં અનૂદિત થયેલો તેમનો એક કાવ્યસંગ્રહ ‘એ સૅડ ટૉય’ (1912) છે. લાંબી બીમારી ભોગવી તેઓ ગરીબીમાં ટોકિયોમાં અવસાન પામ્યા હતા. તેમનો કાવ્યસંગ્રહ ‘યોબિકો તો કુચિબ્યુ’ (પાઇપિંગ ઍન્ડ વ્હિસ્લિંગ, 1913) તથા તેમની નોંધપોથી તેમના મૃત્યુ બાદ પ્રગટ થયાં હતાં.
કૃષ્ણવદન જેટલી