ઇસિસ : પ્રાચીન ઇજિપ્તની એક મહત્વની દેવી, પ્રાચીન ચિત્રલિપિમાં જેનો અર્થ ‘સિંહાસન’ થાય છે. તેના ગ્રીક રૂપના આધારે તેનું નામ પડ્યું હોય તેવો સંભવ છે. પિરામિડના (Pyramid Texts) અભિલેખોમાં તેનો ઉલ્લેખ ‘મુખ્ય શોક પાળનાર’ તરીકે કરવામાં આવ્યો છે. ઓસિરિસ નામના દેવતાની તે પત્ની તથા હોરસ નામના પુત્રની તે માતા છે. ઓસિરિસનું ખૂન થયું તે પહેલાં તે દેવતા તરીકે પૂજાતી, પરંતુ પતિના ખૂન પછી તે મોહિની વિદ્યા ધરાવતી પ્રમુખ નટી કે અભિનેત્રી તરીકે પ્રસિદ્ધિ પામી હતી. તેની મોહિની વિદ્યાથી તેણે પોતાના પતિને ફરી જીવન બક્ષ્યું હતું તેવા ઉલ્લેખ સાંપડે છે. હોરસ મોટો થયો તે પછી તેણે પોતાના પિતાના ખૂનનો બદલો લેવાના હેતુથી તેના ખૂનીનો શિરચ્છેદ કર્યો હતો. પતિના મૃત્યુ પછી ઇસિસે પોતાના પુત્રના રક્ષણ કાજે વિલક્ષણ જહેમત ઉઠાવી હતી. મોહિની વિદ્યાથી તેણે અસાધ્ય બીમારીથી પીડાતા લોકોને રોગમુક્ત કર્યાના તથા મરણ પામેલાઓને પુનર્જીવિત કર્યાના કિસ્સાઓ પરથી જીવનદાત્રી તરીકે તે ખ્યાતિ પામી હતી. તેનામાં લોકોની શ્રદ્ધા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેના નામે એક નવો સંપ્રદાય ઊભો થતો ગયો. ઇજિપ્તમાં તેનો ઝડપથી ફેલાવો થયો. આ સંપ્રદાયે ઓસિરિસના મૃત્યુ તથા તેને પ્રાપ્ત થયેલ પુનર્જીવનની ઘટનાના રહસ્યનું સ્તવન કરવા પર તથા તેની ઉજવણી કરવા પર ભાર મૂક્યો હતો. અન્ય દેવદેવતાઓ કરતાં પણ અસામાન્ય ગણાય તેવી દૈવી શક્તિઓ ઇસિસ ધરાવે છે તેવી માન્યતા લોકોમાં પ્રચલિત થઈ હતી; તેને લીધે ભૂમધ્ય સાગરના સમગ્ર તટપ્રદેશમાં પ્રમુખ દેવતા તરીકે તેણે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઇજિપ્તની દક્ષિણમાં, ભૂમધ્ય સાગરના તટપ્રદેશોમાં તથા ગ્રીસ, રોમ અને ઍલેક્ઝાંડ્રિયા જેવાં સ્થળોમાં તેનાં મંદિરો ઊભાં કરવામાં આવ્યાં હતાં; જેમાં પૉમ્પી ખાતેના પ્રસિદ્ધ મંદિરનો પણ સમાવેશ થાય છે. ફિલી (philae) દ્વીપકલ્પ પર તેનું જે મુખ્ય પૂજાસ્થાન હતું તે પાછળથી નાઇલ નદીમાં જલમગ્ન થયું હતું. છેક છઠ્ઠી સદી સુધી દેવતા તરીકે ઇસિસની પૂજા થતી રહી હતી. પૃથ્વી, સ્વર્ગ તથા પાતાળની સામ્રાજ્ઞી, ધરતીની માતા, બ્રહ્માંડની પુત્રી, અન્નદાત્રી જેવાં વિવિધ નામોથી તેને નવાજવામાં આવી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે