ઇવાઝ કૈવિઝ જારોસ્લાવ

January, 2002

ઇવાઝ કૈવિઝ જારોસ્લાવ (જ. 20 ફેબ્રુઆરી 1894, કાલ્નિક; અ. 2 માર્ચ 1980, સ્ટાવિસ્કો) : પોલૅન્ડના પ્રતિભાવંત બહુમુખી સાહિત્યકાર. 1912માં કીવ વિશ્વ-વિદ્યાલયમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ આરંભ્યો. સાથોસાથ સંગીતશાળામાં પણ તાલીમ લેવાનું ચાલુ રાખ્યું. 1918થી તેમણે પોલૅન્ડની રાજધાની વૉર્સોમાં વસવાટ સ્વીકાર્યો. અહીં તે ઊર્મિકવિઓના ‘સ્કમાન્દર’ નામના મંડળના સહસ્થાપક બન્યા. 1923થી 1925નાં બે વર્ષો દરમિયાન તે પાર્લમેન્ટના સ્પીકરના અંગત સચિવ રહ્યા અને ત્યારબાદ વિદેશ મંત્રાલયમાં જોડાયા. 1932થી 1936 દરમિયાન તે જુદી જુદી મહત્વની રાજકીય કામગીરી સ્વીકારતા રહ્યા, પણ બીજા વિશ્વયુદ્ધ પછી રાજકીય પ્રવૃત્તિનો ત્યાગ કર્યો. અલબત્ત, 1953માં શાંતિ માટેની પોલૅન્ડની સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી તેમણે સંભાળી અને પાર્લમેન્ટના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી. 1943થી 1949 અને 1959થી 1972 – એમ બે વાર તે પોલૅન્ડના લેખકસંઘના અધ્યક્ષ બન્યા. 1955થી તેમણે ‘ક્રિયેશન’ (Two-rezosc) નામના સાહિત્યિક માસિકના મુખ્ય સંપાદક તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

‘ઑક્ટોસ્ટિકી’ (1919), ‘ધ બ્રુક ઑવ્ ડે ઍન્ડ ધ બુક ઑવ્ નાઇટ’ (1922) તથા ‘કલેક્ટેડ પોએમ્સ’(1968)માં પ્રગટ થયેલાં તેમનાં કાવ્યોમાં મુખ્યત્વે પોલૅન્ડના પ્રકૃતિર્દશ્યની ઊર્મિકવિતાનો આવિષ્કાર છે. ગદ્યલેખનના ક્ષેત્રે પણ તેમણે નિબંધો, નાટકો, જીવનચરિત્રો, ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને ભાષાંતરો દ્વારા તમામ સ્વરૂપોમાં વૈવિધ્યપૂર્ણ ખેડાણ કર્યું છે. આમાં ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘સ્ટોરિઝ’ (1959) તથા નવલત્રયી ‘ફેઇમ ઍન્ડ ગ્લોરી’ (1956-1963) વિશેષ ઉલ્લેખનીય છે. 3 ખંડોમાં આલેખાયેલી તે નવલકથામાં 1914થી 1945 દરમિયાન પોલૅન્ડમાં વ્યાપેલી અશાંતિ તથા ક્ષુબ્ધતાનું નિરૂપણ છે.

કૃષ્ણવદન જેટલી