ઇવાન ધ ટેરિબલ

January, 2002

ઇવાન ધ ટેરિબલ (1944-1946) : વિશ્વ સિનેમાના ઇતિહાસમાં પ્રશિષ્ટ (classical) કલાકૃતિ તરીકે સ્થાન પામેલ રશિયન સિનેદિગ્દર્શક સેરેજી આઇઝેન્સ્ટાઇનની બે ભાગમાં વહેંચણી પામેલી એક દીર્ઘ સિનેકૃતિ. નિર્માતા : યુ. એસ. એસ. આર., ભાષા : રશિયન. ભાગ પ્રથમ-1944, ભાગ બીજો-1946. પ્રત્યેક ભાગની અવધિ 1½ કલાક. પટકથાલેખન અને દિગ્દર્શન એસ. એમ. આઇઝેન્સ્ટાઇન. નિર્માણ : અલ્મા અટા અને મોસ ફિલ્મ સ્ટુડિયો. છબીકલા : એડવર્ડ ટીસે (એક્સ્ટિરિયર) આન્દ્રેઇ મૉસ્કોવીન (ઇન્ટિરિયર). ડિઝાઇન : વાય સ્પિનેલ અને લિયૉનીડ નોઆમૉવ, આઇઝેન્સ્ટાઇને દોરેલાં રેખાચિત્રોને આધારે. સંગીત : સેરેજી પ્રૉકોફિવ. અભિનય : નિકોલાઈ ચેરકાસોવ (ઇવાન), લુડમીલા ટેલિકૉવસ્ક્યા (અનાસ્તાસ્યા રોમોનૉવના), સિરાફિમા બીરમાન (યુફ્રોસીને સ્ટારિટ્સ્કી), પૉવેલ કૉડોશિન્કોવ (વાલ્દિમીર સ્ટારિટ્સ્કી), મિખાઇલ નાઝવાનૉવ (પ્રિન્સ આન્દ્રેઇ કુર્બસ્કી); આન્દ્રેઇ અબ્રિકોસૉવ (બૉયર ફિયોદૉર કૉલિસૅવ પાછળથી ફિલિપ, મૉસ્કોનો મેટ્રોપોલિટન ધાર્મિક વડો), ઍલેકઝાન્ડર મૅગેબ્રૉવ (પિમૅન, આર્ચબિશપ ઑવ્ નોવો ગોરોડ), વેસેવલૉડ પુડોવકિન (નિકોલા).

1941માં આઇઝેન્સ્ટાઇનને આ ફિલ્મનું દિગ્દર્શન સોંપવામાં આવ્યું. ત્યારે તે સિનેસર્જનવિષયક સિદ્ધાંતનું એક પુસ્તક લખી રહ્યા હતા. ‘ઇવાન ધ ટેરિબલ’ સર્જવા માટે તેમને મોસ ફિલ્મના વડા અને સોવિયેત ચલચિત્રનિર્માણના પર્યવેક્ષકની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા અને પોતાનો સઘળો સમય અને શક્તિ તે કૃતિ સર્જવા માટે ખર્ચવા તેમને છૂટો દોર અપાયો. (જે સર્જકના કહેવા પ્રમાણે તેમની શ્રેષ્ઠ કૃતિ પુરવાર થનાર હતી.) સહાયક પટકથા લેખક-દિગ્દર્શક ગ્રેગોરી ઍલેકઝાન્ડ્રૉવ, છબીકાર એડવર્ડ ટીસે વગેરે જૂના સહાયકો આ કાર્ય માટે ફરી મળ્યા.

‘ઇવાન ધ ટેરિબલ’નું કથાવસ્તુ સોળમી સદીના રશિયાના રાજા ચોથા ઝારની જીવનકથા પર આધારિત છે. તેણે અનેક સામંતશાહી રજવાડાંઓમાં વિભાજિત રશિયાને એક સંગઠિત રાષ્ટ્ર બનાવ્યું હતું અને પોતે સર્વસત્તાધીશ બની સમગ્ર રશિયા પર ઝારવંશની એકચક્રી સત્તા પ્રસ્થાપિત કરી હતી.

આ દીર્ઘ સિનેકૃતિના પ્રથમ ભાગમાં ઇવાનના ઝરીના અનાસ્તાસ્યા સાથેના પ્રણયપ્રસંગોનું નિરૂપણ છે, જેમાં છેવટે ઝરીનાને ઉમરાવો દ્વારા ઝેર અપાઈ મોતને ઘાટ ઉતારાય છે. પછી ઇવાનને રાજકીય પ્રબળતા હાંસલ કરવાના તેના જીવનના બાકી રહેલ એકમાત્ર હેતુ તરફ વળતો દર્શાવાયો છે. બીજા ભાગમાં ઇવાન ઉમરાવ સામે નિર્મમ બની અત્યંત કડક પગલાં ભરી ઝાર તરીકે સત્તા પ્રાપ્ત કરે છે તેમજ રશિયન ચર્ચ સાથે સંઘર્ષમાં ઊતરે છે ને છેવટે સાર્વભૌમ સત્તાધીશ ઝાર બને છે. ‘બૉયરાસ્કી ઝાગોવર’ (બૉયર્સ પ્લૉટ) તરીકે જાણીતા બીજા ભાગમાં પ્રથમ ભાગનું ઇવાનનું પાત્ર યુવાનીમાંથી પ્રૌઢાવસ્થાની પરિપક્વતા હાંસલ કરે છે. ઇવાનના મુખ્ય પાત્રમાં અભિનેતા ચેરકાસૉવનો પ્રભાવશાળી અભિનય આ ફિલ્મનું શ્રેષ્ઠ અંગ બની રહે છે. અભિનય, છબીકલા અને દિગ્દર્શનની ઉચ્ચ કક્ષા ધરાવતી આ કૃતિ વિશ્વસિનેમાની એક અમર કલાકૃતિ તરીકે ગણના પામી છે.

આઇઝેન્સ્ટાઇને ઐતિહાસિક પાત્રની મનોવૈજ્ઞાનિક જટિલતા પોતાની આગવી શૈલીમાં રજૂ કરેલી તેથી સંઘર્ષ થયેલો છે. પ્રતિભાશાળી નાયકની સ્વીકૃત વિચારશ્રેણીથી ભિન્ન અર્થઘટનને કારણે રાષ્ટ્રના તત્કાલીન વડા સ્તાલિને કૃતિના પ્રથમ ભાગને માન્યતા આપ્યા બાદ બીજા ભાગ પ્રત્યે નાપસંદગી દર્શાવી હતી. તેથી ફિલ્મના બીજા ભાગના પ્રદર્શન પર રાજ્ય દ્વારા 10 વર્ષ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, તે સ્તાલિનના મરણ બાદ 5 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો.

ચિત્રની પટકથાના બંને ભાગ અંગ્રેજી ભાષામાં અનુવાદ પામીને સર્વપ્રથમ વાર બ્રિટિશ સામયિક ‘લાઇફ ઍન્ડ લેટર્સ’ના અંક નવે.-ડિસે. 1945 તેમજ મે-જૂન 1946માં પ્રકાશિત થયા હતા. ભારતના રાષ્ટ્રીય ચલચિત્ર શિક્ષણ સંસ્થાનમાં ચલચિત્રશિક્ષણના એક ભાગ રૂપે આ ફિલ્મનું પ્રદર્શન તેમજ પૃથક્કરણ કરવામાં આવે છે. ભારતના રાષ્ટ્રીય ચલચિત્ર સંગ્રહાલય (પુણે) ખાતે વિશ્વસિનેમાની મહત્વની કૃતિ તરીકે તેની અંગ્રેજી સબટાઇટલવાળી એક પ્રિન્ટને સંગૃહીત કરવામાં આવી છે. ફેડરેશન ઑવ્ ફિલ્મ સોસાયટીઝ ઑવ્ ઇન્ડિયા સાથે જોડાયેલી અનેક સ્વૈચ્છિક ફિલ્મ સોસાયટીઓ દ્વારા દેશભરમાં આ પ્રિન્ટની નકલ અનેક વાર પ્રદર્શિત થયેલ છે.

ઉષાકાન્ત મહેતા