ઈલિયડ (Iliad) (ઈ.પૂ. આઠમી સદી) : ગ્રીક મહાકાવ્ય. ગ્રીક મહાકવિ હોમરે ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ મહાકાવ્યોની રચના કરી હતી. હોમરની જન્મભૂમિ આયોનિયા. આયોનિયનો પોતાની સાથે ટ્રોજનવિગ્રહને લગતી અસંખ્ય કથાઓ લઈને આવ્યા હતા. આ કથાઓનો અમૂલ્ય વારસો આ પ્રજાના વંશજોએ કંઠોપકંઠ સચવાતી કવિતાના રૂપે અખંડ જાળવી રાખ્યો હતો. હોમરે સદીઓથી ચાલ્યા આવતા ગ્રીક પ્રજાકુળોના, ઇતિહાસર્દષ્ટિએ તેમજ પુરાકલ્પનોની ર્દષ્ટિએ અત્યંત સમૃદ્ધ એવા કાવ્યવારસાને આત્મસાત્ કરીને તેમાંના અત્યંત જટિલ અને પરસ્પર ભિન્ન એવા કથાપ્રસંગોને અદભુત કલ્પનાશક્તિથી પ્રમાણી તેમજ મહાકવિને જ લભ્ય એવી આર્ષજીવનર્દષ્ટિથી સંમાર્જીને એક અખંડ આકારબદ્ધ એવા કાવ્ય-રૂપમાં ગૂંથ્યા છે. આ આદિ મહાકાવ્યો (primitive epics) સ્વરૂપર્દષ્ટિએ તે પછીનાં ‘ઇનિડ’ કે ‘ડિવાઇન કૉમેડી’ જેવાં સાહિત્યિક મહાકાવ્યો(literary epics)થી જુદાં છે. ‘ઇલિયડ’ કે ‘ઑડિસી’ની સર્ગબદ્ધ કાવ્યબાનીમાં સ્વરૂપશૈથિલ્ય હશે, પણ આ કાવ્યોમાં સ્ફુટ થતા જીવનદર્શને ગ્રીક સંસ્કૃતિની એક સબળ પીઠિકા બાંધી આપી છે.
અકાયનો અને ટ્રોજનો વચ્ચે ટ્રૉયની ભૂમિ પર 10 વર્ષ સુધી ચાલેલા ભીષણ વિગ્રહની કથા ‘ઇલિયડ’નું કથાવસ્તુ છે. હોમરે ‘ઇલિયડ’-‘ઑડિસી’ બંને મહાકાવ્યો હેગ્ઝામીટરમાં રચ્યાં છે. બાર અક્ષરોવાળા છ ગણોમાં નિબદ્ધ સ્વરભારની સંકુલ યોજનાવાળી પ્રલંબ પંક્તિ આ પ્રાચીન છંદની રૂપગત વિશિષ્ટતા પ્રગટ કરે છે. 100 સર્ગોમાં નિબદ્ધ આ કાવ્યમાં ઉપમા, ઉત્પ્રેક્ષા આદિ અલંકારોનો તેમજ વાગ્મિતાસભર કાવ્યગુણે સમૃદ્ધ બાનીનો વિનિયોગ થયો છે.
‘ઇલિયડ’ શબ્દનો અર્થ ઇલિયોસની કથા, એટલે કે ટ્રૉયની યુદ્ધગાથા. ‘ઇલિયડ’માં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દેવો અને દેવીઓ મનુષ્યોના પક્ષે કે વિરોધમાં રહીને તેમના સારામાઠા ભાવિનું નિર્માણ કરવામાં કારણભૂત બને છે. હોમરે આ દેવસૃષ્ટિનો આદર કરતાં જઈને પણ દેવોમાં રહેલી ઈર્ષા, અસૂયા, ધિક્કાર આદિ વૃત્તિઓને છતી કરી તેની પડછે મનુષ્યમાં રહેલી સ્નેહ અને ક્ષમાની વૃત્તિનું ગૌરવ કર્યું છે. હોમર ટ્રોજનવીર કે અકાયનવીરના વીરત્વનું એકસરખું મૂલ્ય આંકે છે. એને મનુષ્યમાત્રની ઉદાત્ત જીવનર્દષ્ટિનું બહુ મૂલ્ય છે. એ મહાન યોદ્ધાના સ્ખલનનું કારણ એની પોતાની સ્વભાવજન્ય નબળાઈમાં જુએ છે. આ માનવસહજ નબળાઈ છે અહંતા. ગ્રીક સર્જકોએ મનુષ્યના વિનિપાતનું મૂળ એની અહંતામાં જોયું છે. આ એકમાત્ર ક્ષતિ હેમાર્શિયા મહારથીના વિનિપાતને પણ નોતરે છે. એગેમેમ્નોનમાં કટોકટીની પળે આ ક્ષતિ પ્રગટ થઈ જાય છે અને તેનું પરિણામ તેના માટે તેમજ અકાયન યોદ્ધાઓ માટે પણ વિઘાતક પુરવાર થાય છે.
પૅરિસે ઍફ્રોડાઇટીને રૂપસામ્રાજ્ઞી તરીકે ઉદઘોષિત કરેલી. ઍફ્રોડાઇટીએ પૅરિસને વચન આપેલું કે તે રૂપગર્વિતા હેલનને પ્રાપ્ત કરશે. હેલન માયસિનના રાજવી મેનેલાઉસની પત્ની છે, પણ ટ્રૉયનો રાજકુમાર પૅરિસ ઍફ્રોડાઇટીની સહાયથી હેલનનું હરણ કરે છે. એગેમેમ્નોન પોતાના ભાઈની પત્નીના થયેલા અપહરણથી ક્રુદ્ધ થઈ ગ્રીક યોદ્ધાઓની સહાયથી ઔલિસાના સમુદ્રમાર્ગે ટ્રૉયના કાંઠે ઊતરીને ત્યાંના રાજવી પ્રાયમ સાથે યુદ્ધ આરંભે છે.
‘ઇલિયડ’નો આરંભ કથાના મધ્યભાગથી થાય છે, પણ હોમરની સંવિધાનકલાના સંદર્ભમાં જોતાં આખીય કૃતિમાં એક અને અખંડ એવો શાશ્વતકાળ વહી રહ્યો છે. જુદાં જુદાં કાળપરિમાણોને સાંકળી તેમાંથી પ્રસંગોને અપેક્ષિત એવા કાળખંડની સંરચના કરી અદભુત પાત્રવિધાન કરવાની શક્તિમાં હોમરની મહાકવિ તરીકે એક સિદ્ધિ રહેલી છે. એગેમેમ્નોનની સામે ઍકિલીઝનું તેમજ ઑડિસિયસની સામે વૃદ્ધ નેસ્ટરનું પાત્રાલેખન હોમરની વિલક્ષણ શક્તિનો પરિચય આપે છે. સમગ્ર ગ્રીક સેનાનો મહાસેનાની એગેમેમ્નોન ‘ઇલિયડ’નો નાયક નહિ પણ ઉપનાયક છે, જ્યારે ઍકિલીઝ કે જે લશ્કરના ઉપસેનાનીઓમાંનો એક છે તે કૃતિનો નાયક છે. ઍકિલીઝમાં વિજયની પરમોચ્ચ ક્ષણે શત્રુ પ્રત્યે અનુકંપાની તેમજ ક્ષમાની લાગણી પ્રકટી જાય છે, તેનું મહત્વ તેનામાં રહેલા અમોઘ વીરત્વ કરતાં વિશેષ આંકીને હોમરે મનુષ્યત્વનો મહાન મહિમા ગાયો છે. હોમરે કાવ્યનો ઉપાડ તીવ્ર નાટ્યાત્મકતાવાળી કટોકટીની પળને વિકસાવવામાં કર્યો છે. આરંભમાં કાવ્યનો ધ્વનિ પ્રકટ કરતી નોંધમાં હોમર ઍકિલીઝના ક્રોધને કાવ્યના કેન્દ્રમાં મૂકી, આ ક્રોધ અકાયન યોદ્ધાઓની તબાહીનું કારણ બને છે તેમ કહીને એ પણ સ્પષ્ટ કરે છે કે જ્યૂસની ઇચ્છાશક્તિ ઍકિલીઝના મૂળમાં હતી. એગેમેમ્નોન ઍકિલીઝને તેની પ્રિયતમા બ્રાઇસિસ પોતાને સોંપી દેવાનો પ્રસ્તાવ મૂકે છે, જેનો સંજોગવશાત્ ઍકિલીઝને કમને પણ સ્વીકાર કરવો પડે છે. પણ આ પ્રસંગને કારણે બંને વચ્ચે વિચ્છેદ સર્જાય છે. ઍકિલીઝ પોતાના યોદ્ધાઓ સહિત યુદ્ધભૂમિ ઉપરથી ખસી જઈ પોતે ટ્રૉયની સામે હવે યુદ્ધે નહિ ચડે એવો નિર્ણય એગેમેમ્નોનને જણાવે છે. આમ ‘ઇલિયડ’ બીજી રીતે જોઈએ તો એગેમેમ્નોન અને ઍકિલીઝના દેવનિર્મિત સંઘર્ષમાંથી નીપજેલા વિચ્છેદનું ગાન છે. યુદ્ધ શરૂ થાય છે ત્યાં જ પૅરિસના પ્રસ્તાવનો સ્વીકાર કરી મેનેલાઉસ દ્વન્દ્વયુદ્ધ માટે તૈયાર થાય છે. મેનેલાઉસે ઉદઘોષણા કરી કહ્યું : ‘પારકાની સ્ત્રીનું અપહરણ કરનારનો કેવો અંજામ આવે છે તે હવે આપણાં બાળકો સમજશે.’ બંનેનું દ્વન્દ્વયુદ્ધ નીરખવા ઑલિમ્પસથી દેવો ઊતરી આવ્યા હતા. મેનેલાઉસે પૅરિસને પરાજિત કર્યો. ઍફ્રોડાઇટીની સહાયથી પૅરિસ જાનના જોખમે ભાગી છૂટ્યો. શરત પ્રમાણે હેલન મેનેલાઉસને ન સોંપતાં એગેમેમ્નોને યુદ્ધ આરંભી દીધું. અનેક સેનાનીઓ બંને પક્ષે મૃત્યુ પામ્યા. ડાયોમિડીઝના આક્રમણ સામે ટ્રોજનો ન ટકી શક્યા. ટ્રોજનોના સર્વોચ્ચ સેનાની હેક્ટરે નગરમાંનાં સ્ત્રીબાળકોને એથીનીના દેવળના સુરક્ષિત સ્થાને જવાનું કહ્યું. હેક્ટરે પત્નીની વિદાય લીધી. પત્નીના હાથમાંનું બાળક હેક્ટરે પહેરેલા યુદ્ધના પોશાકથી ભયભીત થયું તો પ્રેમાળ પિતાએ માથા ઉપરનું પીંછાંઓથી શોભતું શિરસ્ત્રાણ ઉતારી નાખ્યું અને બાળકને ચૂમ્યું. યુદ્ધનાં લોહી નીગળતાં કરાયેલ વર્ણનોની વચ્ચે આવતું પિતાના અપત્યપ્રેમનું વર્ણન હોમરના હૈયામાં માનવીય મૂલ્યની કેવી ઊંડી ખેવના રહેલી છે તેનું વિશેષ દ્યોતક બની રહે છે.
હેક્ટરે ડાયોમિડીઝનો પીછો પકડી પોતાના સૈન્યને ત્વરાપૂર્વક શત્રુહરોળો પર ધસી જવાનું ફરમાન કર્યું. હેક્ટરનું અપૂર્વ વીરત્વ જોઈ એગેમેમ્નોન ભયવિહવળ બની ગયો. એગેમેમ્નોને ઍકિલીઝને સન્માનપૂર્વક પાછો બોલાવવાનું કામ ઐયસ અને ઑડિસિયસને સોંપ્યું. ઍકિલીઝે ઑડિસિયસ અને ઐયસનો આદરપૂર્વક સત્કાર કર્યો. પછી એગેમેમ્નોનનો પ્રસ્તાવ રોષપૂર્વક ફગાવી દીધો.
એગેમેમ્નોનની રાહબરી નીચે અકાયનોએ પુન: અપૂર્વ શૌર્ય દાખવી ટ્રોજનોને પાછા ધકેલી દીધા, પણ જ્યૂસે હેક્ટર પર કૃપા વરસાવી. હેક્ટરે વળતો જોરદાર હુમલો કરી અકાયનોને તેમની શિબિરોમાં ધકેલી દઈ, તેમણે રચેલી બધી હરોળો તોડી આગળ ધસી આવી કેર વરસાવી દીધો. નેસ્ટરે ઍકિલીઝના પ્રિય મિત્ર પેટ્રોક્લસ આગળ અકાયનોની કરુણ સ્થિતિનું હૃદયદ્રાવક બયાન કર્યું. પેટ્રોક્લસ આ વર્ણનથી દ્રવી ગયો. તેણે ઍકિલીઝને વીનવ્યો પણ ઍકિલીઝે યુદ્ધમાં ન લડવાનો પોતાનો નિર્ણય બદલ્યો નહિ. તેણે પોતાના માર્મિડોન યોદ્ધાઓની મદદ આપવાનું કબૂલી પ્રિય મિત્ર પેટ્રોક્લસને પોતાનું બખ્તર ઉતારી આપ્યું. ઍકિલીઝે આપેલું બખ્તર પહેરી પેટ્રોક્લસે માર્મિડોન યોદ્ધાઓની સહાયથી અપૂર્વ વીરત્વ દાખવ્યું. ટ્રોજન યોદ્ધાઓની હરોળો તોડી પેટ્રોક્લસ હેક્ટરની સામે ધસી આવ્યો. હેક્ટરે સામે આવી ગયેલા પેટ્રોક્લસને ચતુરાઈપૂર્વક માર્યો. પેટ્રોક્લસની હત્યાના સમાચાર જાણી ઍકિલીઝે પ્રતિજ્ઞા લીધી કે તે પ્રિય મિત્રની હત્યાનો બદલો હેક્ટરનો વધ કરીને લેશે.
ઍકિલીઝ અને એગેમેમ્નોન વચ્ચે મનમેળ સધાયો. બીજે દિવસે યુદ્ધ આરંભાતાં જ ઍકિલીઝે અભૂતપૂર્વ શૂરાતન દાખવી ટ્રોજનોને તેમના ગઢ તરફ ધકેલી દીધા. બાજ પંખી ત્વરાથી કબૂતરને ઝડપી લે તેમ ઍકિલીઝે હેક્ટરને ઝડપી લીધો. હેક્ટરે ઍકિલીઝ સાથે ભીષણ દ્વન્દ્વયુદ્ધ આરંભ્યું. આ બંને યોદ્ધાઓનું ભીષણ યુદ્ધ નીરખવા ઑલિમ્પસના સર્વે દેવો આવી પહોંચ્યા. હેક્ટરે કરેલાં બધાં શસ્ત્રોના પ્રહારો કારગત નીવડતા નહોતા. અંતે ઍકિલીઝે વીજળીની ત્વરાએ કૂદી પોતાનો ભાલો હેક્ટરના ગળામાં પરોવી દીધો. મરતા હેક્ટરે ઍકિલીઝને આજીજી કરી કે પોતાનું શબ ટ્રોજનોને પાછું સોંપે, પણ ઍકિલીઝે હેક્ટરના શબને રથની સાથે બાંધી ત્રણ વાર રથને કિલ્લાની ફરતો ફેરવ્યો અને ત્રણે વાર હેક્ટરનું શબ અરેરાટી ઉપજાવે તેવી રીતે જમીન પર ઢસડાયું. પુત્ર હેક્ટરનું શબ પાછું મેળવવા શિબિર પર આવેલા પ્રાયમને નીરખી ઍકિલીઝનું હૃદય દ્રવી ગયું. તેણે વૃદ્ધ પ્રાયમમાં પોતાના પિતાનો ચહેરો નિહાળ્યો. સુગંધી દ્રવ્યોનો અભિષેક હેક્ટરના મૃતદેહ પર કરી ઍકિલીઝે તે મૃતદેહ દબદબાપૂર્વક પ્રાયમને સોંપ્યો.
હેક્ટરનો અગ્નિસંસ્કાર સૌ સ્વજનોની હાજરી વચ્ચે કરવામાં આવ્યો. સૌ સંબંધીઓએ આ સર્વોચ્ચ યોદ્ધાના વીરોચિત મૃત્યુને અંજલિઓ અર્પી. હેલને અર્પેલી અંજલિમાં હેક્ટરના ઉદાત્ત ચરિત્રનાં દર્શન થાય છે : ‘હે વીર નર ! અહીં સહુ મને તરછોડતું, સહુ મારો તિરસ્કાર કરતું. તમે મને હંમેશ સ્નેહ અને અનુકંપાની નજરે નીરખી હતી.’
હેક્ટરના અગ્નિસંસ્કાર સાથે ‘ઇલિયડ’નો અંત આવે છે. ટ્રૉયના પતન વિશે કે ઍકિલીઝના મૃત્યુ વિશે આ મહાકાવ્યની પૂર્તિરૂપ લખાયેલ અન્ય કાવ્યોમાં ઉલ્લેખો જોવા મળે છે. હોમરે ‘ઇલિયડ’માં યુદ્ધના કારણે વિનિપાતની ગર્તામાં ધકેલાતાં માનવકુળોની કથા જ માત્ર નથી કહી, પણ આ કરુણ વાસ્તવિકતાની સાથે સાથે આ વિઘાતક પરિસ્થિતિમાંથી ઉગાર શોધતી, માનવજાતની ભાવિ સુખમય જીવનની એષણાઓ સેવતી મંગલ ર્દષ્ટિનો સંકેત પણ મૂક્યો છે. જયંત પંડ્યાએ આ મહાકાવ્યનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
નલિન રાવળ