ઇલિઝાબેથ–II (ઇલિઝાબેથ અલેક્ઝાંડ્રા મેરી)

January, 2002

ઇલિઝાબેથ–II (ઇલિઝાબેથ અલેક્ઝાંડ્રા મેરી) (જ. 21 એપ્રિલ 1926, લંડન) : ગ્રેટ બ્રિટન અને ઉત્તર આયર્લૅન્ડનાં સામ્રાજ્ઞી તથા રાષ્ટ્રકુટુંબ(Commonwealth)નાં વડાં. ડ્યૂક અને ડચેસ ઑવ્ યૉર્ક(પાછળથી સમ્રાટ જ્યૉર્જ 6 તથા સામ્રાજ્ઞી ઇલિઝાબેથ)નું પ્રથમ સંતાન. 1936માં વારસ તરીકે વરણી થતાં ભવિષ્યની જવાબદારીઓ ઉપાડવા માટેની પૂર્વતૈયારી રૂપે બંધારણીય ઇતિહાસ, કાયદો, ભાષા તથા સંગીતનો વિધિસર અભ્યાસ કર્યો. 1940માં સામ્રાજ્યનાં બાળકોને ઉદ્દેશીને પ્રથમ રેડિયો-પ્રસારણ કર્યું. 1942માં ગ્રેનેડિયર ગાર્ડ્ઝનું નિરીક્ષણ કરી જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં પ્રથમ પગલું ભર્યું. 1944માં રાજ્યના સલાહકાર (Counsellor of the State) તરીકે નિયુક્તિ. 1945માં બ્રિટનના લશ્કરની મહિલા પાંખ-(Auxiliary Territorial Service – ATS)માં હોદ્દો (commission) ગ્રહણ કર્યો તથા યાંત્રિક વાહનોના ચાલક તરીકે તાલીમ લીધી. નવેમ્બર, 1947માં ફિલિપ માઉન્ટબેટન (ગ્રીસ અને ડૅનમાર્કના ભૂતપૂર્વ રાજપુત્ર) સાથે લગ્ન.

પોતાના પિતા જ્યૉર્જ છઠ્ઠાની માંદગીને કારણે 1951થી શાહી સમારંભોમાં સમ્રાટનાં પ્રતિનિધિ તરીકે તેમણે ફરજો અદા કરી હતી. પિતાના મૃત્યુ પછી ફેબ્રુઆરી, 1952માં બ્રિટિશ સામ્રાજ્યના વડા તરીકે તેમની વિધિસરની નિયુક્તિ જાહેર થઈ તથા જૂન, 1953માં તેમનો રાજ્યારોહણ-સમારંભ થયો.

ઇલિઝાબેથ – II

ઇલિઝાબેથ- II

1947માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન બ્રિટિશ સામ્રાજ્યની સેવા માટે પોતાની જાતને સમર્પિત કરવાની જાહેરાત કરી. 1953-54 દરમિયાન રાષ્ટ્રકુટુંબના દેશોનો 6 માસનો પ્રવાસ કર્યો. 1961માં ભારતીય ઉપખંડની પ્રથમ મુલાકાત લીધી. 1961માં પોપ જૉન 24 સાથે મુલાકાત. 1977માં પોતાના રાજ્યારોહણનાં 25 વર્ષ પૂરાં થવાની ઉજવણીના ભાગ રૂપે રાષ્ટ્રકુટુંબના દેશોની ફરી મુલાકાત લીધી.

તેમના મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અન્ય સંતાનોમાં એક પુત્રી અને બે પુત્રો છે.

તેમના શાસન દરમિયાન શાહી ઔપચારિકતાઓમાં ઘટાડો કરવાના સફળ પ્રયાસ થયા છે; દા.ત., તેમનાં સંતાનો અન્ય બાળકોની જેમ પબ્લિક સ્કૂલોમાં ભણે છે, દેશના મહેમાનો માટે રાત્રિના શાહી ભોજનસમારંભોને બદલે હવે મર્યાદિત સંખ્યાના મહેમાનોની હાજરીવાળા બપોરના ભોજનસમારંભો યોજાય છે, રાણીના દરબારની પ્રથા રદ કરવામાં આવી છે વગેરે. એ રીતે ઇંગ્લૅન્ડમાં રાજાશાહી અંગેના પ્રચલિત ખ્યાલમાં આધુનિકતાનાં વલણો દાખલ થયાં છે. તેમનો મોટાભાગનો સમય ઔપચારિક સમારંભોમાં હાજરી આપવામાં તથા વિશ્વના દેશોની મુલાકાતો લેવામાં જાય છે. રાણી વિક્ટોરિયા પછી સૌથી લાંબો શાસનકાળ તેમને મળ્યો છે. તેઓ કૉમનવેલ્થના અન્ય 15 દેશોનાં પણ મહારાણી છે. તેમના આજ સુધીનાં 60 વર્ષના કાર્યકાળમાં તેમણે બ્રિટિશ સામ્રાજ્યનું વિસર્જન, યુરોપિયન યુનિયનનું સર્જન, બર્લિન દીવાલની કટોકટી અને ભંગાણ તેમજ સોવિયત સંઘનું વિસર્જન જેવી ઐતિહાસિક ઘટનાઓ જોઈ-અનુભવી છે. તેમના કાર્યકાળમાં તેમણે 2010માં બીજી વાર સંયુક્ત રાષ્ટ્રસંઘને સંબોધન કર્યું હતું. જૂન, 2012માં તેમના શાસનનો હીરક મહોત્સવ ધામધૂમથી ઊજવાયો હતો. બ્રિટનની પ્રજા માટે તેઓ મોભાનું અને ઇતિહાસનું પ્રતીક છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે