ઇલીચ, ઇવાન ડી. (જ. 4 સપ્ટેમ્બર 1926, વિયેના; અ. 2 ડિસેમ્બર 2002, જર્મની) : અશાલેય શિક્ષણની હિમાયત કરનાર જાણીતા (de-schooling) શિક્ષણવિદ. ધર્મશાસ્ત્ર અને તત્વજ્ઞાનનો રોમમાં ઉચ્ચ અભ્યાસ કરેલો. ઇતિહાસમાં પીએચ.ડી.. 1951થી અમેરિકા અને લૅટિન અમેરિકામાં પાદરી તરીકેની કામગીરી. વિખ્યાત અને વિવાદાસ્પદ બનેલા ‘સેન્ટર ફૉર ઇન્ટરકલ્ચરલ ડૉક્યુમેન્ટેશન’-(CIDOC)ના સહસંસ્થાપક. 1964થી ‘ઇન્સ્ટિટ્યૂશનલ ઑલ્ટરનેટિવ્ઝ ઇન એ ટૅક્નૉલૉજિકલ સોસાયટી’ પરના સંશોધન સેમિનારોના માર્ગદર્શનમાં વ્યસ્ત રહ્યા. અશાલેય સમાજનો નાદ અમેરિકા, યુ. કે. તથા અન્યત્ર પ્રસર્યો. તેમણે શાલેય શિક્ષણને બિનઅસરકારક, બિનલોકશાહી અને ખર્ચાળ હોવાના મુદ્દા પર અમાન્ય ઠેરવ્યું છે. તેના વિકલ્પે તે સમાજમાં પુસ્તકાલયોની તથા અનિવાર્યપણે પ્રશિક્ષિત ન હોય તેવા શિક્ષકો દ્વારા સ્વતંત્ર અને સહકારમૂલક અધ્યયનની હિમાયત કરે છે. આમાંથી જ વૈકલ્પિક શિક્ષણ(alternative education)ની વિભાવના ઉદભવી, જે મુક્ત શાળાઓ(free schools)ને સ્વરૂપે ઘર, શેરી કે સમાજમાં સંભવી શકે. યુ. કે. અને અન્ય દેશોનાં મોટાં શહેરોમાં ઘણી મુક્ત શાળાઓ શરૂ થઈ અને શાળામાંથી ગાપચી મારવાની ટેવવાળાં કે બીજી કોઈ રીતે ઔપચારિક શાળા પ્રત્યેની ચાહના ગુમાવી બેઠેલાં બાળકો માટે તે આશ્રયસ્થાન બની. આવી શાળાઓનો હેતુ અભ્યાસક્રમ અને પદ્ધતિના જડ માળખાથી મુક્ત થઈ પ્રાગતિક બની રહેવાનો તથા શિક્ષક-વિદ્યાર્થીના સંબંધને લોકશાહી સ્વરૂપ આપવાનો રહ્યો છે. તેમનું પુસ્તક ‘ડિસ્કૂલિંગ સોસાયટી’ (1971) ખૂબ જાણીતું છે. 1975માં તેમના પ્રગટ થયેલા પુસ્તક ‘મેડિકલ નિમેસિસ’માં તેમણે તબીબી સારવારની પ્રસ્થાપિત પ્રથા પર પ્રહારો કર્યા હતા.

જયેન્દ્ર દવે