ઇરુપતાં નૂટ્ટાંટિંટે ઇતિહાસમ્
January, 2002
ઇરુપતાં નૂટ્ટાંટિંટે ઇતિહાસમ્ : મલયાળમ ખંડકાવ્ય. આલ્કતમ્ અચ્યુતન નમ્બુદિરિ (નંપૂતિરિ) (જ. 1917) રચિત આ ખંડકાવ્યના શીર્ષકનો અર્થ છે ‘વીસમી સદીની ગાથા’. માનવીના અંતરની કૂટ સમસ્યાઓનું પ્રભાવશાળી આલેખન કરતું આ કાવ્ય છે. તેનો નાયક ભાવુક અને આદર્શવાદી છે અને તે અન્યાયો ને અત્યાચારો વિરુદ્ધ સંઘર્ષ કરવા સામ્યવાદી માર્ગ ગ્રહણ કરે છે. કિશોરાવસ્થામાં કવિ સામ્યવાદ પ્રતિ આકર્ષાયા હતા, પણ પ્રૌઢાવસ્થામાં સામ્યવાદની હિંસક અને અત્યાચારી રીતે ધ્યેય પ્રાપ્ત કરવાની નીતિથી તેમના ભ્રમનું નિરસન થયું અને તેઓ આઘાત પામ્યા. વૈયક્તિક સંબંધો, મધુર ભાવનાઓ અને માનવીય નીતિમત્તાનું બલિદાન આપનાર હજારો સાથીઓને ક્રાંતિની આગમાં ફેંકી દેનાર આંદોલનથી નાયક વીસમી સદીના આ સર્વાધિક દુ:ખદ મોહભંગ પર આંસુ સારે છે. આદર્શોના આકર્ષણથી અંજાઈ સત્યદર્શનથી વિમુખ થનાર મનુષ્યનો ભાવપૂર્ણ અને વિચારોત્તેજક હૃદયાલાપ આ કાવ્યમાં સંભળાય છે. કવિના પોતાના અનુભવોનું આ કાવ્યમાં પ્રતિબિંબ છે. આધુનિક મલયાળમ કાવ્યોમાં આ કાવ્યનું સ્થાન અદ્વિતીય છે. આ કાવ્યની તુલના કેવળ વૈલોપ્પીલીકૃત ‘કુપિયોખિક્કલ’ સાથે થઈ શકે. તેમાં પણ બે વિચારધારામાં સપડાયેલ–મૂંઝાયેલ અને ભગ્ન થયેલ શિક્ષિત મધ્યમ વર્ગની સમસ્યાઓનું આલેખન છે.
અક્કવુર નારાયણન્