ઇરવિંગ, વોશિંગ્ટન (જ. 3 એપ્રિલ 1783, ન્યૂયૉર્ક; અ. 28 નવેમ્બર 1859) : અમેરિકન લેખક. મા-બાપનાં અગિયાર સંતાનોમાં તે સૌથી નાનો. કુટુંબના હાર્ડવેરના ધંધાને બદલે તેણે કાયદાનો વ્યવસાય પસંદ કર્યો હતો. તેની પ્રિયતમા મટિલ્ડા હોફમાનના અકાળ અવસાનથી આઘાત પામીને તેણે 1804થી 1806 સુધી યુરોપનો પ્રવાસ ખેડ્યો. પછી તેના રસના વિષય ત્રણ રહ્યા : રાજકારણ, જનસમુદાય અને ગદ્ય. 1807–1808 દરમિયાન તેણે મિત્રો સાથે એક વિનોદ અને વ્યંગ્યનું સામયિક ‘સલ્માગુંડી’ પ્રગટ કર્યું અને ‘ડીડરીશ નિકરબ્રોકર’ને નામે ‘એ હિસ્ટરી ઑવ્ ન્યૂયૉર્ક’ (1809) લખીને એક ચબરાક હાસ્યકાર તરીકે ખ્યાતિ મેળવી. 1815થી 17 વર્ષ તેણે ફરીથી યુરોપનો પ્રવાસ કર્યો અને તે દરમિયાન ‘જ્યૉફ્રે ક્રેયૉન’ ઉપનામથી ‘ધ સ્કૅચબુક’ (1819–20) પ્રગટ કરી આંતરરાષ્ટ્રીય કીર્તિ પ્રાપ્ત કરી. તેની ‘ધ લિજન્ડ ઑવ્ સ્લીપી હોલો’ અને ‘રિપ વાન વિંકલ’ જેવી વાર્તાઓએ લોકોને મુગ્ધ કર્યા.

વોશિંગ્ટન ઇરવિંગ

વોશિંગ્ટન ઇરવિંગ

નિર્દંશ હાસ્યરસ રમતિયાળ શૈલીમાં વહે છે. તેની ‘બ્રેસ બ્રિજ હોલ’ (1822) અને ‘ટેલ્સ ઑવ્ અ ટ્રાવેલર’ (1824) જેવી કૃતિઓ વાંચતાં લોકો ધરાતા જ નહિ. તેના સ્પેનમાંના રસિક અનુભવો ‘ધી અલ્હંબ્રા’(1832)માં વાર્તાઓ અને શબ્દચિત્રો રૂપે રજૂ થયેલા છે. 1842–1845 દરમિયાન તે સ્પેનમાં મિનિસ્ટર અને મુત્સદ્દી હતો. તેણે મૃત્યુ અગાઉ પાંચ ગ્રંથોમાં પ્રથમ પ્રમુખ વૉશિંગ્ટન તેમજ પેગમ્બર મુહંમદ, જૉન જૅકબ એસ્ટર, ઑલિવર ગોલ્ડસ્મિથ અને ક્રિસ્ટૉફર કોલંબસનાં જીવનચરિત્રો લખ્યાં છે. તેના લેખન પર અંગ્રેજ લેખકો જૉસેફ એડિસન, ઑલિવર ગોલ્ડસ્મિથ અને વૉલ્ટર સ્કૉટનો પ્રભાવ હોવા છતાં તેણે આગવી મૌલિક શૈલી દ્વારા ‘અમેરિકન સાહિત્યના પ્રથમ પ્રવર્તક’ તરીકે નામના મેળવી હતી. તેની કૃતિઓ ખૂબ વંચાતી અને પ્રથમ પંક્તિના લેખક તરીકે તેની ખ્યાતિ યુરોપ અને અમેરિકામાં ખૂબ ફેલાઈ હતી.

કૃષ્ણવદન જેટલી