ઇરયિમ્મન તમ્પિ (જ. 12 ઑક્ટોબર 1782 કોટ્ટાકાકોમ; અ. 29 જુલાઈ 1856 ત્રાવણકોર) : મલયાળમ કવિ. અઢારમી સદીના પ્રથમ પંક્તિના મલયાળમ કવિઓમાં તેમનું ઉચ્ચ સ્થાન છે. તેઓ ત્રાવણકોરના મહારાજાના રાજકવિ હતા. એમના પિતાનો રાજદરબાર સાથે સીધો સંબંધ હતો. તેથી રાજદરબારમાં પ્રવેશ કરવાનું એમને માટે આસાન બન્યું. આ ઉપરાંત કેરળના રાજકુટુંબના કવિ સ્વાતિના તેઓ મિત્ર હતા. બંને મિત્રો કાવ્યરચનામાં સમય વિતાવતા અને પોતે લખેલાં કાવ્યો એકબીજાને વંચાવી પરસ્પર અભિપ્રાય માગતા. એમણે અનેક રચનાઓ કરી હોવા છતાં, એમની ખ્યાતિ તો એમનાં ત્રણ કથકલિ-નાટકોને કારણે જ વિસ્તરી છે. આજે પણ એમનાં એ નાટકો લોકપ્રિય છે. આ ઉપરાંત એમણે કર્ણાટક સંગીતશૈલીમાં ગીતકાવ્યો પણ રચ્યાં છે. શાસ્ત્રીય રાગમાં રચાયાં હોવા છતાં સામાન્ય જન પણ ગાઈ શકે એટલી સરળતા તેમાં છે. એમના સમયના રાજકુંવર માટે એમણે હાલરડાં રચ્યાં હતાં. એ હાલરડાંમાં કોઈ વ્યક્તિવિશેષનું નામ ન હોવાથી આજે પણ કેરળમાં એ હાલરડાં ગવાય છે.
અક્કવુર નારાયણન્