ઇયારુઇંગમ (1960) : અસમિયા નવલકથા. ઇયારુઇંગમનો અર્થ જનતાનું શાસન થાય છે. સાહિત્ય અકાદમી દ્વારા 1961માં પુરસ્કૃત. તેના લેખક વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યને 1979નો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. આ રાજકીય નવલકથામાં ભારતીય અને નાગા રાષ્ટ્રીયતા વચ્ચેનો સંઘર્ષ બતાવ્યો છે. લેખકે કથાનકને અત્યંત કલાત્મક રીતે વિકસાવ્યું છે. એમાં ‘નાગા’ પહાડી પ્રદેશોનું રાજકારણ નિરૂપ્યું છે. એ પહાડી વિસ્તાર આસામનો એક જિલ્લો હોવા છતાં કેવી રીતે કેટલાંક સ્વાર્થી પરિબળોએ ત્યાંના લોકોને અવળે માર્ગે ચડાવ્યા તેનું વિસ્તૃત ચિત્રણ કર્યું છે. એને પરિણામે નાગભૂમિનું કેવી રીતે કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપાંતર થયું અને નાગાલૅન્ડનો જન્મ થયો તેનો વિગતપ્રચુર ઇતિહાસ એમણે કહ્યો છે.

નવલકથાકારે જુદાં જુદાં પાત્રો દ્વારા નાગાલૅન્ડની રાજકીય પરિસ્થિતિનાં વિભિન્ન પાસાં દર્શાવ્યાં છે. નાગાઓમાં પણ અનેક જુદા જુદા પક્ષો હતા તેનું પણ નિરૂપણ કર્યું છે. આની વિશેષતા એ છે કે લેખકે પોતાની જાતને પણ એક પાત્ર તરીકે ગોઠવી દીધી છે. નાગમાં પણ રીશાંગ, ફણિત્ફંગ, નાજેક, વિડેસેલી વગેરે નાગાઓના જુદા જુદા નેતાઓના આદર્શો અને ર્દષ્ટિકોણની ભિન્નતાને કારણે તે લોકોમાં પણ કેવા આંતરવિગ્રહો થતા તે દર્શાવાયું છે. આમ છતાં લેખકે નાગાઓની ગતિવિધિનું નિરૂપણ કલાકારની તટસ્થતા અને સહાનુભૂતિથી કર્યું છે. આ કથા એક-બે પાત્રોની નથી પણ સમસ્ત નાગપ્રજાની છે અને તેથી નાગપ્રજાનું વૈવિધ્યપૂર્ણ ચિત્ર એમાં આલેખાયેલું છે. આ નવલકથાને જાનપદી નવલકથા કહી શકાય; કારણ કે નાગ લોકોની ભાષાકીય, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક એમ અનેક સમસ્યાઓનું એમાં નિરૂપણ છે. એક રીતે કહીએ તો એ નાગસંસ્કૃતિના કોશની ગરજ સારે તેમ છે. એમાં નાગભૂમિના પ્રાકૃતિક સૌન્દર્યનું ચિત્રાત્મક વર્ણન છે.

અસમિયા સાહિત્યમાં ઇયારુઇંગમનું ઉચ્ચ સ્થાન છે અને માત્ર અસમિયાની જ નહિ, પરંતુ ભારતની નવલકથામાં પણ એ વિશિષ્ટ ભાત પાડે છે.

પ્રીતિ બરુઆ