ઇમામશાહ (જ. 1452; અ. 1513 અથવા 1520) : અમદાવાદની દક્ષિણે પીરાણાના જાણીતા પીર. તેઓ મુહમ્મદ બેગડાના સમયમાં (આ. 1470-71) ઈરાનથી ગુજરાતમાં આવી અમદાવાદની ઉત્તરે આશરે 14 કિમી. ઉપર આવેલા ‘ગીરમથા’ નામના ગામમાં સ્થાયી થયા. એ ગામને આજે ‘પીરાણા’ અર્થાત્ પીરોના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. એમના ચમત્કારોને કારણે ગુજરાતના સુલતાન મુહમ્મદ બીજાએ એમને પોતાની પુત્રી પરણાવી હતી. એનાથી એમને ચાર પુત્ર થયા, જે પીરાણાના સૈયદોના પૂર્વજ હતા. પીર સદ્રુદ્દીન પછી કબીરુદ્દીન અને એમના પછી ઇમામુદ્દીન (ઇમામશાહ) નામે પીર થયા. તેઓએ સતપંથમાં થોડાક ફેરફાર કરીને પોતાનો નવો પંથ ‘પીરાણાપંથ’ ચલાવ્યો. આ સંપ્રદાયના પેટાવિભાગ ‘આઠિયા’, ‘સાતિયા’ અને ‘પાંચિયા’ તરીકે ઓળખાય છે. આ પંથમાં જોડાયેલી જુદી જુદી કોમોમાં પ્રચારક–ઉપદેશક તરીકે એમના પીરે નીમેલા મુખીઓને ‘કાકા’ કહેવામાં આવે છે. એમની ફરજો તે તે કોમના અનુયાયીઓને ઉપદેશ આપવાની, એમની નાની-મોટી તકરારોનો નિકાલ કરવાની અને એમની પાસેથી ધાર્મિક ફાળો ઉઘરાવીને તેમના પીરને મોકલવાની હોય છે. ઇમામશાહીઓ અલ્લાહને સર્વોત્કૃષ્ટ કિરતાર તરીકે અને મુહમ્મદસાહેબને એના રસૂલ તરીકે માને છે. તેથી તેઓ પોતાને ઇમાનદાર મુસલમાન ગણે છે. તેઓ નમાજને ઘણું ઓછું મહત્વ આપે છે. તેઓ હિંદુઓના અવતારના સિદ્ધાંતોને – જગતની ઉત્પત્તિની માન્યતા તથા એમના અન્ય સિદ્ધાંતોને સ્વીકારે છે. તેઓ હજરત પેગંબરસાહેબને ‘પીર’ અથવા ‘ગુરુ’ માને છે અને એમની તથા ઇમામોની સ્થિતિ વચ્ચે ખાસ કોઈ અંતર હોવાનું માનતા નથી. કુરાનને તેઓ દૈવી ગ્રંથ માને છે, પરંતુ એમના ઇમામો કુરાનને રૂપકની જાણીતી પદ્ધતિથી સમજાવે છે. કુરાનનાં આવાં અનેક રૂપકો ‘જ્ઞાન’ તરીકે ઓળખાય છે. તેઓ કુરાનને બદલે ‘જ્ઞાન’નાં પુસ્તકોનો પાઠ કરે છે. ઇમામશાહે પોતાના પંથને અસલ હિંદુ પંથ જેવું સ્વરૂપ આપીને પોતાના પંથમાં જોડાનાર હિંદુઓને પોતપોતાનાં રીતરિવાજ, રહેણીકરણી અને માન્યતાઓને જેમનાં તેમ રાખવાની છૂટ આપી. તેમના ઉપદેશનો પ્રભાવ વિશેષત: કણબીઓ ઉપર પડ્યો, જેમાં મતિયા કણબીઓનો સમાવેશ થાય છે. ઇમામુદ્દીન પછી એમના પુત્ર ‘આદિવિષ્ણુ નિરંજન નરસી મુહમ્મદશાહ’ (નૂર મુહમ્મદશાહ) થયા, જેમણે સિંધી ભાષામાં ‘સતવેણી-જી-વેલ’ એટલે કે ‘સતધર્મની વેલ’ નામનું પુસ્તક લખ્યું, એમાં તેમના સંપ્રદાયના ઇમામો અને કર્મકાંડોનું વર્ણન છે. એમનાં પાંચ શિષ્યો હઝારબેગ, ભાભારામ, મયાકાકા, શનાકાકા અને ચીચીબાઈએ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારમાં અને મધ્ય ગુજરાતમાં પેટલાદ અને કાનમ સુધી આ પંથનો નીચલી ગણાતી કોમોમાં પ્રચાર કર્યો છે.

યતીન્દ્ર દીક્ષિત